કેન્દ્ર સરકારે પહેલી જૂનથી લાગુ પડે એ રીતે ૧૦૦ લાખ ટન સુધી ખાંડની નિકાસ મર્યાદિત કરી
ખાંડમાં નિકાસ નિયંત્રણોથી દિવાળી સહિતના તહેવારમાં ભાવ ટકી રહેશે: ખાદ્ય સેક્રેટરી
કેન્દ્ર સરકારે પહેલી જૂનથી લાગુ પડે એ રીતે ચાલુ સીઝન વર્ષમાં ખાંડની નિકાસને ૧૦૦ લાખ ટન સુધી સીમિત કરી છે, જે વિશે પ્રતિક્રિયા આપતાં ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ બુધવારે જણાવ્યું હતું કે ઑક્ટોબર-નવેમ્બરમાં તહેવારોની મોસમ દરમિયાન મીઠાઈની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને જાળવવા માટે સરકારે ‘સમયસર અને સાવચેતીભર્યાં’ પગલાં લીધાં છે, જેને પગલે ખાંડના ભાવ સ્થિર રહેશે.
અન્ય કૉમોડિટીની સરખામણીમાં ખાંડના ભાવ ‘વધુ સ્થિર’ હોવા છતાં ખાંડની નિકાસને અંકુશમાં લેવાનો નિર્ણય કૉમોડિટીની વૈશ્વિક અછત વચ્ચે છૂટક કિંમતોમાં કોઈ પણ અયોગ્ય વધારો અટકાવવા માટે લેવામાં આવ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું.
પાંડેએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે ભારત આ વર્ષે વિશ્વના સૌથી મોટા ખાંડ ઉત્પાદક તરીકે ઊભરી આવ્યું છે, જેણે આ વર્ષે ઉત્પાદનની અછતનો સામનો કરતા બ્રાઝિલને પછાડી દીધો છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ખાંડ નિકાસકાર પણ છે.
કેન્દ્ર સરકારે મંગળવારે મોડી રાત્રે એક નોટિફિકેશન બહાર પાડીને ચાલુ સીઝન વર્ષમાં ખાંડની ૧૦૦ લાખ સુધીની નિકાસને સીમિત કરી છે. પહેલી જૂનથી ૩૧ ઑક્ટોબર વચ્ચે ખાસ પરવાનગી સાથે જ શિપમેન્ટની મંજૂરી આપવામાં આવશે. શુગર મિલોએ ખાદ્ય મંત્રાલય હેઠળના શુગર વિભાગમાં નોંધણી કરાવીને ક્વોટાની ફાળવણી મુજબ જ નિકાસ કરી શકાશે.