સ્ટુડન્ટ ઑફ ધ યર આલિયા ભટ્ટની પહેલી ફિલ્મ નહોતી
આલિયા ભટ્ટ
એ ફિલ્મ મેળવવા માટે આલિયાએ અઢાર કિલોથી વધુ વજન માત્ર ત્રણ મહિનામાં ઉતારી નાખ્યું હતું
યસ, આલિયા ભટ્ટની પહેલી ફિલ્મ કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ નહોતી. આલિયા ભટ્ટની પ્રથમ ફિલ્મ ‘સંઘર્ષ’ હતી. એ ફિલ્મમાં આલિયાએ પ્રીતિ ઝિન્ટાના બાળપણના પાત્રનો રોલ કર્યો હતો. તેણે તેની પ્રથમ ફિલ્મ પ્રીતિ ઝિન્ટા અને આશુતોષ રાણાની ‘સંઘર્ષ’માં પ્રીતિ ઝિન્ટાના બાળપણનો રોલ કર્યો હતો.
આલિયા ભટ્ટે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ માટે ઑડિશન આપ્યું એ અગાઉ ચારસો છોકરીઓનું એ રોલ માટે ઑડિશન થઈ ચૂક્યું હતું. એ ફિલ્મમાં આલિયાએ વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે અભિનય કર્યો હતો, પરંતુ આલિયાની પસંદગી એ ફિલ્મમાં થઈ એ વખતે તેને કહેવાયું હતું કે તારે ત્રણ મહિનામાં વજન ઉતારવું પડશે. આલિયાને કોલ્ડ ડ્રિન્કનો અને જન્ક ફૂડનો ખૂબ જ શોખ હતો. એટલે તેના શરીર પર ખાસ્સી ચરબી જામી ગઈ હતી.
આલિયા જાડી હતી એના કારણે તે ટીનેજર હતી ત્યાં સુધી બધા તેને ‘આલુ’ કહીને બોલાવતા હતા. પરંતુ આલિયાને ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ના ઑડિશન પછી જ્યારે કહેવાયું કે તું આ રોલ માટે ચાલે એમ છે પણ તારી પાસે આ ફિલ્મની હિરોઇન તરીકે જે ફિગર જોઈએ એ ફિગર નથી એટલે તારે વજન ઘટાડવું પડશે ત્યારે તે પોતાના શરીર પરની ચરબી ઘટાડવા માટે એકદમ ગંભીર બની ગઈ હતી. અને એ પછીના સમય દરમિયાન આલિયા ભટ્ટે રીતસર રાત-દિવસ એક કર્યાં હતાં અને તેણે અઢાર કિલોથી વધુ વજન માત્ર ત્રણ મહિનામાં ઉતારી નાખ્યું હતું.
અત્યારની આલિયાને જોયા પછી તેના ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ પહેલાંના ફોટોગ્રાફ કોઈ જુએ તો તે માની પણ ન શકે કે આલિયા પહેલાં કેટલી ‘તંદુરસ્ત’ હતી. આલિયા એ રોલ ગુમાવવા માગતી નહોતી એટલે તેણે તેના શરીર પરની ચરબી ઉતારી નાખી હતી.
‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ બૉક્સ-ઑફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી અને તેણે માત્ર બૉક્સ-ઑફિસ પરથી ૧૦૯ કરોડ રૂપિયાથી વધુ વકરો કરી લીધો હતો. એ ફિલ્મની સ્ટોરી કરણ જોહરે લખી હતી અને સ્ક્રિપ્ટ રેન્સિલ ડિસિલ્વા અને નિરંજન આયંગરે લખી હતી. એ ફિલ્મના પ્રોડ્યુસર તરીકે કરણ જોહરની માતા હીરુ યશ જોહર અને શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનનાં નામો હતાં. ધર્મા પ્રોડક્શન્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના બૅનર હેઠળ બનેલી એ ફિલ્મને કારણે આલિયા ભટ્ટ અને તેની સાથે વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ હતી. ૧૯ ઑક્ટોબર, ૨૦૧૨ના દિવસે રિલીઝ થયેલી એ ફિલ્મે તરખાટ મચાવી દીધો હતો.

