ડીજીએફટીએ અનેક પ્રકારની પ્રક્રિયાના અંતે ખોટા દસ્તાવેજ આપનારની અરજી રદ કરી
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ માટે આવેલી અરજીઓમાંથી ૧૫ લાખ ટન ઘઉંની અરજીઓ રદ કરી છે. ડાયરેક્ટરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડ (ડીજીએફટી)એ લેટર્સ ઑફ ક્રેડિટ (એલસી) માટે બહુ-સ્તરીય ચકાસણી પ્રક્રિયા હાથ ધર્યા પછી અત્યાર સુધીમાં ૧૫ લાખ ટન ઘઉંની નિકાસ માટેની અરજીઓ ફગાવી દીધી છે, જેથી માત્ર એ જ જારી કરવામાં આવે અને ૧૩ મેના રોજ નિકાસ પ્રતિબંધ લાદવામાં આવે એ પછી રજૂ કરવામાં આવી હોય એમ આ બાબત પર નજર રાખતા અધિકારીએ જણાવ્યું હતું.
ડીજીએફટીએ કહ્યું હતું કે કેટલાક નિકાસકારો દ્વારા ખોટી એલસી બતાવીને નિકાસ મંજૂરી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અનેક પ્રકારની ચકાસણીને અંતે ખોટી અરજીઓ નકારી કાઢવામાં આવી હતી.
દરમ્યાન કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ‘સરકાર દ્વારા હવે કોઈ પણ પ્રકારનાં અનાજની નિકાસ પર હવે પ્રતિબંધ મૂકવાનું આયોજન નથી. અનાજના સ્ટૉક અને ભાવ પર સરકાર બારીકાઈથી નજર રાખી રહી છે અને હાલના સંજોગોમાં હવે વધુ નિકાસ બંધ કરવાનું કોઈ આયોજન નથી.
ઉલ્લેખનીય છે કે વચ્ચે ચોખાની નિકાસ પર પ્રતિબંધની પણ ચર્ચા આવી હતી, પરંતુ સરકારે એ નકારી કાઢી છે.