યુરો એરિયા, ઑસ્ટ્રેલિયા અને ભારતની સેન્ટ્રલ બૅન્ક મીટિંગ ચાલુ સપ્તાહે હોવાથી સોનામાં ઊથલપાથલ વધશે
પ્રતીકાત્મક તસવીર
ક્રૂડ તેલનું અગ્રણી નિકાસકાર સાઉદી અરેબિયાએ ક્રૂડ તેલના ભાવ વધારતાં ઇન્ફ્લેશન વધવાની ધારણાએ સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જોકે વૈશ્વિક માર્કેટથી વિપરીત મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૪૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૯૬ રૂપિયા ઘટી હતી.
વિદેશી પ્રવાહ
ક્રૂડ તેલના ભાવ નવેસરથી વધતાં અને ચાલુ સપ્તાહના અંતે અમેરિકન ઇન્ફ્લેશન ડેટા જાહેર થવાના હોવાથી એની અસરે સોનું સપ્તાહના આરંભે સોમવારે ઘટ્યા મથાળેથી સુધર્યું હતું. સાઉદી અરેબિયાએ ક્રૂડ તેલના ભાવ વધારતાં વર્લ્ડ માર્કેટમાં બ્રેન્ટ અને ક્રૂડ તેલના ભાવ બે ટકા ઊછળ્યા હતા, જેની અસરે સોનું પણ વધ્યું હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમમાં તેજી જોવા મળી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકામાં મે મહિનામાં ૩.૯૦ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હોવાનું નૉન-ફાર્મ પે-રોલ ડેટામાં જાહેર થયું હતું જે માર્કેટની ૩.૨૫ લાખની ધારણા કરતાં ઘણી વધુ હતી. જોકે એપ્રિલમાં ૪.૩૬ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી એના કરતાં નોકરીઓ ઓછી વધી હતી. સૌથી વધુ નોકરીઓ હૉસ્પિટલિટી સેક્ટરમાં વધી હતી. ત્યાર બાદ મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નોકરીઓમાં એકધારો વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકાનો અનએમ્પ્લોઇમેન્ટ ઇન્ડેક્સ મે મહિનામાં સતત ત્રીજે મહિને ૩.૬ ટકા જળવાયેલો હતો, પણ માર્કેટની ૩.૫ ટકાની ધારણા કરતાં ઊંચો રહ્યો હતો. અમેરિકામાં બેરોજગારોની સંખ્યા મે મહિનામાં ૯૦૦૦ વધીને ૫૯.૫૦ લાખે પહોંચી હતી જ્યારે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ મે મહિનામાં વધીને ૬૨.૩ ટકાએ પહોંચ્યો હતો જે એપ્રિલમાં ત્રણ મહિનાની નીચી સપાટીએ ૬૨.૨ ટકા હતો. અમેરિકામાં પ્રતિ કલાક વેતન મેમાં ૧૦ સેન્ટ એટલે કે ૦.૩ ટકા વધીને ૩૧.૯૫ ડૉલર રહ્યું હતું જેના વિશે માર્કેટની ધારણા ૦.૪ ટકા વધારાની હતી. છેલ્લા એક વર્ષમાં અમેરિકન વર્કરનું પ્રતિ કલાક વેતન ૫.૨ ટકા વધ્યું હતું. અમેરિકન સર્વિસ સેક્ટરનો ગ્રોથ મે મહિનામાં ઘટીને ૧૫ મહિનાની નીચી સપાટીએ ૫૫.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૫૭.૧ પૉઇન્ટ હતો. અગાઉ મૅન્યુફૅક્ચરિંગ ડેટા પણ ધારણાથી નબળા આવતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ મે મહિનામાં ઘટીને ૫૩.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૫૬ પૉઇન્ટ હતો અને પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૫૩.૮ પૉઇન્ટ હતો. યુરો એરિયામાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ મે મહિનામાં ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૫૪.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૫૫.૮ પૉઇન્ટ હતો. મૉરિશ્યસની સેન્ટ્રલ બૅન્કે રેપો રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૨.૨૫ ટકા વધાર્યા હતા. થાઇલૅન્ડનું ઇન્ફ્લેશન મે મહિનામાં વધીને ૧૪ વર્ષની ઊંચાઈએ ૭.૧ ટકાએ પહોંચ્યું હતું જે એપ્રિલમાં ૪.૬૫ ટકા હતું. થાઇલૅન્ડમાં ફૂડ પ્રાઇસ મે મહિનામાં ૮.૧૮ ટકા વધ્યા હતા, જેના કારણે ઇન્ફ્લેશન વધ્યું હતું. અમેરિકાના જૉબડેટા ધારણા કરતાં સારા આવતાં ગયા સપ્તાહના છેલ્લા દિવસે સોનું એક ટકા ઘટ્યું હતું, પણ અમેરિકન ઇન્ફ્લેશનમાં વધારો થવાના અંદાજે સોનું ફરી વધ્યું હતું.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકામાં ગૅસોલીનના ભાવ નવેસરથી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યા છે, ગયા સપ્તાહે ગૅસોલીનનો ભાવ પ્રતિ ગેલન ૪.૩૧ ડૉલર થયો હતો. અમેરિકામાં એપ્રિલથી સપ્ટેમ્બર વેકેશન પિરિયડ અને ઉનાળું સીઝનમાં ગૅસોલીનનો વપરાશ સૌથી વધુ હોય છે. ઓપેક (ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ)ના મુખ્ય દેશ સાઉદી અરેબિયાએ ક્રૂડ તેલના ભાવ વધારતાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં સોમવારે બે ટકાનો વધારો થયો હતો, જેને પગલે અમેરિકન ક્રૂડ તેલના ભાવ પણ બે ટકા વધ્યા હતા. ક્રૂડ તેલ અને નૅચરલ ગૅસ સહિતની તમામ એનર્જી પ્રોડક્ટના ભાવ હાલ ભડકે બળી રહ્યા હોવાથી અમેરિકન ઇન્ફ્લેશન સતત વધી રહ્યું છે. હાલ ૪૧ વર્ષની ઊંચાઈએ પહોંચેલું અમેરિકન ઇન્ફ્લેશન મે મહિનામાં પણ વધવાની ધારણાએ સોનામાં સોમવારથી ફરી તેજીની આગેકૂચ ચાલુ થઈ હતી. ચાલુ સપ્તાહે શુક્રવારે અમેરિકાના મે મહિનાના ઇન્ફ્લેશનના ડેટા જાહેર થવાના છે. અમેરિકાનું ઇન્ફ્લેશન મે મહિનામાં ૮.૩ ટકા રહેવાની ધારણા છે. ઇન્ફ્લેશન ૧૦ જૂને જાહેર થયા બાદ ૧૪-૧૫ જૂને ફેડની મીટિંગ છે, જેમાં મોટા ભાગે ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો નિર્ણય લેવાશે, પણ કેટલાક ઇકૉનૉમિસ્ટોને મતે ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધી શકે છે. ઇન્ફ્લેશનના ડેટા ઇન્ટરેસ્ટ રેટનો નિર્ણય લેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ચાલુ સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા અને રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાની પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારાનો નિર્ણય આવશે જેની અસર સોના-ચાંદીના ભાવ પર જોવા મળશે.