Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > જબલપુરના આઉટડોર શૂટિંગમાં ઊભી થયેલી ચૅલેન્જનો રાજ કપૂરે દિલથી નહીં, દિમાગથી સામનો કર્યો હતો

જબલપુરના આઉટડોર શૂટિંગમાં ઊભી થયેલી ચૅલેન્જનો રાજ કપૂરે દિલથી નહીં, દિમાગથી સામનો કર્યો હતો

Published : 05 June, 2022 02:40 PM | IST | Mumbai
Rajani Mehta

વિખ્યાત ફિલ્મપત્રકાર ઇસાક મુજાવર રાજ કપૂરની ‘પ્યૉર બિઝનેસમૅન’ માનસિકતાનું વિશ્લેષણ કરતાં લખે છે, ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’થી રાજ કપૂરની ફિલ્મોમાં (એ સમયના માપદંડ પ્રમાણે) અશ્લીલતાની શરૂઆત થઈ

પદ્‍મિની ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’માં

વો જબ યાદ આએ - રાજ કપૂર સ્પેશ્યલ

પદ્‍મિની ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’માં


નર્ગિસની વિદાય બાદ હતાશ રાજ કપૂરે પોતાની જાતને વ્યસ્ત રાખવા બહારની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમનો એ નિર્ણય એ વાતની સાબિતી આપે છે કે તેઓ હવે પ્રૅક્ટિકલ બની રહ્યા હતા. દિલીપકુમારની ફિલ્મ ‘દિલ દિયા દર્દ લિયા’નો મારો ફેવરિટ ડાયલૉગ યાદ આવે છે, ‘દિલને બહુત ધોકે ખાયે હૈં, આજકલ મૈં દિમાગ સે કામ લેતા હૂં.’ રાજ કપૂરે આ જ વિચારસરણી પર કામ કરવાનું શરૂ કર્યું. આરકેના બૅનર હેઠળ તેઓ નવી ફિલ્મ શરૂ કરી શકે એવી પરિસ્થિતિમાં નહોતા. સૌથી પહેલો સવાલ હતો સ્ટુડિયોના કર્મચારીઓનો પગાર અને ઘરખર્ચના પૈસા ક્યાંથી કાઢવા? એ માટે તેમણે આડેધડ બહારની ફિલ્મો સાઇન કરી - ‘શારદા’, ‘પરવરિશ’, ‘ફિર સુબહ હોગી’, ‘અનાડી’, ‘ચાર દિલ ચાર રાહેં’, ‘દો ઉસ્તાદ’, ‘કન્હૈયા,’ મૈં નશે મેં હૂં’ અને ‘છલિયા’. એ ફિલ્મોમાં તેમણે કેવળ એક અભિનેતા તરીકે કામ કર્યું. એક એવા અભિનેતા તરીકે જે સંપૂર્ણપણે પોતાની જાતને દિગ્દર્શકને હવાલે કરી દે. તેમનો રસ કેવળ એક જ હતો; પૈસા, પૈસા અને પૈસા.


સંગીતકાર ઓ. પી. નૈયરે મારી મુલાકાતોમાં ફિલ્મ ‘દો ઉસ્તાદ’નો એક કિસ્સો શૅર કર્યો હતો.  શેખ મુખ્તારની આ ફિલ્મના ડાયરેક્ટર હતા તારા હરીશ. એક દિવસ સેટ પર તેમણે રાજ કપૂરને કહ્યું, ‘રાજસા’બ, પ્લીઝ, જરા જુઓને, આ કૅમેરાનો ઍન્ગલ અને લાઇટિંગ બરાબર છેને? મારાથી કોઈ ભૂલ નથી થતીને? તમારા જેવા મહાન કલાકાર પાસેથી અમારે ઘણું શીખવાનું હોય છે.’
રાજ કપૂરે એટલું જ કહ્યું, ‘તમે આ ફિલ્મના ડાયરેક્ટર છો એટલે તમે કૅપ્ટન છો. તમે કહેશો એ પ્રમાણે હું અભિનય કરીશ. તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે મારી પાસેથી કામ લઈ શકો છો. એ સિવાય બાકીની બીજી કોઈ વાતોમાં મને રસ નથી.’



લંચબ્રેકમાં (હિરોઇન) મધુબાલાએ રાજ કપૂરને કહ્યું, ‘રાજ, કમાલ છે. તારી પાસેથી સજેશન માગ્યું તો તેં ચોખ્ખી ના પાડી દીધી? ફિલ્મ સારી બને એમાં આપણો જ લાભ છે એટલી તો તને ખબર હશે જ.’


૧૯૪૭માં આવેલી ફિલ્મ ‘નીલકમલ’માં બન્ને હીરો-હિરોઇન હતાં એટલે બન્ને વચ્ચે આ રીતે વાત કરવાનો વ્યવહાર હતો. 

રાજ કપૂરે કહ્યું, ‘દેખ મધુ, મૈં બાહર કી ફિલ્મોં મેં સિર્ફ પૈસે કે લિએ કામ કરતા હૂં, તાકી યે પૈસા અપની ફિલ્મોં કે કામ આયે. બાકી મુઝે કિસી ઔર બાત સે લેનાદેના નહીં હૈ. મૈં પૂરી એનર્જી અપની ફિલ્મોં મેં લગાના ચાહતા હૂં.’


આ હતો બહારની ફિલ્મો માટેનો રાજ કપૂરનો કેવળ પ્રોફેશનલ નહીં, પ્રૅક્ટિકલ અપ્રોચ. હા, જ્યાં સંગીતની વાત આવતી ત્યાં તેઓ ઊંડો રસ લેતા. ‘દો ઉસ્તાદ’ના સંગીતકાર ઓ. પી. નૈયરને તેમણે પોતાનાં ગીતો માટે મુકેશને લેવાનું સૂચન કર્યું, પરંતુ ઓ. પી. નૈયરે મોહમ્મદ રફી પાસે જ ગીત રેકૉર્ડ કરાવ્યાં (ઓ. પી. નૈયરે મારી સાથે શૅર કરેલો પૂરો કિસ્સો વિગતવાર આ પહેલાં લખી ચૂક્યો છું).      

પ્રોફેશનલ સાથે પ્રૅક્ટિકલ બનેલા રાજ કપૂરે એટલે જ જબલપુરના આઉટડોર શૂટિંગમાં અડધી રાતે   થયેલા તમાશાને કારણે સરસ્વતીઅમ્માના ‘વૉકઆઉટ’ કરવાના અલ્ટિમેટમને દિલથી નહીં, દિમાગથી હૅન્ડલ કરવાનું નક્કી કર્યું. રાજ કપૂરના યુનિટના સિનિયર સભ્ય અને મામાજી તરીકે જાણીતા ચરિત્ર અભિનેતા વિશ્વ મેહરા એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘બીજા દિવસે સવારે હું રાજને મળવા ગયો. રાજે તરત જ કહ્યું, ‘એ લોકો અહીંથી જવા ઇચ્છે છે. જલદીથી તેમને માટે ગાડીની વ્યવસ્થા કરવાની છે.’

મેં કહ્યું, ‘અહીં ૨૦૦ માણસોનું યુનિટ લઈને આવ્યા છીએ. પાણીની માફક પૈસો ખર્ચાય છે. કામ હજી પૂરું નથી થયું અને તું એમ કહે છે કે એ લોકોને જવું હોય તો ભલે જાય?’

‘ઓલ્ડ લેડીની જે ઇચ્છા હોય એમ કરો. જો એ લોકોને જવું જ હોય તો મારે તેમને રોકવા નથી.’ રાજ કપૂરે મક્કમતાથી કહ્યું. 

તેનો અવાજ અને ચહેરો જોઈને હું સમજી ગયો કે તે એનું પરિણામ ભોગવવા તૈયાર છે. એ દિવસે મને રાજ કપૂરના એક નવા મિજાજનો પરિચય થયો. હું અમ્માની રૂમ તરફ ગયો. મનમાં હતું કે મને જોતાં કંઈક નવાજૂની થશે, પણ ત્યાં પહોંચ્યો ત્યારે જોયું કે અમ્મા શાંત બેઠાં હતાં. પદ્‍મિની   ડ્રેસિંગ-ટેબલ પર બેસીને પોતાનો મેકઅપ કરી રહી હતી. અમ્મા નીચું મોઢું કરીને, જાણે કાંઈ જ બન્યું નથી એવો ડોળ કરી રહ્યાં હતાં. હું દરવાજા તરફ વળ્યો ત્યારે તેમણે ધીમા અવાજે મને કહ્યું કે ‘મારે શૉપિંગ કરવા જવું છે, ગાડીની વ્યવસ્થા થઈ શકે તો સારું.’

આ સાંભળી હું મનોમન ઊછળી પડ્યો. આ તો સાવ અણધાર્યું હતું. રાજની બિઝનેસમૅન લાઇક ‘નો નૉનસેન્સ’ પૉલિસીને કારણે આ બન્યું એ હકીકત સ્વીકારવી જ રહી. મેં તરત એક ગાડીની વ્યવસ્થા કરી. એટલું જ નહીં, રાજે મને અમ્માને આપવા માટે નોટોનાં બંડલ આપ્યાં જેથી તે પેટ ભરીને શૉપિંગ કરી શકે. આમ એક તૂફાન જેટલી ઝડપથી આવ્યું એટલી ઝડપથી શમી ગયું. ત્યાર બાદ જબલપુરના શૂટિંગ દરમ્યાન અમ્મા તરફથી કોઈ તકલીફ ન આવી.’   

‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ની પારાવાર સફળતાએ ફરી એક વાર સાબિત કર્યું કે ફિલ્મમેકર અને અભિનેતા તરીકે રાજ કપૂરે પોતાનો ‘ગોલ્ડન ટચ’ હજી ગુમાવ્યો નથી. ડાકુઓના આત્મસમર્પણ જેવા શુષ્ક વિષય પર આધારિત આ ફિલ્મની વાર્તા સાંભળીને સંગીતકાર શંકરે કહ્યું, ‘અમારા સંગીતની કરામત દેખાડીએ એવું આ ફિલ્મમાં કાંઈ છે જ નહીં.’

‘તમને કેમ એવું લાગે છે?’ રાજ કપૂરે પ્રશ્ન કર્યો. 

‘આ ફિલ્મનો કથાવિષય એટલો રૂક્ષ છે કે એમાં સંગીત માટે ક્યાંય જગ્યા જ નથી.’ શંકરે દલીલ કરી. 

‘તમે એની ચિંતા ન કરો. કથાવિષય ગમે એટલો રૂક્ષ હોય તોયે એમાં સંગીત ક્યાં અને કેમ બેસાડવું એ મારા પર છોડી દો. હું આ ફિલ્મને એક સંગીતમય ફિલ્મ બનાવ્યા વિના ચેનથી નહીં બેસું.’

રાજ કપૂરે વિજેતાના વિશ્વાસથી કહ્યું.

રાજ કપૂર સાચા અર્થમાં એક સુરીલા કલાકાર હતા. તેમનામાં રહેલા આ સુરીલાપણાને કારણે જ જે કથાવિષયમાં આપણે સંગીતની કલ્પના ન કરી શકીએ એને સંપૂર્ણપણે સંગીતમય બનાવી દેવાની તેમનામાં ક્ષમતા હતી. એક કલાકાર કેવળ સંગીતમય હોય એટલું પૂરતું નથી, જે સંગીતકાર સાથે તેને કામ કરવાનું હોય તેની સાથે તેના અંતરનો સૂર ક્યાંક મળવો જોઈએ. રાજ કપૂર અને શંકર-જયકિશન વચ્ચે ભલે લોહીનો સંબંધ નહીં હોય, લયનો સંબંધ જરૂર હતો.

‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ બનાવવા પાછળનું એક બીજું કારણ એ હતું કે એ દિવસોમાં દિલીપકુમાર પણ ડાકુના વિષય પરથી ‘ગંગા જમુના’ બનાવી રહ્યા હતા. રાજ કપૂર અને દિલીપકુમાર નાનપણથી મિત્ર હતા, પણ અભિનયક્ષેત્રે બન્ને વચ્ચે હરીફાઈનો એક ‘અન્ડર કરન્ટ’ ચાલતો હશે. શોમૅનશિપમાં રાજ કપૂર પાછળ રહેવા નહોતા માગતા. એક ઍક્ટર, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર દિલીપકુમાર કરતાં રાજ કપૂર બહેતર છે એ પુરવાર કરવાનો આ મોકો હતો (ભલે ‘ગંગા જમુના’ના ઑફિશ્યલ ડાયરેક્ટર તરીકે નીતિન બોઝ અને ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ના ઑફિશ્યલ ડાયરેક્ટર તરીકે રાધુ કરમાકરને ક્રેડિટ આપવામાં આવી હોય, હકીકતમાં પડદા પાછળ દિલીપકુમાર અને રાજ કપૂર ફિલ્મના ડાયરેક્ટર હતા).

‘જિસ દેશ મૈં ગંગા બહતી હૈ’ આરકે ફિલ્મ માટે એક ટંકશાળ સાબિત થઈ. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર કમાણીના અનેક રેકૉર્ડ તોડ્યા, એટલું જ નહીં, રાજ કપૂરે ફિલ્મમેકર તરીકે ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો મેળવ્યો. જે નાણાકીય સંકટનો સામનો તેમણે કરવો પડ્યો હતો એ વાત હવે ભૂતકાળ બની ગઈ હતી. એક વિશાળ સ્ટુડિયોના માલિક, અભિનેતા, પ્રોડ્યુસર, ડાયરેક્ટર, એડિટર, સંગીતપારખુ અને ‘અબોવ ઑલ’ એક પૈસાદાર ફિલ્મમેકર પાછળ ફરી એક વાર ડિસ્ટ્રિબ્યુટર્સ અને ફાઇનૅન્સર્સની લાઇન લાગી ગઈ. જેઓ કહેતા હતા કે રાજ કપૂરની કારકિર્દી  પૂરી થવાની તૈયારીમાં છે એ જ લોકો હવે તેમની ફિલ્મો સાથે જોડાવા રાજી હતા.

‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ની જબરદસ્ત સફળતાને કારણે રાજ કપૂરની ‘આવારા’ અને ‘શ્રી ૪૨૦’ની ‘ભોલાભાલા રાજુ’ની ઇમેજને ફરી એક વાર લોકોની ચાહના મળી. એક હોશિયાર બિઝનેસમૅનની હેસિયતથી તેમણે એનો ફાયદો આરકેની ત્યાર પછીની ફિલ્મો માટે લેવાનું નક્કી કર્યું.

‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ના શૂટિંગ દરમ્યાન અને ફિલ્મની રિલીઝ બાદ પદ્‍મિની પર લગ્ન કરી લેવા માટે સતત દબાણ રહેતું. પદ્‍મિની હિન્દી ફિલ્મોની ટૉપ સ્ટાર બનવાની રેસમાં આગળ હતી. પ્રોડ્યુસર બની રુબેનની ફિલ્મ ‘આશિક’માં ફરી એક વાર રાજ કપૂર અને પદ્‍મિનીની જોડી પડદા પર આવી. જોકે ‘આશિક’ના શૂટિંગ દરમ્યાન જ પદ્‍મિનીનાં લગ્ન થયાં. ત્યાર બાદ તેણે અભિનય કરવાનું છોડી દીધું (આવું જ કંઈક રાજ કપૂરે શોધેલી ‘બૉબી’ની હિરોઇન ડિમ્પલ કાપડિયા સાથે થયું. બન્ને કિસ્સામાં પરિવારના આગ્રહને કારણે લગ્ન કરીને અભિનેત્રીઓ ફિલ્મોને અલવિદા કહીને રિટાયર થઈ ગઈ. આમ બે સક્ષમ અભિનેત્રીઓની કારકિર્દીનો અચાનક અંત આવી ગયો. જોકે થોડાં વર્ષો બાદ ડિમ્પલ ફરી અભિનયક્ષેત્રે પાછી આવી હતી).

વિખ્યાત ફિલ્મપત્રકાર ઇસાક મુજાવર રાજ કપૂરની ‘પ્યૉર બિઝનેસમૅન’ માનસિકતાનું વિશ્લેષણ કરતાં લખે છે, ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’થી રાજ કપૂરની ફિલ્મોમાં (એ સમયના માપદંડ પ્રમાણે) અશ્લીલતાની શરૂઆત થઈ. ‘આગ’થી શરૂ થઈને ‘શ્રી ૪૨૦’ સુધી નર્ગિસ રાજ કપૂરની હિરોઇન હતી. ‘આવારા’માં ‘સ્વિમિંગ કૉસ્ચ્યુમ’ પહેરેલી અને ‘આહ’માં ‘બાથટબ’માં બેસેલી નર્ગિસ પર ફિલ્માંકન કરાયેલાં દૃશ્યોમાં એક મર્યાદા હતી. દરેક ફિલ્મોમાં બન્નેનાં ઉત્કટ પ્રણય  દૃશ્યો હતાં, પરંતુ એમાં અશ્લીલતા નહોતી, પરંતુ પદ્‍મિની આરકેની હિરોઇન બની અને સ્ત્રીત્વની મર્યાદા એકદમ ઓળંગાઈ ગઈ.

‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’નું ગીત ‘ઓ મૈંને પ્યાર કિયા’માં પદ્‍મિનીએ આપેલો એક પોઝ યાદ આવે છે? એ દૃશ્યમાં પદ્‍મિની ગીત ગાતાં ધોધમાં સ્નાન કરતી હોય છે. ધોધમાં પાણીની એક ધાર પડતી હોય છે. ગીત ગાતાં પદ્‍મિની એ ધાર પોતાના બે પગ વચ્ચે અનુચિત લાગે એ ભાગ પર ઝીલીને આનંદ લૂંટે છે.

પદ્‍મિનીને બદલે જો નર્ગિસ ફિલ્મની હિરોઇન હોત તો તેની સાથે આવું દૃશ્ય શૂટ કરવાની હિંમત રાજ કપૂર ક્યારેય ન કરી શક્યા હોત, કારણ કે નર્ગિસ કેવળ આરકેની હિરોઇન નહોતી, રાજ કપૂરમાં રહેલા ડાયરેક્ટરને કાબૂમાં રાખનારી શક્તિ હતી. એટલે જ એ બન્નેનાં પ્રણય દૃશ્યોમાં રાજ કપૂરની અંદર રહેલા ડાયરેક્ટરે ક્યાંય સમતુલા નહોતી ગુમાવી, પણ નર્ગિસની વિદાય બાદ આરકેની ફિલ્મોની નાયિકા પાસે રાજ કપૂરે ભરપૂર અંગપ્રદશન કરાવ્યું. હિરોઇનના ગોળમટોળ વળાંકો પર એકથી વધુ ઍન્ગલ પર કૅમેરા ગોઠવીને દર્શકોને લુભાવવાના પ્રયત્ન શરૂ કર્યા.’

ઇસાક મુજાવરની વાતો સાથે તમે સંમત થાઓ કે ન થાઓ, એ હકીકત હતી કે બદલાતી સામાજિક પરિસ્થિતિ અને દર્શકોની પસંદગી ઉપરાંત ઇન્ડસ્ટ્રીના નવા પડકારોનો સામનો કરવા માટે કદાચ આ એક અનિવાર્ય દૂષણ હતું. રાજ કપૂર માટે હવે ‘ફિલ્મમેકિંગ’ કેવળ ‘પૅશન’ નહીં, ‘પ્રોફેશન’ પણ હતું. ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ની કમાણીએ તેમને એવો નશો ચડાવ્યો કે તેમણે વર્ષોજૂના પ્રિય વિષય પરથી બિગ બજેટ રંગીન ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. હવે પદ્‍મિની તો હતી નહીં, એટલે રાજ કપૂરે એક ‘માસ્ટર સ્ટ્રોક’ માર્યો અને એક કાંકરે બે પક્ષી માર્યાં. એ વાત આવતા રવિવારે. 

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2022 02:40 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK