દેખાતો આ રાજીપો જૉનીની જીતનો નહીં, પણ સ્ત્રીત્વનાં તમામ શસ્ત્રો વાપરી લેનારી ઍમ્બરની કોર્ટે બોલતી બંધ કરી દીધી એ વાતનો છે
ઍમ્બર હર્ડ
જૉની ડેપ એક્સ-વાઇફ ઍમ્બર હર્ડ પર કરેલો માનહાનિનો દાવો જીતી જતાં સોશ્યલ મીડિયા પર દેકારો બોલી ગયો અને ઇન્ડિયન સેલિબ્રિટીથી માંડીને કૉમનમૅન જૉનીને પોંખવા નીકળી પડ્યા. આવું શું કામ થયું એનું કારણ જાણવા જેવું છે. દેખાતો આ રાજીપો જૉનીની જીતનો નહીં, પણ સ્ત્રીત્વનાં તમામ શસ્ત્રો વાપરી લેનારી ઍમ્બરની કોર્ટે બોલતી બંધ કરી દીધી એ વાતનો છે
અમેરિકામાં બુધવારની સાંજ પડતાં સુધીમાં તો દેકારો બોલી ગયો. પુરુષો રાજી-રાજી થઈને ગલગોટા થઈ ગયા અને મહિલાઓએ મૂક છાજિયાં લેવાનું શરૂ કરી દીધું. સમાચાર વહેતા થયા અને ઇન્ડિયામાં સવાર પડતાં સુધીમાં તો સેલિબ્રિટીઓ પણ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ‘બ્રેવો જૉની’, ‘વી લવ યુ જૉની’, ‘હૅટ્સ ઓફ જૉની’ કહીને પોતાનો રાજીપો વ્યક્ત કરવા માંડ્યા. કારણ પણ એવું જ હતું. જૉની ડેપ નામના હૉલીવુડના સુપરસ્ટારે તેની વાઇફ અને હૉલીવુડની જ સુપરસ્ટાર ઍમ્બર હર્ડ પર માનહાનિનો દાવો કર્યો હતો, જેમાં કોર્ટે એ દાવો માન્ય રાખ્યો અને ઍમ્બરે પોતાના એક્સ-હસબન્ડ જૉનીને અધધધ કહેવાય એવા ૧૦.૩પ મિલ્યન ડૉલર એટલે કે અંદાજે ૧૧૬ કરોડ રૂપિયા ચૂકવવાના આવ્યા. પહેલી વાર એવું બન્યું કે જેમાં સ્ત્રીદાક્ષિણ્યની આડશમાં પુરુષ પર કેસ કરવામાં આવ્યો હોય અને એક પુરુષની, ખાસ તો એક હસબન્ડની જીત થઈ હોય. આ જીતના કારણે પહેલી વાર એવું પણ બન્યું કે પુરુષોનો આત્મવિશ્વાસ બળવાન થયો કે દરેક તબક્કે એવું નથી બનતું કે સ્ત્રી જ સાચી હોય એવું ધારીને કોર્ટ આગળ વધી જાય અને ચુકાદો આપી દે.
વાત આગળ કરતાં પહેલાં જૉની-ઍમ્બરના કેસની ચર્ચા કરવી જરૂરી છે. ‘ધ પાઇરેટ્સ ઑફ ધ કૅરિબિયન’ સિરીઝથી કરોડો લોકોના મનમાં ઘર કરી લેનારા જૉનીએ ૨૦૧પમાં ઍમ્બર સાથે મૅરેજ કર્યાં. ઍમ્બર પણ હૉલીવુડમાં બહુ મોટું નામ છે. ‘જસ્ટિસ લીગ’ અને ‘ઍક્વામૅન’ જેવી સુપરહિટ ફિલ્મોની ઍક્ટ્રેસ ઍમ્બર અને જૉનીની મૅરિડ લાઇફ બે વર્ષમાં પડી ભાંગી અને ૨૦૧૭માં બન્નેએ ડિવૉર્સ લઈ લીધા. ડિવૉર્સ પછી પણ ઍમ્બર ચૂપ રહી નહીં અને એણે હસબન્ડ માટે એલફેલ સ્ટેટમેન્ટ કરતાં જૉની પર એવો આરોપ મૂક્યો કે જૉની તેના પર ડોમેસ્ટિક વાયલન્સનો ઉપયોગ કરતો હતો. માત્ર આરોપ જ નહીં, જૉની પર આ પ્રકારના આરોપો મૂકતો ઇન્ટરવ્યુ પણ ઍમ્બરે ૨૦૧૮માં લંડનના ‘ધ સન’ ટૅબ્લૉઇડમાં લખ્યો અને એક વર્ષ પછી ૨૦૧૯માં પણ આ જ સંદર્ભનો આટિર્કલ ઍમ્બરે ‘ધી વૉશિંગ્ટન પોસ્ટ’માં લખ્યો. એ આટિર્કલમાં જૉનીનું નામ નહોતું પણ જૉનીનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ વાત આર્ટિકલ વાંચતાં બહુ સહજ રીતે સમજાઈ જતું હતું.
આ બન્ને આર્ટિકલના વિરોધમાં જૉનીએ ૨૦૨૦માં ઍમ્બર પર માનહાનિનો દાવો કર્યો અને દાવા સાથે પુરાવાઓ પણ આપ્યા કે એ આટિર્કલના કારણે તેની પ્રોફેશનલ કરીઅરને કેવું નુકસાન થયું છે. જૉનીએ વળતરના ભાગરૂપે ઍમ્બર પાસે પ૦ મિલ્યન ડૉલરની માગ કરી, જેની સામે ઍમ્બરે પણ એવું જ સ્ટેપ લીધું અને તેણે વળતો માનહાનિનો કેસ કરીને જૉની પાસે ૧૦૦ મિલ્યન ડૉલરની માગ કરી. આ રકમ એવડી મોટી હતી કે જો ઍમ્બર કેસ જતી જાય તો જૉની ડેપ પવાલું લઈને ન્યુ યૉર્ક સ્ક્વેરમાં બેસીને ભીખ માગવાનો વારો આવે. જોકે એવું થયું નહીં અને છ વીક ચાલેલા આ કેસમાં ઍમ્બરે મૂકેલા ચાલીસ આરોપોમાંથી તે માત્ર એક જ આરોપ પુરવાર કરી ચૂકી જેની સામે જૉની ડેપે મૂકેલા વીસ આરોપોમાંથી સત્તર આરોપમાં જૉની ડેપ સાચો પુરવાર થયો અને કોર્ટે ઍમ્બરને આદેશ આપ્યો કે તેણે જૉનીને ૧૦.૩પ મિલ્યન ડૉલર ચૂકવવાના રહેશે અને ઍમ્બરે મૂકેલો એક આરોપ સાચો હોવાથી જૉનીએ ઍમ્બરને બે મિલ્યન ડૉલર આપવાના રહેશે.
કોર્ટની જ્યુરીએ એ પણ સૂચન કર્યું કે બે મિલ્યન ડૉલર નાની રકમ હોવાથી જો જૉની ઇચ્છશે તો તે આ રકમ તેણે મેળવવાની છે એ રકમમાંથી બાદ કરીને ઍમ્બરને ૮.૩પ મિલ્યન ડૉલર ચૂકવવાની માગ કરી શકે છે.
ચુકાદા પછી નૅચરલી જૉની ડેપ ખુશ હતો, કારણ કે તેની સામે મુકાયેલા આરોપો એ સ્તરના હતા કે કોઈ પણ કોર્ટ સ્ત્રીદાક્ષિણ્ય અને નારીને અબળા ધારી લેવાની માનસિકતા સાથે ઍમ્બરની એ તમામ વાતો સ્વીકારી લે. જૉનીએ જ્યારે કેસ કર્યો ત્યારે પણ તેને એ કેસ પાછો ખેંચવા માટે સમજાવનારાઓનો તૂટો નહોતો તો સામા પક્ષે ઍમ્બર મુશ્તાક હતી કે તે જ જીતશે. ઍમ્બરે રોકેલા છ વકીલોની ફોજ પણ એવું જ ધારીને કોર્ટમાં આવતી હતી કે આ કેસ તો ઍમ્બર જીતેલી જ છે. ઍમ્બર માટે સિમ્પથી થાય એવા તમામ મુદ્દાઓને ઍમ્બરે કેસમાં જોડ્યા હતા. માર મારવાથી માંડીને જૉની માનસિક રીતે વિકૃત હતો, જે વિકૃતિ તે બેડરૂમમાં સેકસ-લાઇફ સમયે કાઢતો જેવા ગંભીર કહેવાય એવા આરોપો મૂકવા ઉપરાંત જ્યુરી સામે આંખમાં પીલુડાં લાવીને સામેવાળાને પીગળાવી દેવાનું મહિલાઓનું છેલ્લું શસ્ત્ર પણ ઍમ્બરબહેને વાપરી લીધું પણ એ બધા પછી પણ પરિણામ વિપરીત જ આવ્યું અને કોર્ટમાં બેઠેલી જ્યુરીએ ૧ કલાક અને ૩૪ મિનિટ ચાલેલા ચુકાદામાં આડકતરી રીતે કહી દીધું કે બહુ થયું બહેન હવે, વિક્ટિમ કાર્ડનો દુરુપયોગ બંધ કરો.
જાણીતા સાઇકોલૉજિસ્ટ ડૉક્ટર મુકુલ ચોકસી કહે છે, ‘આ આખી વાતને બે નજરથી જોવી જોઈએ. પહેલી એ કે ઇક્વલાઇઝેશન આવી ગયું છે. મહિલા છે એટલે એના પક્ષે પ૧ ટકા આપો એવો મામૂલી ભેદભાવ પણ સ્ત્રી-પુરુષને સમાન ગણવાની બાબતમાં મતભેદ ઊભા કરી શકે છે એ વાતને ધ્યાનમાં રાખીને કોર્ટે નિર્ણય લીધો, જે બહુ જરૂરી હતું. આવા એકાદ ચુકાદાથી ફરક નહીં પડે પણ જો એકધારું આવું રિઝલ્ટ જોવા મળશે તો નૅચરલી તમારે ત્યાં પણ એક પ્રકારનું મેન્ટલ પ્રેશર ઊભું થાય અને એ પ્રેશર સંવેદના નહીં પણ સત્યને જોવા માટે પ્રેરે.’
ઍમ્બરે ચુકાદો સ્વીકાર્યો. તેણે સ્વીકારવો પડ્યો પણ બહાર આવીને તેણે દેકારો તો મચાવી જ દીધો. ઍમ્બરે સ્ટેટમેન્ટ કર્યું કે આ જે ચુકાદો છે એનાથી ફરી એક વાર મહિલાઓ પોતાના મનની વાત કરતાં ખચકાશે. આ ચુકાદો પૃથ્વીને આગળ લઈ જવારો નહીં પણ દુનિયાને પાછળ ધકેલનારો ચુકાદો છે. ડૉક્ટર મુકુલ ચોકસી કહે છે, ‘આ સ્ટેટમેન્ટ પુરવાર કરે છે કે આપણે ત્યાં જ નહીં, અમેરિકા જેવા મૉડર્ન વિચારધારા ધરાવતા દેશમાં પણ મહિલાઓની માનસિકતા એવી જ છે જેવી બીજા દેશોમાં છે. જો તમે વાત સ્વીકારો તો એ તો સત્ય હતું એટલે તમે માન્યા અને જો તમે વાત નકારો તો મહિલાઓને સહેજ પણ માન આપવામાં નથી આવતું એવું કહીને દેકારો કરવાનો.’
રંગભૂમિ, સિરિયલ અને ફિલ્મોનાં જાણીતાં એક્ટ્રેસ સરિતા જોષી આ જ વાતને આગળ વધારતાં કહે છે, ‘સમાનતાની વાત ત્યારે જ થઈ શકે જ્યારે તમે થયેલી ભૂલની સજા પણ સમાન સ્તર પર ઊભા રહીને સ્વીકારો. જો એ સ્વીકારવાની તમારી તૈયારી ન હોય તો પછી સમાન સ્તરની પિપૂડી વગાડવાનો પણ તમને કોઈ હક નથી.’
જૉની ડેપના કેસમાં આવેલા ચુકાદાથી ચોક્કસપણે પુરુષોમાં પણ હિંમત આવશે એવું કહેતાં સરિતા જોષી કહે છે, ‘મોટા ભાગે એવું બનતું હોય છે કે દુનિયા પોતાનો વાંક માનશે એવું ધારીને પણ પુરુષો આગળ નથી આવતા પણ તેણે આગળ આવવું પડશે. જો એ આગળ આવશે તો જ નવી શરૂઆતનો એ નિમિત્ત બનશે.’
ADVERTISEMENT
આ જીતના કારણે પહેલી વાર પુરુષોનો આત્મવિશ્વાસ બળવાન થયો કે દર વખતે સ્ત્રી જ સાચી હોય એવું ધારીને કોર્ટ આગળ વધી જાય અને ચુકાદો આપી દે એવું નથી.