જ્યારે હૉસ્ટેલના ટીચર્સ અને વૉર્ડને મમ્મી બનીને અમને સંભાળી લીધાં
ભારતી શાહ
હું હૉસ્ટેલમાં જઈ એક્સ્ટ્રોવર્ટ થઈ
આજે છોકરા-છોકરીઓ માટે અમેરિકા, ઑસ્ટ્રેલિયા જઈ ભણવું સહજ છે, પણ સાડાત્રણ દાયકા પહેલાં સિનારિયો અલગ હતો. છોકરીઓને આગળ અભ્યાસ માટે બહારગામ મોકલવી જ બહુ મોટી વાત ગણાતી. અજાણ્યું શહેર, અજાણ્યા લોકો વચ્ચે ઘરના પ્રોટેક્ટિવ વાતાવરણમાં રહેલી એક નાના નગરની કિશોરીને ઍડજસ્ટ થવું અઘરું રહેતું. એવા સમયે હૉસ્ટેલના વૉર્ડનની ભૂમિકા બહુ મહત્વનો ભાગ ભજવતી.
ADVERTISEMENT
હોમિયોપથીની સ્ટડી માટે આણંદની રામકૃષ્ણ પરમહંસ કૉલેજમાં છ વરસ ભણેલાં ડૉ. સોનિયા સંઘવી કહે છે, ‘બારમા ધોરણની પરીક્ષા પાસ કરી હું સુરેન્દ્રનગરથી આણંદ આવી. ઘરે કોઈ મહેમાન પણ આવે તો હું અંદરની રૂમમાં ભરાઈ રહું તેવી શરમાળ, અને અહીં આખા રાજ્યની, વળી મુંબઈની છોકરીઓ સાથે રહેવાનું, ઓહ માય ગૉડ! એ તો મેડિકલ સબ્જેક્ટ કરતાં પણ વધુ ડિફિકલ્ટ. હું હૉસ્ટેલમાં ગઈ અને પહેલા જ દિવસે મને જે રૂમ અલોટ થયો હતો તેમાં ત્રણ મુસ્લિમ છોકરીઓ સાથે મારે રહેવાનું હતું. એ જાણી મારા બાર વાગી ગયા. રડવાનું ચાલુ થઈ ગયું. હું હૉસ્ટેલનાં વૉર્ડન સુરેખાબહેન પાસે ગઈ અને રૂમ બદલી કરવાની વાત કરી. બહેને મારી બધી વાત શાંતિથી સાંભળી અને સધિયારો આપતાં કહ્યું કે અત્યારે તું ત્યાં રહી જા, હું જલદી તને રૂમ ચેન્જ કરી આપીશ. આ મારો અને તેમનો પહેલો સંવાદ.’
પછી તો બે દિવસમાં ડૉ. સોનિયા એ છોકરીઓ સાથે સેટ થઈ ગયાં અને સરસ મિત્રો બની ગયાં. એ જ રીતે સુરેખાબહેન સાથે ટ્યુનિંગ થઈ ગયું. સુરેખાબહેન સોનિયા અને તેની સખીઓને નવરાત્રિમાં ગરબા રમાડવા લઈ જાય, પિક્ચર જોવા સાથે આવે, રસોઈમાં અવનવી વાનગી બનાવે ત્યારે સોનિયાને ખવડાવે, ફેવરિટ ટીવી-સિરિયલ આવે તો બેલ મારી તેમને જોવા બોલાવે.
વિલે પાર્લેમાં પ્રૅક્ટિસ કરતાં ડૉ. સોનિયા કહે છે, ‘સુરેખાબહેન અમને મજા કરાવે, પણ કડક એટલાં જ. છોકરીઓને કોણ મળવા આવે છે, છોકરાઓ સાથે કોણ કેટલી વાતો કરે છે એ બધું જ તેઓ ખ્યાલમાં રાખે. જો કોઈ પણ છોકરી તેમને ખોટું કરતી દેખાય તો તેની ખેર નહીં. હા, પપ્પા-મમ્મી સુધી આવી વાતો ન પહોંચાડે, પણ છોકરીઓનું નબળું વર્તન જરાય ના ચલાવી લે. નવું નવું ફ્રીડમ મળ્યું હોય ને કિશોરાવસ્થા હોય ત્યારે લપસી જતાં વાર ના લાગે. એવા સમયે સુરેખાબહેનનો કડપ ન હોત તો કેટલીયે છોકરીઓનું ભણવાનું સાઇડમાં રહી જાત અને મા-બાપ તેને પાછી લઈ જાત.’
૫૦ વર્ષનાં સોનિયા આગળ કહે છે, ‘સુરેખાબહેન મને સંકોચ છોડી બધાની સાથે વાત કરવા માટે ખૂબ પ્રોત્સાહન આપતાં. દરેક છોકરીઓને સ્વબચાવ માટે સ્વાવલંબી થવાની શિખામણ આપતાં. તેમનું જીવન જ અમારા માટે લાઇફ લેસન હતું. હૉસ્ટેલના હેડ સૂર્યાબહેન અમને રામાયણની વાર્તા કહેતાં એ દ્વારા સ્ત્રી તરીકે આપણું વર્તન કેવું હોવું જોઈએ તે પાઠ મળતો. આ ઉંમર થોડી નાજુક હોય, મન અને મગજમાં સખત ઊથલપાથલ થતી હોય ત્યારે સુરેખાબહેને બધાનાં ઇમોશન્સને સાચી દિશા આપી. આજે હૉસ્ટેલ છોડ્યે મને ૨૭ વરસ થયા છતાં અમારા વચ્ચે બહુ સુંદર બોન્ડિંગ છે. ૧૫ દિવસમાં એક વખત ફોન પર વાત થાય જ. તેઓ મુંબઈ આવે ત્યારે મારા ઘરે રોકાય હું પણ તેમને આણંદ મળવા જઉ. માતા દીકરીની જે કાળજી કરે તેવી કાળજી સુરેખાબહેન આજે પણ મારી કરે છે. તબીબી વ્યવસાયમાં આઉટસ્પોકન હોવા સાથે દર્દીની બધી શાંતિથી સાંભળવાનો ગુણ હોવો બહુ જરૂરી છે, જે મારો સુરેખાબહેનના સહેવાસે કેળવાયો છે.’
આજે હું જે છું તે આ ત્રણ માતા સમ મહિલાઓને લીધે છું
ત્રણ દીકરાઓ બાદ માનતાઓ માનીને મેળવેલી દીકરી. ખૂબ તોફાની અને ચંચળ. બે વર્ષની હતી ત્યાં ભાઈ સાથે રમતાં રમતાં તેની આંગળીનો નખ બહેનની આંખમાં વાગ્યો અને કૉર્નિયા સંપૂર્ણ ડૅમેજ. એટલી હદે કે દૃષ્ટિ જતી રહી. છતાં દીકરીની મસ્તી ઓછી થઈ નહીં. એક જ આંખે દેખાય, પણ આખો દિવસ બૅટ-બૉલ રમ્યા કરે. ચાર વર્ષની હતી ને ઘરની નજીકના મેદાનમાં ક્રિકેટ મૅચ જોવા ગઈ અને બૅટ્સમૅનનો બૉલ સીધો વાગ્યો નાક ઉપર, જે બીજી સારી આંખનો રેટિના ખરાબ કરી ગયો. સાજી સારી છોકરી સંપૂર્ણ અંધ બની ગઈ.
કમલા મહેતા બ્લાઇન્ડ સ્કૂલમાં શિક્ષક તરીકે કાર્યરત ૩૦ વર્ષની ભારતી શાહ પોતાના વિશે વાત કરતાં આગળ કહે છે, ‘આંખની રોશની પાછી આવે એ માટે બહુ ટ્રીટમેન્ટ કરાવી. તેનો ખર્ચો પૂરો કરવા પપ્પાએ ઘાટકોપરમાં આવેલી અમારી હોટેલ, ઘર વેચી નાખ્યાં. આર્થિક રીતે ઘસાયા છતાં આંખોનું નૂર પાછું ન આવ્યું. એ બે વર્ષનો ગાળો મમ્મી-પપ્પા માટે બહુ કપરો ગયો હશે. જોકે હું એવી નાદાન હતી કે મને ખબર જ નહોતી પડતી કે મને હવે ક્યારેય નહીં દેખાય. બસ હું રડતી રહેતી કે મને વિમાનનો અવાજ સંભળાય છે તો દેખાતું કેમ નથી. આવી માનસિક સ્થિતિમાં મને દાદરની કમલા મહેતા બ્લાઇન્ડ સ્કૂલમાં દાખલ કરવામાં આવી.’
છ વર્ષની ભારતી સ્કૂલમાં દાખલ તો થઈ, પણ સ્કૂલમાં બધા જ મરાઠીમાં બોલે. ના ભાષા સમજાય, ના કશુંય કરતાં આવડે. અત્યાર સુધી મમ્મી જ બધું કરાવે. ખાવું-પીવું, વૉશરૂમ જવું, નાહવું. અને હૉસ્ટેલમાં તો બધુ જ જાતે કરવાનું હોય, અહીં થોડી મમ્મી હોય. ત્યારે સ્કૂલનાં પ્રિન્સિપાલ જ્યોતિબહેન ભારતીનાં મમ્મી બન્યાં. ભારતી કહે છે, ‘આ ગુજરાતી મૅનેજમેન્ટની સ્કૂલ ખરી, પણ વિદ્યાર્થિનીઓ, કૅરટેકર, ટીચર્સ બધાં જ મહારાષ્ટ્રિયન. એકમાત્ર જ્યોતિબહેન ગુજરાતી. તેમણે મને મરાઠી બોલતાં શીખવ્યું, ખાતાં પણ શીખવ્યું. અમે ઘરે રોટલી પાણી સાથે ખાતાં, ફાઇનૅન્શિયલ કન્ડિશન જ એવી હતી. રોટલી શાક સાથે ખાવાની હોય તે હૉસ્ટેલનાં કૅરટેકર અને જ્યોતિબહેને શીખવ્યું. હું રડતી તો તે છાની રાખતાં, સમજાવતાં, સધિયારો આપતાં, વહાલ કરતાં. અંધજનોએ શ્રવણશક્તિ અને સ્પર્શશક્તિ ડેવલપ કરવાની હોય એ જ્ઞાન અહીં મળ્યું પછી તો ધીમે ધીમે હું બ્લાઇન્ડનેસથી ટેવાતી ગઈ ને અહીં જ રહી મેં ટ્વેલ્થ કર્યું. આ ૧૨ વર્ષમાં અનેક શિક્ષકો અને મૌસીઓએ અનેક સ્તરે માતાની ભૂમિકા ભજવી.’
ભારતી અહીં રહીને ભણવા સાથે ડાન્સ, યોગા, મલખંબ શીખી. સ્કૂલના નિયમ અનુસાર ૧૨મી પછી તે ઘરે ગઈ અને બહારથી બી.એડ. કર્યું. સાથે કમ્પ્યુટર ક્લાસિસ, ટાઇપિંગ, શૉર્ટહૅન્ડની ટ્રેઇનિંગ પણ લીધી. આ દરમ્યાન તેના પિતાજી અને બેઉ ભાઈઓનાં ડેથ થયાં. ઘરમાં રહી ગયાં ભારતી અને તેનાં મમ્મી. બે વર્ષની વયથી પોતાની પરિસ્થિતિઓ સામે લડતી ભારતી આવી ઘટનાઓ પછી પણ ભાંગી નહીં. અનહદ વિપરીત સંજોગો સામે લડવાનું જુનૂન મને મારી માતા પાસેથી મળ્યું છે એમ જણાવીને ભારતી કહે છે, ‘મારી ટ્રીટમેન્ટમાં ઘરબાર બધું જ વેચાઈ ગયા પછી મારા પિતા નાસીપાસ થઈને દેશમાં જતા રહ્યા. ત્યારે મારાં મમ્મીએ તેનાં સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અહીં નોકરીઓ કરીને એકલા હાથે અમને મોટાં કયાર઼્ છે. હવે એ માતાનું ઋણ ચૂકવવા કુદરતે મને મોકો આપ્યો છે તો મારે ડિપ્રેસ થઈને બેસી થોડું જવાય?’
આ પણ વાંચો : Happy Mothers Day: સામાન્ય લોકો પણ મનાવી રહ્યા છે મધર્સ ડે
પછી ભારતીએ મહાલક્ષ્મીની બ્લાઇન્ડ સ્કૂલમાં ટ્રેઇનિંગ પણ લીધી અને નોકરી પણ કરી. ગયા વર્ષે તે કમલા મહેતા બ્લાઇન્ડ સ્કૂલમાં ટીચર તરીકે જોડાઈ. ભારતી કહે છે, ‘હું શિક્ષણ આપી શકું એવો વિશ્વાસ મને હાલનાં પ્રિન્સિપાલ વર્ષાબહેને આપ્યો, જે એક માતા જ પોતાના સંતાનને આપી શકે. મારા સ્કૂલકાળ દરમ્યાન સુશીલામૌસીએ મા તરીકે મને સાચવી. હું બરાબર ખાઉં છું કે નહીં? ના ભાવે તો પટાવીને જમાડતાં. આજે પણ એ સ્કૂલમાં છે. હવે ટીચર છું છતાં હું બરાબર જમી છું કે નહીં તે ધ્યાન રાખે છે. જો એકાદી રોટલી ઓછી ખવાય તો વઢીને પણ ખવડાવે છે. સાચે જ ઉંમરના વિવિધ પડાવે, જો આ સ્ત્રીઓએ મને પાંખમાં ન લીધી હોત તો મારી જિંદગી વેડફાઈ જાત.’