‘પરણેલાં છો તો હિંમત રાખો’ નાટક ચાલતું હતું એ દરમ્યાન મેં એક ફિલ્મ જોઈ અને એ ફિલ્મ જોઈને હું એ કૅરૅક્ટરના પ્રેમમાં પડી ગયો. OCDથી પીડાતું એ કૅરૅક્ટર રોજ નવો સાબુ કાઢે અને હાથ ધોઈને સાબુ ફેંકી દે. મને થયું કે આપણે આ કૅરૅક્ટર પર કંઈક બનાવવું જોઈએ
જે જીવ્યું એ લખ્યું
આ ફિલ્મનું લીડ કૅરૅક્ટર મને એવું તે ગમ્યું કે અમે નક્કી કર્યું કે આપણે આ જ કૅરૅક્ટરિસ્ટિક સાથે ગુજરાતીમાં સાવ સ્વતંત્ર એક નાટક બનાવીએ.
નાટક ‘પરણેલાં છો તો હિંમત રાખો’ બંધ કરવાની ટીમમાં જાહેરાત કરી દીધી અને એ પછી પણ એ નાટક ચાલુ રાખવું પડે એવા સંયોગ ઊભા થયા અને આ સંયોગ વચ્ચે મને સુખદ આશ્ચર્ય મળ્યું ભારતીય વિદ્યા ભવનમાં.
‘હાઉસફુલ.’
હા, નાટકના અમારા બોર્ડની આગળ હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. નાટક પૅક હતું અને ચાલી પડ્યું હતું. જો રવિવારના એ શો વિશે જ કહું તો એ શો પણ સારો ગયો. સન્ડેનો એ શો પબ્લિક શો હતો, એ શોમાંથી અમને ખૂબ સારો પ્રૉફિટ થયો અને નક્કી થઈ ગયું કે નાટકને એમ ને એમ તો બંધ નથી જ કરવું, પણ મિત્રો, મારો એક પ્રૉબ્લેમ હતો. નાટકના સેકન્ડ ઍક્ટથી હું ખુશ નહોતો. મેં અગાઉ પણ તમને કહ્યું હતું એમ રિહર્સલ્સ સમયથી જ હું નાખુશ હતો અને મેં એ વાત મારા ડિરેક્ટર હરિન ઠાકર સહિત સૌકોઈને કહી હતી. બીજો પ્રૉબ્લેમ એ હતો કે સેકન્ડ ઍક્ટ નાનો હતો. સામાન્ય વાચકોને ધ્યાનમાં રહે એ માટે તમને કહી દઉં કે કમર્શિયલ નાટકોમાં પહેલો અંક એક કલાક અને પાંચ મિનિટનો અને બીજો અંક પાંચાવન મિનિટથી લઈને એક કલાક જેટલો હોવો જોઈએ.
મેં હરિનભાઈની વાત પણ તમને કહી છે. હરિનભાઈ અમદાવાદ છોડે નહીં. અમદાવાદનો તેમને ભારે અહંગરો એવું કહું તો ચાલે. અમદાવાદ છોડીને તેઓ મુંબઈ નાટક ડિરેક્ટ કરવા આવે ત્યારે તેમની સ્ક્રિપ્ટ પર ત્રણ તારીખ લખી હોય. સૌથી પહેલાં નાટકના મુહૂર્ત થયાની તારીખ હોય, એ પછી નાટક ઓપન થયાની તારીખ હોય. ત્રીજી લાઇનમાં તેમણે લખ્યું હોય ઃ અમદાવાદ જવાની તારીખ. જેમાં નાટક ઓપન થયા પછીના દિવસની જ તારીખ લખી હોય.
પોતાની આ વાતને હરિનભાઈ વળગી પણ રહે અને એવું જ ‘પરણેલાં છો તો હિંમત રાખો’માં પણ બન્યું. ૨૭ જાન્યુઆરીએ નાટક ચવાણમાં ઓપન થયું અને બીજા દિવસે એટલે કે ૨૮ જાન્યુઆરીએ હરિનભાઈ અમદાવાદ જતા રહ્યા.
તેમની હાજરીમાં જ નિર્ણય લીધો હતો કે નાટક બંધ કરવું, પણ એ પછી આ નિર્ણય બદલાયો અને નાટક ચાલુ રાખવાનું નક્કી થયું, પણ હરિનભાઈ તો અમદાવાદ અને અહીં હું મૂંઝાઉં. ક્લાઇમૅક્સમાં મને મજા આવે નહીં. મનોમંથન કરતાં-કરતાં મને સૂઝ્યું કે સેકન્ડ ઍક્ટ નાનો છે તો એમાં એક સીન ઉમેરીએ અને ક્લાઇમૅક્સને પણ થોડો રિપેર કરીએ. મિત્રો, અહીં મારે બીજી પણ એક વાત કહેવી છે. નાટકના શોને પ્રયોગ કહેવામાં આવે છે અને સાયન્સની લૅબોરેટરીમાં પણ પ્રયોગ થતા હોય છે. આ બન્ને લગભગ સરખા છે. તમારે જે કરવા હોય એ એક્સપરિમેન્ટ કરતા જવાના અને પછી જે સંયોજન તમને ગમે એ તમારે સ્થાયી કરી દેવાનું.
મેં હરિનભાઈ સાથે વાત કરી અને હરિનભાઈ પણ ઍગ્રી થયા. તેમણે મને કહ્યું કે મને કોઈ વાંધો નથી, તારે જે ચેન્જ કરવા હોય એ તું તારે કર.
‘તમે મને સીન લખીને મોકલો, રિહર્સલ્સ હું અહીં કરાવી લઈશ...’
હરિનભાઈએ સીન લખીને મને ફૅક્સ કર્યો. એ વખતે ઈ-મેઇલની સુવિધા આટલી ઈઝી નહોતી અને ફૅક્સનું ચલણ હતું. હરિનભાઈએ મને સીન ફૅક્સ કર્યો. મેં એની પ્રિન્ટ કઢાવી અને બધાને રિહર્સલ્સ માટે બોલાવ્યા. નવો સીન ઉમેર્યો અને ક્લાઇમૅક્સ પણ આખો નવેસરથી સેટ કર્યો. નવા સીનમાં એક મર્ડર થાય છે, જે હકીકતમાં મર્ડર છે જ નહીં. ઍક્ચ્યુઅલમાં હસબન્ડને એવું છે કે તેની વાઇફ જબરદસ્ત શંકાશીલ છે એટલે તેને પાઠ ભણાવવા માટે જ આ આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જરૂરી બધાં એડિશન કરીને મેં સીન સેટ કર્યો. એ સીન બધાને બહુ ગમ્યો, સીનની કોરિયોગ્રાફી પણ બધાને ખૂબ ગમી અને નાટક બરાબર સેટ થઈ ગયું. એ સમયે પણ મને લાગ્યું કે મારે નાટક ડિરેક્ટ કરવું જોઈએ, પણ મેં તમને અગાઉ કહ્યું હતું એમ, ‘શુકન સવા રૂપિયો’ નાટકનો કડવો અનુભવ મેં કરી લીધો હતો. એકસાથે ચાર ઘોડે ચડવાને કારણે મારા પર્ફોર્મન્સ પર વિપરીત અસર થતી મેં જોઈ લીધી હતી એટલે મનમાં આવેલા ડિરેક્શનના એ વિચારનું ફરી એક વાર બાળમરણ કરાવીને હું આગળ નીકળી ગયો.
એ પછી તો નાટક ક્યાંય અટક્યું નહીં અને મસ્ત રીતે નીકળી ગયું. નાટક પૂરું કરતાં પહેલાં અમે ફરી તારક મહેતાને મળ્યા અને તેમની પાસેથી ડિજિટલ રાઇટ્સ લઈને અમે થ્રી-કૅમેરા સેટઅપ સાથે નાટક શૂટ કર્યું અને નાટકની ડીવીડી પણ માર્કેટમાં મૂકી. મારાં ૩૫થી ૪૦ નાટકો યુટ્યુબ અને શેમારુમી ઍપ પર અવેલેબલ છે. હું ગર્વથી કહીશ કે એ તમામ નાટકોમાં સૌથી વધારે જોવાતાં ટૉપનાં ત્રણ નાટકોમાં ‘પરણેલાં છો તો હિંમત રાખો’ નાટકનો સમાવેશ છે.
અમારું આ નાટક ચાલતું હતું એ દરમ્યાન અમે જૅક નિકલસનની ફિલ્મ ‘એઝ ગુડ એઝ ઇટ ગેટ્સ’ જોઈ. આ ફિલ્મમાં વાત છે એક એવા માણસની જેને OCD (ઑબ્લેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર)નો પ્રૉબ્લેમ છે. આ પ્રૉબ્લેમ હોય તેની સાથે કેવું થાય એ જરા સમજવા જેવું છે. OCD એટલે સ્વચ્છતાના દુરાગ્રહની તકલીફ. સ્વચ્છતાનો આગ્રહ જરૂરી છે, પણ એ આગ્રહ જ્યારે દુરાગ્રહ બની જાય ત્યારે કેવી તકલીફ ઊભી થાય એની વાત ‘એઝ ગુડ એઝ ઇટ ગેટ્સ’માં દેખાડવામાં આવી હતી.
એક માણસ છે જેને દરેક ચીજવસ્તુ ખરાબ કે ગંદી જ લાગે છે અને એ પણ ત્યાં સુધી કે હોટેલમાં પણ જાય તો પોતાના ઘરેથી પ્લાસ્ટિકનાં ચમચા-ચમચી અને કાંટા લઈને જાય. સહેજ પણ ગંદકી જુએ કે ચીજવસ્તુ આડીઅવળી જુએ તો તેને તકલીફ થવા માંડે અને તે તરત ઇરિટેટ થઈ જાય. આ જે પ્રૉબ્લેમ છે એની પણ ડિગ્રી હોય છે. મધ્યમથી અંતિમ ડિગ્રીને OCD થયો એવું કહેવાય.
આ ફિલ્મના હીરોની લાઇફમાં છોકરી આવે છે, જે હોટેલમાં વેઇટ્રેસ છે. આ છોકરીના પ્રેમમાં હીરો પડે છે અને પછી વાર્તા આગળ ચાલે છે.
મને આ કૅરૅક્ટર ખૂબ ગમી ગયું એટલે નક્કી કર્યું કે આપણે આના પરથી ગુજરાતીમાં કશુંક બનાવીએ. મેં તમને અગાઉ પણ કહ્યું છે કે કોઈ પણ ભાષાની ફિલ્મ પરથી ક્યારેય તમે કશું બેઠ્ઠેબેઠ્ઠું ન બનાવી શકો. દરેક ભાષાની, દરેક પ્રાંતની પોતાની સેન્સિબિલિટી અલગ-અલગ હોય છે એટલે તમારે તમારી ભાષાની સેન્સિબિલિટીને ધ્યાનમાં રાખીને જ આગળ વધવું પડે.
અમને ફક્ત પેલું કૅરૅક્ટર ગમ્યું હતું એટલે અમારે એ કૅરૅક્ટરની આસપાસ એક સ્વતંત્ર વાર્તા ઊભી કરવાની હતી. અમે ગયા લેખક ભાવેશ માંડલિયા પાસે. મિત્રો, ભાવેશ માંડલિયા અત્યારે બહુ મોટું નામ છે. આપણે ત્યાં ખૂબ હિટ ગયેલું નાટક ‘કાનજી વિરુદ્ધ કાનજી’ તેણે લખ્યું, જેમાં સચિન ખેડેકરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ જ નાટક પરથી પછી પરેશ રાવલે હિન્દીમાં ‘કિશન વર્સસ કનૈયા’ નાટક બનાવ્યું. હિન્દી નાટક પણ સુપરહિટ રહ્યું એટલે પરેશ રાવલે અક્ષયકુમારને લઈને હિન્દી ફિલ્મ બનાવી ‘ઓહ માય ગૉડ’.
ભાવેશ અત્યારે તો ફિલ્મો અને વેબ-સિરીઝ લખવામાં બહુ વ્યસ્ત છે. એ વખતે પણ ભાવેશ બિઝી હતો, પણ એ નાટક લખવા તૈયાર થયો. સ્થળસંકોચને કારણે ઘડાતા જતા આ નાટકની વધુ વાતો હવે આપણે કરીશું આવતા સોમવારે.