મે મહિનાનો ઇન્ડેક્સ ગયા વર્ષની તુલનાએ હજીયે ૨૨.૮ ટકા ઊંચો
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક બજારમાં મોંઘવારીના દરમાં સતત બીજા મહિને ઘટાડો જોવા મળ્યો હતો. યુનાઇટેડ નૅશન્સની ફૂડ એજન્સીએ જણાવ્યું હતું કે માર્ચમાં વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા પછી વિશ્વ ખાદ્ય પદાર્થોના ભાવ મે મહિનામાં સતત બીજા મહિને ઘટ્યા હતા. જોકે અનાજની કિંમતમાં વધારો થયો હતો.
ફૂડ ઍન્ડ ઍગ્રીકલ્ચર ઑર્ગેનાઇઝેશન (ફાઓ)નો ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ, જે વૈશ્વિક સ્તરે સૌથી વધુ વેપાર થતી ખાદ્ય ચીજવસ્તુઓને ટ્રૅક કરે છે, એ એપ્રિલ માટે ૧૫૮.૩૦ સામે ગયા મહિને સરેરાશ ૧૫૭.૪૦ પૉઇન્ટ હતો.
એપ્રિલ મહિનામાં આ ઇન્ડેક્સ ૧૫૮.૫૦ પર હતો. માસિક રીતે ઘટાડો થયો હોવા છતાં ઇન્ડેક્સ હજી પણ એક વર્ષ અગાઉ કરતાં ૨૨.૮ ટકા ઊંચો હતો, જે યુક્રેન પરના રશિયન આક્રમણની અસર અંગેની ચિંતાઓને કારણે આંશિક રીતે આગળ વધ્યો હતો.
શુક્રવારે અલગ-અલગ અનાજના પુરવઠા અને માગ સંદર્ભે ફાઓએ જણાવ્યું હતું કે એને અપેક્ષા છે કે ૨૦૨૨-’૨૩ની સીઝનમાં ચાર વર્ષમાં પ્રથમ વખત વૈશ્વિક અનાજનું ઉત્પાદન ઘટશે, જે ૨૦૨૧ના રેકૉર્ડ સ્તરથી ૧૬૦ લાખ ટન ઘટીને ૨૭,૮૪૦ લાખ ટન થઈ જશે.
જ્યારે ડેરી, ખાંડ અને ખાદ્ય તેલના ભાવ સૂચકાંકો ગયા મહિને ઘટ્યા હતા. ઘઉંમાં ૫.૬ ટકા મહિના-દર-મહિને વૃદ્ધિ સાથે, અનાજનો સૂચકાંક ૨.૨ ટકા વધ્યો હતો. વાર્ષિક ધોરણે ઘઉંના ભાવ ૫૬.૨ ટકા વધ્યા હતા.
ફાઓએ જણાવ્યું હતું કે ભારત દ્વારા નિકાસ પ્રતિબંધની જાહેરાત તેમ જ રશિયન આક્રમણને પગલે યુક્રેનમાં ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ઘઉંના ભાવમાં વધારો થયો હતો.
વૈશ્વિક બજારમાં અનાજના ઉત્પાદનમાં ઘટાડો થવાને પગલે ચાલુ વર્ષ દરમ્યાન સરેરાશ ઘઉં સહિતનાં અનાજના ભાવ ઊંચા જ રહે એવી ધારણા છે. યુક્રેન-રશિયાના યુદ્ધને કારણે ત્યાંની નિકાસ યુદ્ધ પૂરું થાય તો પણ બે મહિના સુધી નિકાસ રેગ્યુલર શરૂ થવી મુશ્કેલ છે. અત્યારે યુક્રેનમાંથી ૨૫૦ લાખ ટનથી પણ વધુનો જથ્થો નિકાસ માટેની રાહમાં છે અને નિકાસ શરૂ થાય એવા પ્રયાસ ચાલી રહ્યા છે, પરંતુ હજી નિયમિત નિકાસ શરૂ થઈ નથી.