‘ઓહહહ...’ નિઃસાસા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો મારી પાસે, ‘કોઈ સસ્તાવાલા મોબાઇલ દિખા દો, દો-ઢાઈ હઝાર કી રેન્જ મેં’
વાર્તા-સપ્તાહ
રૉન્ગ નંબર
મૂળ આ ઘટનાને વીસેક વર્ષ થયાં અને એટલે જ આ બે દસકામાં જ્યારે પણ મોબાઇલની રિંગ સાંભળી છે ત્યારે ધબકારા ચૂક્યો છું. શું બન્યું હતું, કેવી રીતે બન્યું હતું અને કયા કારણે બન્યું હતું એ વાત આજે પહેલી વાર તમારી સામે લાવું છું અને એ વાત લાવવી પણ શું કામ પડે છે એ કારણ પણ આજે તમને કહું છું.
lll
એ દિવસ હું લાઇફમાં ક્યારેય નહીં ભૂલું. એ દિવસ પછી જિંદગીમાં ગજબનાક બદલાવ આવ્યો. રાજકોટથી મુંબઈ આવ્યા પછી શરૂઆતનો સમય સંઘર્ષનો હતો. ચાર-છ મહિનામાં સક્સેસ મળવા લાગી અને સફળતાની સાથોસાથ થોડી ખરાબ આદતો પણ. ઍક્ચ્યુઅલી, એ આદતોને ખરાબ કરતાં ખોટી આદત કહેવું વધુ હિતાવહ રહેશે. આ ખુલાસો એટલા માટે કે આજની જનરેશનને હોય એવી કોઈ આદત મેં મારામાં પ્રવેશવા નહોતી દીધી. દિવસઆખો કામ કર્યા પછી હું રાતે દોસ્તો સાથે ડ્રિન્ક્સ લેતો અને ક્યારેક વીક-એન્ડમાં દોસ્તો સાથે પિક્નિક પર જતો. હા, અમારા ગ્રુપમાં બે-ચાર છોકરીઓ હતી, પણ એ શરીરનાં અંગ-ઉપાંગની દૃષ્ટિએ જ છોકરીઓ હતી, બાકી, બધી રીતે છોકરાઓ જેવા જ રંગરાગ હતા તેમના. એ દિવસે પણ અમે પિક્નિક પર જવાની તૈયારીમાં હતાં.
શનિવાર હતો અને મારે ૧૨ વાગ્યા પહેલાં પાર્લા અંજનીના ફ્લૅટે પહોંચવાનું હતું. અંજની એ સમયે ૨૧ વર્ષની હતી. તે વડોદરાથી મુંબઈ આવી હતી અને ફિલ્મોમાં સ્ટ્રગલ કરતી હતી. જો વાત વટની હોય તો અંજનીના વટ સામે લખનઉના બાદશાહો પણ પાણી ભરે એવું કહેવામાં મને સંકોચ નહીં થાય. અંજની વટની સાથે-સાથે વટ પાડવાની હિંમત પણ ધરાવતી. અંજનીની હિંમતનો એક દાખલો તમારા માટે પૂરતો છે...
એક વખત તો અમે ફ્રેન્ડ્સ અંજનીના ફલૅટે એકઠાં થયાં. અમારા બધાંમાં સૌથી હલકટ એવા માનસ અને અંજની વચ્ચે કોઈક મુદ્દે ચડસાચડસી શરૂ થઈ. માનસની દલીલ હતી કે સ્ત્રી-પુરુષ ક્યારેય સમાન હોઈ ન શકે. અંજની વાત માનવા તૈયાર નહીં. બન્ને વચ્ચે દલીલ ચાલી અને આ દલીલના ભાગરૂપે માનસે પોતાનું ટીશર્ટ કાઢીને અર્ધ-દિગંબર અવસ્થામાં અંજની સામે ઊભા રહીને કહ્યું, ‘તમારાથી અમારી જેમ રહી શકાય?’
બધાંને એમ કે હવે અંજની હાર માની લેશે, પણ અંજનીનું રીઍક્શન સાવ અવળું આવ્યું. તેણે ઊભી થઈને એકઝાટકે પોતાનું ટીશર્ટ કાઢી નાખ્યું.
‘બોલ, હવે આમ જ બહાર ચક્કર મારીને બતાવું કે પછી તું સ્વીકારી લે છે.’
‘ના...’ માનસે હાથથી બન્ને આંખો ઢાંકી દીધી હતી, ‘તારે ક્યાંય જવાની જરૂર નથી. મેં માની લીધું, બસ...’
એ દિવસે મારે ૧૨ વાગ્યા સુધી આ અંજનીના ફ્લૅટે પહોંચવાનું હતું અને ત્યાં જતાં પહેલાં મારે બેચાર મારાં કામ પતાવવાનાં હતાં. અંધેરીથી પાર્લા પહોંચવામાં વધારે વાર થાય નહીં એટલે હું ઘરેથી ૧૦ વાગ્યે નીકળ્યો. પહેલાં મારે લૉન્ડ્રીમાં જવાનું હતું અને પછી મારો મોબાઇલ રિપેર કરાવવાનો હતો.
મોબાઇલ હજી તો સાવ નવો-નવો જ આવ્યો હતો એમ કહીએ તો ચાલે, પણ એણે આવતાની સાથે જ મારી લાઇફ ચેન્જ કરી નાખી.
હા, આજે મોટા ભાગના યંગસ્ટર્સ કહે છે કે મોબાઇલને કારણે અમારી લાઇફ ચેન્જ થઈ છે, પણ મારો કહેવાનો ભાવાર્થ એ બધા યંગસ્ટર્સ કરતાં એકદમ અવળો છે.
જો એ દિવસે મારી પાસે મોબાઇલ ન હોત તો હું આજે તમારી સામે ઊભો ન હોત.
બાય ધ વે, મારો આ વસવસો તમને કદાચ અત્યારે નહીં સમજાય, પણ તમે મારી વાત સાંભળતા જશો એમ તમને સમજાશે કે મોબાઇલે મારી કેવી પત્તર ફાડી નાખી હતી.
મોબાઇલે કે પછી આવેલા એક રૉન્ગ નંબરે?
ઍનીવેઝ, વાત કહું તમને.
એ દિવસે હું ઘરેથી નીકળીને પહેલાં લૉન્ડ્રી પર ગયો. કપડાં ધોવા માટે આપીને મેં કાર સીધી મોબાઇલ-શૉપ તરફ લીધી. મારા મોબાઇલના ડિસ્પ્લેમાં ફૉલ્ટ હોવાને કારણે મને કોઈ ઇન-કમિંગ કૉલનાં નામ કે નંબર દેખાતાં નહોતાં. મને મોબાઇલના ડિસ્પ્લે સામે કોઈ વાંધો નહોતો. ઇન-કમિંગ કૉલમાં નામ કે નંબર જોવા ન મળે તો વાંધો નહીં, પણ તકલીફ પડતી હતી આઉટ-ગૉઇંગ કૉલમાં. ડિસ્પ્લે કામ કરતું નહોતું એટલે કૉલ કરવામાં પ્રૉબ્લેમ થતો હતો. મનમાં હતું કે જો નવું ડિસ્પ્લે ફિટ કરવામાં વાર નહીં લાગતી હોય તો નવું ડિસ્પ્લે નખાવી લઈશ. એવું પણ મનમાં હતું કે જો એમાં પણ વાર લાગતી હશે તો સસ્તો મોબાઇલ ખરીદી લઈ કામ રોળવી લઈશ. જોકે મારા વિચારો અકબંધ રાખી દે એવી ઘટના થોડે દૂર આકાર લઈ ચૂકી હતી.
lll
‘ના ના, કાલે ચોક્કસ આવીશું...’
લતિકાએ ટૅક્સીનો દરવાજો બંધ કર્યો. મનમાં હતું કે માસી જલદી જાય તો સારું. લતિકાને હજી ઑફિસ જવાનું હતું. ઑફિસ જતાં પહેલાં તૈયાર થવાનું હતું. ટિફિન ભરવાનું હતું અને પછી ઑફિસ જવા નીકળવાનું હતું.
લતિકા અપાર્ટમેન્ટના ગેટ તરફ આગળ વધી ત્યાં માસી આવી ગયાં. વડીલ ઘરેથી રવાના થાય તો તેને બહાર સુધી વળાવવા તો આવવું જોઈએને. લિફ્ટ સુધી વળાવવા આવેલી લતિકાને માસી છેક મેઇન ગેટ સુધી લઈ ગયાં.
- સાંજે વિકાસ દિલ્હીથી આવે એટલે થોડી નિરાંત, પણ વિકાસ એકાએક દિલ્હી કેમ ગયો?
રસ્તો ક્રૉસ કરતાં પહેલાં લતિકાએ જમણી તરફ જોયું. માસીની ટૅક્સી જમણી તરફ વળી હતી. લતિકાની નજર અનાયાસ જ ડાબી તરફ ગઈ. ડાબી તરફથી કાળા રંગની એક કાર આવતી હતી. કારની સ્પીડ જોઈને લતિકા ઊભી રહી ગઈ.
ચીઈઈઈ...
‘અરે, આ શું?’
કાર લતિકાની બાજુમાં ઊભી રહી ગઈ અને લતિકા કંઈ સમજે એ પહેલાં કારના પાછળના બન્ને દરવાજા ખૂલ્યા.
ખટાક...
કારમાંથી ઊતરનાર એક પણ વ્યક્તિને લતિકા ઓળખતી નહોતી અને છતાં એ લોકો એવી રીતે કારમાંથી બહાર આવ્યા હતા જાણે તેઓ લતિકાને ઓળખતા હોય.
લતિકા કંઈ સમજે એ પહેલાં તો કારમાંથી ઊતરેલા એક લઠ્ઠાએ લતિકાને પાછળથી ધક્કો માર્યો. એકાએક આવેલા ધક્કાને લીધે લતિકાએ સંતુલન ગુમાવ્યું અને જેવું લતિકાએ સંતુલન ગુમાવ્યું કે તરત તેના ચહેરા પર કોઈકે ચાદર પાથરી દીધી.
લતિકાની આંખો સામે અંધકાર છવાઈ ગયો.
લતિકા સમજી ગઈ કે તેને કિડનૅપ કરવામાં આવી છે, પણ કિડનૅપનું કારણ તેને સમજાયું નહોતું.
lll
ડિસ્પ્લે-રિપેરિંગ માટે હું અંધેરી સ્ટેશન પાસે આવેલી એક શૉપમાં ગયો. અગાઉ કહ્યું એમ, મારી વાત સ્પષ્ટ હતી; એક, કાં તો અડધા કલાકમાં નવું ડિસ્પ્લે નાખી દેવામાં આવે અને કાં સસ્તો, સારો અને કામચલાઉ મોબાઇલ ખરીદી લેવો. સસ્તો એટલા માટે કે જ્યાં સુધી મારો મોબાઇલ રિપેર ન થાય ત્યાં સુધી મારે એ નવો મોબાઇલ વાપરવાનો હતો.
‘સર, ઇસ મોબાઇલ કે ડિસ્પ્લે કી કાફી શૉર્ટેજ હૈ...’
‘ઓહહહ...’ નિઃસાસા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો મારી પાસે, ‘કોઈ સસ્તાવાલા મોબાઇલ દિખા દો, દો-ઢાઈ હઝાર કી રેન્જ મેં.’
‘નોકિયા કા ૧૧૦૦ આ જાએગા...’ દુકાનદાર મારી તરફ ફર્યો, ‘સર, આપ સ્ટૅન્ડ બાય મેં લેના ચાહતે હૈં?’
‘હા...’
‘તો રહને દો સર.’ જવાબ પછી તરત તેણે ખુલાસો કર્યો, ‘ઇસ મેં મેમરી કાર્ડ નહીં આતા...’
‘અરે હાં...’
શૉપકીપરની વાત સાચી હતી. મારા મોબાઇલમાં મેમરી કાર્ડ હતું અને બધી ઇન્ફર્મેશન એ કાર્ડમાં સ્ટોર હતી. હવે જો મેમરી કાર્ડ વિનાનો ફોન લઉં તો એ મારા માટે નકામો હતો.
lll
આજે તો હવે મોબાઇલમાંથી મેમરી કાર્ડ પણ નીકળી ગયાં છે અને ગૂગલને કારણે એવી-એવી સુવિધા મોબાઇલમાં આવી ગઈ છે કે માણસ પોતે જાણે એફબીઆઇનો એજન્ટ હોય એવું ફીલ કરી શકે, પણ એ સમયે એવું નહોતું.
ગુજરાતમાં જેમ ૨૦ વર્ષથી નાની ઉંમરના લોકોને બીજેપી સિવાયના શાસનની ખબર નથી એવું જ મોબાઇલની બાબતમાં દુનિયાભરમાં લાગુ પડે છે. સ્માર્ટફોનનો એ સમયે જન્મ નહોતો થયો અને આજે આઉટડેટેડ કહેવાય છે એવા બ્લૅકબેરી પણ હજી મોબાઇલ-ઇન્ડસ્ટ્રીમાં આવ્યા નહોતા. નોકિયા કંપની મોબાઇલ ઇન્ડસ્ટ્રીની શહેનશાહ હતી અને સૅમસંગનું તો કોઈ ભાવ પણ નહોતું પૂછતું. તમારી પાસે મેમરી કાર્ડવાળો ફોન હોય તો તમે યુધિષ્ઠિર બનીને વેંતઊંચા ચાલતા.
lll
‘સર એક કામ કરીએ, આજ શનિવાર હો ગયા. કલ સન્ડે હૈ. અગર સન્ડે મોબાઇલ કા કુછ કામ નહીં હૈ તો આપ મોબાઇલ યહીં છોડ દિજિએ. મન્ડે શામ તક ફોન રિપેર હો જાએગા...’ દુકાનદારે સ્પષ્ટતા પણ કરી, ‘ક્યું બેવજહ દો હઝાર ખર્ચ કરને?!’
‘મેં મન્ડે મૉર્નિંગ ફોન દે દૂં તો કબ રિપેર હોગા?’
‘ટ્યુસ્ડે કો દે દૂંગા. શામ તક...’
‘તેરે બિન કૈસે જિયા તેરે બિન
લેકર યાદ તેરી રાત મેરી કટી...’
એ જ સમયે મોબાઇલની રિંગ-ટોન વાગી. ફોન અંજનીનો હતો. ફિલ્મ ‘બસ એક પલ’નું સૉન્ગ રિંગ-ટોન તરીકે મેં અંજનીના નામે સાથે સેટ કર્યું હતું.
‘બસ આવું જ છું...’
‘એક કામ કરજે, રસ્તામાંથી બ્રેડનાં બે પૅકેટ સાથે લઈ આવજે.’
અંજનીએ ફોન કટ કરી નાખ્યો તો પણ મોબાઇલ મારા કાને હતો. આ છોકરીનું મને ગજબનાક અને ઉત્કટ કહેવાય એવું આકર્ષણ હતું. તપી ગયેલા તાંબા જેવી કાળી અને છતાં આંખોમાં ભરાય જાય એવી.
‘ઠીક છે, હું મોબાઇલ સોમવારે આપી જઈશ.’
મોબાઇલ-શૉપમાંથી બહાર નીકળી હું કારમાં બેઠો. મારા વિચારો અટકી ગયા હતા. જ્યારે પણ અંજની સાથે વાતો થતી ત્યારે મારું દિમાગ હડતાળ પર ઊતરી જતું.
ટ્રિન... ટ્રિન...
ચારેક રિંગ પછી મારું ધ્યાન મોબાઇલ તરફ ગયું. રિંગ-ટોન પરથી મને સમજાયું કે અજાણ્યા નંબર પરથી ફોન છે. મારા તમામ ઓળખીતાનાં નામ સાથે મેં રિંગ-ટોન સેટ કરી હતી એનો આ ફાયદો હતો.
ટ્રિન... ટ્રિન...
મોબાઇલ સતત રણક્યા કરતો હતો અને હું અંધેરી ફલાય-ઓવર ક્રૉસ કરવાની તૈયારીમાં હતો. મેં મોબાઇલ રણકવા દીધો, પણ પછી સતત વાગ્યા કરતી રિંગથી મનમાં થયું કે ઍટ લીસ્ટ ફોન ઊંચકીને જવાબ આપી દેવો જોઈએ.
‘હેલો...’
‘હેલો... મને કિડનૅપ કરી છે...’
સામેથી અવાજ આવ્યો અને મને એ મજાક લાગી, પણ એ મજાક નહોતી.
lll
લગભગ અડધા કલાક પછી લતિકાને કારમાંથી બહાર કાઢવામાં આવી. તેના ચહેરા પર હજીયે કાળા રંગની ચાદર ઢંકાયેલી હતી. લતિકાએ આ અડધા કલાક દરમ્યાન છૂટવાના અઢળક પ્રયાસ કર્યા હતા, પણ ચાર હટ્ટાકટ્ટા સામે લતિકાનું કંઈ ઊપજ્યું નહોતું.
‘મને અહીં શું કામ લાવ્યા છો?’ લતિકાનું કાંડું પકડીને કોઈ તેને દોરતું હતું, ‘અમારી પાસે કંઈ નથી...’
કોઈએ જવાબ આપ્યો નહીં એટલે લતિકાએ રાડ પાડી.
‘અરે, કોઈ તો જવાબ આપો.’ છતાં કોઈ જવાબ આવ્યો નહીં એટલે લતિકા જમીન પર પગ ખોડીને ઊભી રહી ગઈ, ‘પ્લીઝ... જવાબ...’
જવાબને બદલે કોઈકે જોરપૂર્વક તેનો હાથ ખેંચ્યો.
‘કીપ ક્વાઇટ ઍન્ડ લિસન કૅરફુલી...’ દૂરથી ભારેખમ અવાજ આવ્યો, ‘અમે તને હેરાન કરવા નથી માગતા. અમારે જે જોઈએ છે એ મળી જશે એટલે અમે તને છોડી દઈશું...’
‘અમારે જે જોઈએ છે એટલે?’
લતિકાને આશ્ચર્ય થયું.
તે એવી દેખાવડી નહોતી. દેખાવડી તો ઠીક, તે સોહામણી પણ નહોતી કે કોઈની આંખોમાં વસી જાય. તો પછી?
‘પણ તમારે જોઈએ છે શું?’
ફરી ખામોશી અને પછી બારણું ખૂલવાનો અવાજ અને ધક્કો.
ધડામ...
પીઠ પાછળથી આવેલા અવાજને કારણે લતિકાને ખ્યાલ આવ્યો કે દરવાજો બંધ થઈ ગયો છે. લતિકાને ચહેરા પરથી ચાદર હટાવવાનું મન થયું, પણ તેની હિંમત ન ચાલી. કદાચ કિડનૅપરનો કોઈ માણસ અંદર હોય તો.
લતિકા થોડી વાર જમીન પર પડી રહી. બે-ચાર મિનિટ રૂમમાં સળવળાટ ન થયો એટલે લતિકાએ અનુમાન કર્યું કે હવે તે રૂમમાં એકલી છે. એકલી હોવાના અહેસાસ સાથે લતિકામાં હિંમત આવી ગઈ. તેણે પોતાના માથા પરથી ચાદર દૂર કરી. રૂમમાં ખાસ કોઈ પ્રકાશ નહોતો. સાવચેતીથી ઊભી થઈ લતિકાએ રૂમમાં નજર કરી.
રૂમ દસેક ફુટ પહોળી હતી, રૂમનો ઉપયોગ ગોડાઉન તરીકે વધારે થતો હતો. લતિકાએ જોયું કે રૂમમાં માત્ર એક બારી હતી જે જમીનથી સાતેક ફુટ ઊંચી હતી. લતિકા દોડીને બારી પાસે ગઈ. બારી સુધી પહોંચવું અઘરું હતું, પણ બારી પાસે પડેલા ઑઇલના ડબાનો સ્ટૂલ તરીકે ઉપયોગ કરીને લતિકા બારી સુધી પહોંચી ગઈ.
બહાર પેલા ચાર લઠ્ઠાઓ વાત કરતા હતા.
લતિકાએ નજર જરા દૂર કરી.
આજુબાજુમાં કોઈ અવરજવર નહોતી. દૂર એક બિલ્ડિંગ દેખાતું હતું.
હવે, હવે શું કરું?
વધુ આવતી કાલે