તેણે નેગેટિવિટી જોઈને કહ્યું, ૨૦૨૨નું વર્ષ હજી પૂરું નથી થયું
કંગના રનોટ
કંગના રનોટનું કહેવું છે કે તેણે ઘણીબધી નેગેટિવિટી જોઈ છે, પરંતુ ૨૦૨૨નું વર્ષ તેના માટે બ્લૉકબસ્ટર છે. ૨૦ મેએ રિલીઝ થયેલી તેની ‘ધાકડ’ બૉક્સ-ઑફિસ પર ખૂબ ખરાબ રીતે પટકાઈ હતી. રિલીઝના થોડા દિવસોમાં જ ફિલ્મના શો બંધ થઈ ગયા છે. ફિલ્મ લોકોને પસંદ નથી આવી. તેની પાસે ‘તેજસ’, ‘સીતા: ધ ઇન્કાર્નેશન’ અને ‘મણિકર્ણિકા : ધ લેજન્ડ ઑફ દીદ્દા’ જેવી ફિલ્મો છે. ‘ધાકડ’ના બૉક્સ-ઑફિસ પર જે પ્રકારે હાલ થયા હતા એ વિશે તેણે ચૂપકી તોડી છે. ફિલ્મ ફ્લૉપ હોવા છતાં પણ કંગના પોતાને બૉક્સ-ઑફિસની ક્વીન જણાવી રહી છે. ઇન્સ્ટાસ્ટોરી પર એક નોટ શૅર કરીને કંગનાએ લખ્યું હતું કે ‘૨૦૧૯માં મારી ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’એ ૧૬૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. એ સુપરહિટ ફિલ્મ હતી. ૨૦૨૦ તો કોવિડનું વર્ષ હતું, ૨૦૨૧માં મારી કરીઅરની સૌથી મોટી ફિલ્મ ‘થલાઇવી’ ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવી હતી અને એ પણ ખૂબ સફળ થઈ હતી. મેં ઘણીબધી ક્યુરેટેડ નેગેટિવિટી જોઈ છે, પરંતુ ૨૦૨૨નું વર્ષ બ્લૉકબસ્ટર છે, કેમ કે ‘લૉક અપ’ને હોસ્ટ કર્યો હતો અને હજી વર્ષ પૂરું નથી થયું. મને ખૂબ આશાઓ છે. સુપરસ્ટાર કંગના રનોટ ભારતની બૉક્સ-ઑફિસની ક્વીન છે.’