Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > સર્વ કાવ્યોનું મહાકાવ્ય તે લગ્ન અને એમાંથી જાગી કવિતા

સર્વ કાવ્યોનું મહાકાવ્ય તે લગ્ન અને એમાંથી જાગી કવિતા

Published : 04 June, 2022 05:17 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

ગુજરાતી લગ્નગીતોનો સંગ્રહ કરી એને પુસ્તક રૂપે પ્રગટ કરવાની પહેલ કરી હતી અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદે. તેમનું ૧૮૭૦માં પ્રગટ થયેલું ‘નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતો’ આ પ્રકારનું આપણી ભાષાનું પહેલું પુસ્તક

ગુજરાતી લગ્નગીતોના પહેલા સંગ્રહ માટેનું સ્પેડ વર્ક એક સ્ત્રીએ કર્યું હતું. છતાં પુસ્તકની પહેલી આવૃત્તિમાં સવિતાગૌરીના નામનો ઉલ્લેખ સુધ્ધાં નર્મદે કર્યો નથી.

ચલ મન મંબઈ નગરી

ગુજરાતી લગ્નગીતોના પહેલા સંગ્રહ માટેનું સ્પેડ વર્ક એક સ્ત્રીએ કર્યું હતું. છતાં પુસ્તકની પહેલી આવૃત્તિમાં સવિતાગૌરીના નામનો ઉલ્લેખ સુધ્ધાં નર્મદે કર્યો નથી.


‘કવિતા લગ્નમાંથી ન જાગે તો પછી બીજે ક્યાંથી જાગે? સર્વ કાવ્યોનું મહાકાવ્ય તે લગ્ન. એમાંથી કવિતા જાગી. પણ એ તો સરિતા જેવી જાગી. કોઈ એકાદ બગીચાના નાના નળ જેવી એ નહોતી. એકાદ કોઈ ભણેલ ગણેલ કે પ્રેમની પોપટિયા વાણી ગોખેલ યુગલને સંતોષવા અથવા દેખાડો કરવા માટેની એ ‘રસ’ શબ્દના અતિરેકે ઊભરાતી કવિતા નહોતી; એ તો નાનાં મોટાં ને ઊંચાં નીચાં તમામ ખેતરોમાં રેલી જનારી સર્વસ્પર્શી કાવ્ય-સરિતા રૂપે જ રેલી હતી. એ કવિતાએ તો રાયથી લઈ રંક સુધી તમામ વર-કન્યાને એક જ સરખી રીતે લાગુ પડી મનધાર્યા મનોભાવ જગાવે તેવાં શબ્દચિત્રો આલેખ્યાં.’  
આ શબ્દો છે ગુજરાતના લોકસાહિત્યના અનન્ય સંગ્રાહક, સંપાદક, વિવેચક અને પ્રગટકર્તા ઝવેરચંદ મેઘાણીના. ૧૯૨૮ના એપ્રિલમાં પ્રગટ થયેલા ‘ચુંદડી : ગુર્જર લગ્નગીતો’ નામના પુસ્તકના વિસ્તૃત પ્રવેશકમાં એ લખાયેલા. લગ્નગીતોના સંગ્રહો તો આપણી ભાષામાં ઘણા પ્રગટ થયા છે, પણ આ ‘ચૂંદડી’ની તોલે આવે એવા બહુ ઓછા. 
ગુજરાતી લગ્નગીતોનો સંગ્રહ કરી એને પુસ્તક રૂપે પ્રગટ કરવાની પહેલ કરી હતી અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદે. તેનું ૧૮૭૦માં પ્રગટ થયેલું ‘નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતો’ આ પ્રકારનું આપણી ભાષાનું પહેલું પુસ્તક. એમાં નર્મદે વિસ્તૃત પ્રસ્તાવના લખી છે જેમાં આ ગીતો વિશે લખવા ઉપરાંત જે વિધિ વખતે એ ગવાય છે એ વિધિઓની પણ સમજૂતી આપી છે. જોકે નર્મદને ઘણાંખરાં લગ્નગીતોના ‘રાગ’ રુદન જેવા લાગ્યા હતા! છતાં તે કહે છે : ‘ગીતનો રાગ, ગીતની ભાષા, ગીતમાં રહેલા અર્થ, ગીતમાં રહેલી કવિતા, ગીતમાંની રીતભાત, ઇત્યાદિ જોતાં સુરતની નાગર સ્ત્રીઓની ઊંચી કુલીનતા ને તેની નાગરી સુઘડતા એ બેથી ઊભરાતો જે રસાનંદ, તે આ પુસ્તકમાં ચાંદરણારૂપ દીપી રહ્યો છે.’ 
લોકસાહિત્યના સંપાદન-સંશોધનમાં મૌખિક પરંપરાનું અને એમાંય સ્ત્રીઓની મૌખિક પરંપરાનું મહત્ત્વ જાણનાર અને સમજનાર નર્મદ કદાચ પહેલો હતો. તેનો મૂળ વિચાર તો ગુજરાતની તમામ જ્ઞાતિઓ અને બધા પ્રદેશોમાં ગવાતાં લગ્નગીતો એકઠાં કરી તુલનાત્મક અભ્યાસ સાથે છપાવવાનો હતો. પણ એ માટે જરૂરી સમય અને પૈસાના અભાવને કારણે તેણે સુરતની નગર જ્ઞાતિની સ્ત્રીઓમાં ગવાતાં ગીતો એકઠાં કરી સંતોષ માનવો પડ્યો. 
ઝવેરચંદ મેઘાણી લોકગીતો મેળવવા ગામડાની સ્ત્રીઓને મળીને તેમની પાસે ગીતો ગવડાવતા અને એનો પાઠ પોતે નોંધી લેતા. પણ નર્મદનાં સ્થળ-કાળમાં આમ કરવું શક્ય નહોતું. સુરત જેવા શહેરની સ્ત્રીઓ પણ અજાણ્યા પુરુષ પાસે ગીતો ગાય નહીં. એટલે આ પુસ્તક પર નામ નર્મદનું છાપ્યું છે, પણ ગીતો ભેગાં કરવાનું કામ તેણે પોતે કર્યું નથી. એ માટે તેણે બે પત્નીઓ ડાહીગૌરી અને સુભદ્રાગૌરી, ઉર્ફે નર્મદાગૌરીની મદદ લીધી હતી. પણ એ બે કરતાંય વધુ મદદ કરી હતી સવિતાગૌરીએ. તેમનાં લગ્ન બાળવયમાં થયાં હતાં અને ૧૫મે વરસે તે વિધવા થયાં હતાં. સાસરિયાં અને માતા, બન્નેથી તરછોડાયેલી આ સ્ત્રીને નર્મદે ૧૮૬૫માં પોતાના ઘરની બાજુના ઘરમાં રાખી હતી. સવિતાગૌરી પદો રચતાં, સાહિત્યમાં રસ ધરાવતાં એટલે તે અને નર્મદ એકબીજાની નજીક આવતાં ગયાં. તેમનાં કાવ્યો ‘એક સ્ત્રીજન’ના ઉપનામથી ‘વિશ્વજ્યોતિ’ અને ‘સમાલોચક’ જેવાં સામયિકોમાં છપાતાં. આ સંપાદનમાંનાં ગીતોમાંથી ઘણાં સવિતાગૌરીએ મેળવી આપ્યાં હતાં. જોકે પછીથી નર્મદ સાથેના સંબંધને કારણે વગોવાઈ ગયેલાં સવિતાગૌરીને તેમના ભાઈ અને પાલિતાણાના દેશી રાજ્યના દીવાન છોટાલાલ જાનીએ પોતાની પાસે બોલાવી લીધાં હતાં. છતાં નર્મદ અને સવિતાગૌરી વચ્ચેનો સ્નેહતંતુ કાયમ રહ્યો હતો. પાછલી ઉંમરે તેમણે દૃષ્ટિ ગુમાવી હતી. ૧૯૨૫માં તેમનું અવસાન થયું. 
આમ ગુજરાતી લગ્નગીતોના પહેલવહેલા સંગ્રહ માટેનું સ્પેડ વર્ક એક સ્ત્રીએ કર્યું હતું. છતાં પુસ્તકની પહેલી આવૃત્તિમાં સવિતાગૌરીના નામનો ઉલ્લેખ સુધ્ધાં નર્મદે કર્યો નથી. માત્ર પોતાની અંગત નકલમાં સવિતાગૌરીનો આભાર માનતી નોંધ લખી હતી! ‘ગુજરાતી પ્રેસ’ તરફથી ૧૯૧૦માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિમાં નર્મદની નોંધ છાપવામાં આવી હતી: ‘જે સંગ્રહ થયો છે તે જોતાં આ સંગ્રહ સંતોષકારક છે. એની ગોઠવણી કરવામાં બહુ ચતુરાઈ બતાવી છે. તે માટે સવિતાગવરીનો આભાર માનવાનો છે. એના વગર આ સંગ્રહ આવી ઉત્તમ રીતે સંગ્રહાઈ, ગોઠવાઈ શકાત નહીં.’ 
નર્મદનું પુસ્તક ૧૮૭૦માં પ્રગટ થયું તો કવીશ્વર દલપતરામનું ‘માંગલિક ગીતાવાલી’ ૧૮૮૩માં પ્રગટ થયું. એમાં પણ મુખ્યત્વે લગ્નગીતોનો સમાવેશ થાય છે. ફરક એ કે અહીં દલપતરામને ગીતોના ‘કર્તા’ તરીકે ઓળખાવ્યા છે. વઢવાણના દેશી રાજ્યના ઠાકોર દાજીરાજજીના લગ્નપ્રસંગે રાજ્યના ઍડ્મિનિસ્ટ્રેટર હરિદાસ વિહારીદાસે લગભગ એકસો લગ્નગીતો લખી આપવા દલપતરામને કહ્યું. દલપતરામે બીજા માંગલિક પ્રસંગોએ ગાવા માટેનાં ગીત પણ ‘રચ્યાં’ અને ૧૪૧ ગીતોનો સંગ્રહ પ્રગટ થયો. પુસ્તક છપાયું હતું મુંબઈમાં નાનાભાઈ રુસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં અને વઢવાણના દેશી રાજ્યે પ્રગટ કર્યું હતું. 
નર્મદના પુસ્તક પછી અને દલપતરામના પુસ્તક પહેલાં લગ્નગીતોનું એક પુસ્તક મુંબઈથી પ્રગટ થયું હતું પણ એની નોંધ ભાગ્યે જ કોઈએ લીધી છે. ૧૮૭૯માં પ્રગટ થયેલા પૂરાં ૪૭૪ પાનાંના આ પુસ્તકનું લાંબું લચક નામ હતું, ‘પારસી સ્ત્રી ગરબા તથા લગનસરામાં બેઠા બેઠા ગાવાના શહવેનાના ગીતો અને ગરબાઓનો સંગરહ.’ અને આ પુસ્તકના ‘બનાવનાર’ હતા શોરાબજી હોરમજી. પુસ્તકના ટાઇટલ પેજ પર તેમની ઓળખાણ આ રીતે આપી છે : ‘ચિકન છાપનાર અથવા ગરબા ગાનાર.’ અને આ કાંઈ તેમનું પહેલું પુસ્તક નહોતું. અગાઉ તેમણે ત્રણ ભાગમાં ‘રમૂજી ગરબાઓની ચોપડી’ પ્રગટ કરેલી. 
શોરાબજીનો જન્મ ક્યારે થયો એ તો જાણવા મળતું નથી, પણ ૧૮૯૪ના ફેબ્રુઆરીની સાતમી તારીખે ૭૪ વરસની ઉંમરે બેહસ્તનશીન થયા એમ જાણવા મળે છે. એવણની આર્થિક સ્થિતિ સાવ સામાન્ય. પહેલાં કેટલાંક વરસ સર જમશેદજી જીજીભાઈ, શેઠ જગન્નાથ શંકરશેટ જેવા મુંબઈના આગેવાનોનાં માટીનાં પૂતળાં બનાવીને પૈસો-બે પૈસા લઈ લોકોને બતાવવાનું કામ કર્યું. રોજ ‘પાયધોણી’ પાસે પૂતળાં બનાવતા. પણ અહીં જ કેમ? મુંબાદેવીના મંદિર નજીક આવેલા આ વિસ્તારમાં અગાઉ મુંબઈના ટાપુને વરળી-માઝગાંવના ટાપુઓથી જુદો પાડતી છીછરી ખાડી હતી. ભરતી વખતે એમાં સારુંએવું પાણી ભરાતું પણ ઓટ વખતે કાદવ-કીચડ રહેતો, પાણી નહીં. ભરતી ન હોય ત્યારે આવા કાદવ-કીચડમાં ચાલીને લોકો એક ટાપુ પરથી બીજા ટાપુ પર આવ-જા કરતા. ત્યારે કાદવથી ખરડાયેલા પગ ધોવા માટે થોડો વખત આ ‘પાયધોણી’ ખાતે રોકાતા, થાક ઉતારતા. એ વખતે એક-બે પૈસા આપી કેટલાક લોકો પૂતળાં જોવાની મોજ માણતા. 
એ જમાનામાં ખાસ કરીને પારસીઓમાં સપરમે અવસરે ચિકનની સાડી પહેરવાનો રિવાજ. એટલે શોરાબજી ચિકનની સાડી પર છાપકામ કરવાનો ધંધો કરતા. અને તેની સાથે સંકળાયેલો  ધંધો તે પારસી કુટુંબોમાં લગન હોય ત્યારે ત્યાં જઈ ગરબા ગવડાવવાનો. આવાં કામો કરી કરીને શોરાબજી કેટલું કમાતા હશે તે તો ખોદાયજી જાણે. છતાં બચત કરીને, પોતાને પૈસે તેમણે આ પુસ્તકો છપાવેલાં અને એ વેચતા પણ પોતે જ. આ પુસ્તકનાં પહેલાં ૩૦૪ પાનાં ગરબાએ રોક્યાં છે પણ આ ગરબા એટલે આજના જેવાં ટૂંકાં ઊર્મિ ગીતો નહીં. પણ મધ્યકાલીન સાહિત્યમાં જે લાંબા, ચરિત્ર કે પ્રસંગનું નિરૂપણ કરતા ગરબા જોવા મળે છે એવા ગરબા. ચરિત્ર વર્ણનના ગરબા કાં પારસી અગ્રણીઓ વિશે, કાં અંગ્રેજ અમલદારો વિશેના છે. પારસીઓ હસે-હસાવે નહીં એવું તો કેમ બને? એટલે અહીં ‘રમૂજી ગરબા’ મોટી સંખ્યામાં છે. તો બીજી બાજુ ‘મુખ્ય ધારા’ના ઘણા ગરબાનાં પારસી રૂપાંતરો પણ અહીં જોવા મળે છે. નરસિંહ મહેતાના જીવનના હૂંડી અને કુંવરબાઈનું મામેરું જેવા પ્રસંગોને લગતા પારસી બોલીમાં લખાયેલા ગરબા પણ અહીં જોવા મળે છે. પારસી કોમનાં મન કેટલાં ખુલ્લાં હોય છે એનું એક ઉદાહરણ આ પુસ્તક છે. અહીં અંગ્રેજો પ્રત્યેની રાજભક્તિ છે તો હિન્દુ દંતકથાઓ સાથેનો ઘરોબો પણ છે. 
અને ખાસ નોંધવા જેવી વાત તો એ કે ઘૂમતાં-ઘૂમતાં ગાવા માટેના આ ગરબા નથી પણ બેઠાં-બેઠાં ગાવા માટેના છે. આવા ‘બેઠા ગરબા’ આજે પણ નાગર જ્ઞાતિની વિશિષ્ટતા ગણાય છે. પણ ૧૯મી સદીમાં આ પ્રથા પારસીઓમાં પણ પ્રચલિત હતી એ દેખીતું છે. 
ગુજરાતી ગરબા વિશેનાં બીજાં કેટલાંક પુસ્તકો વિશે હવે પછી વાત. 


 ગુજરાતી લગ્નગીતોના પહેલા સંગ્રહ માટેનું સ્પેડ વર્ક એક સ્ત્રીએ કર્યું હતું. છતાં પુસ્તકની પહેલી આવૃત્તિમાં સવિતાગૌરીના નામનો ઉલ્લેખ સુધ્ધાં નર્મદે કર્યો નથી.



‘ચલ મન મુંબઈ નગરી’ પુસ્તકનું આજે પ્રકાશનપર્વ : વિવિધરંગી કાર્યક્રમ ‘મનને ગમે મુંબઈ’ : સાહિત્યપ્રેમીઓને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ


‘ચલ મન મુંબઈ નગરી’ કૉલમમાં પ્રગટ થયેલા લેખોમાંથી ચૂંટેલા ૭૪ લેખો અને ૩૦૦ જેટલાં ચિત્રો ધરાવતા પુસ્તકના પ્રકાશન પ્રસંગે મુંબઈ શહેર જેવો જ વિવિધરંગી કાર્યક્રમ ‘મનને ગમે મુંબઈ’ ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી અને અમદાવાદના નવજીવન સાંપ્રત તરફથી આજે સાંજે યોજવામાં આવ્યો છે. પુસ્તકનું પ્રકાશન કરશે આપણાં અગ્રણી સર્જક વર્ષા અડાલજા. વિશેષ ઉપસ્થિતિ : નવજીવન સાંપ્રતના પ્રતિનિધિ અપૂર્વ આશર. 
અભિનય, પઠન અને ગાન દ્વારા મુંબઈની વિવિધતા અને મહત્તાનું દર્શન કરાવશે રંગભૂમિ અને ફિલ્મના જાણીતા કલાકારો ઉત્કર્ષ મઝુમદાર, નીલેશ જોશી, પ્રીતિ જરીવાળા, મીનળ પટેલ, સનત વ્યાસ, સંજય છેલ, સેજલ પોન્દા અને સ્નેહલ મઝુમદાર. કાર્યક્રમનું સંકલન કરશે ડૉ. ખેવના દેસાઈ. અમદાવાદના ‘નવજીવન સાંપ્રત’ દ્વારા પ્રગટ થયેલું આ પુસ્તક તથા આ પ્રકાશકનાં બીજાં પુસ્તકો કાર્યક્રમ વખતે ખાસ વળતર સાથે ખરીદી શકાશે. સાહિત્યપ્રેમીઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ. 
સ્થળ-સમય : શનિવાર, ૪ જૂન, સાંજે સાડાછ વાગ્યે. SPJIMR ઑડિટોરિયમ, ભવન્સ કૅમ્પસ, અંધેરી-વેસ્ટ, મુંબઈ. 


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2022 05:17 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK