સંતાનોને ગ્રૂમ કરવા હોય તો ક્યારેક કડવું પણ કહેવું જ પડે
પ્રતીકાત્મક તસવીર
મારો દીકરો છઠ્ઠા ધોરણમાં ભણે છે. મારી ફ્રેન્ડની દીકરી પણ એની સાથે જ છે. હું બહુ શૉર્ટ ટેમ્પર્ડ છું અને મારી ફ્રેન્ડ ખૂબ જ કૂલ. દીકરી ભૂલ કરે તોય તેને શાંતિથી કહે. જ્યારે મારાથી અકળાઈ જ જવાય. મારો દીકરો જ્યારે પણ મારી એ ફ્રેન્ડના ઘરેથી આવે ત્યારે મને કહે કે જો એ આન્ટી કેટલા સારા છે. દીકરીએ ભૂલ કરી તોય તેને ગુસ્સે નથી થતા. મને પણ લાગે કે તેને બધાની વચ્ચે ખીજાઈને મેં પણ ખોટું કર્યું છે. પણ મેં એ પણ જોયું કે મારો દીકરો ઘરના કેટલાક કામોમાં પેલી છોકરી કરતાંય વધુ ગ્રૂમ્ડ છે. દીકરાને કડવી વાત ગમતી નથી, પણ એનાથી તેનામાં સારી આદતો પડી છે એનું શું?
સંતાનોને ગ્રૂમ કરવા હોય તો ક્યારેક કડવું પણ કહેવું જ પડે, પરંતુ કડવી વાત પણ સાચી રીતે કહેવાઈ હોય તો એની આડઅસર ઓછી થાય. જ્યારે સાચી વાત ખોટી રીતે કહેવાય તોપણ એ નુકસાનકારક બની શકે છે. તમે જે વાત કરી એમાં બે મુદ્દા મને ખાસ ધ્યાનમાં રાખવા જેવા લાગે છે. એક, હમઉમ્ર હોય એવા કોઈ બે સંતાનોને કમ્પેર ન કરવાં. ધારો કે તમારે કંઈક સમજવા માટે એમ કરવું હોય તો પણ એ મનમાં જ રાખવું. કમ્પેરિઝન બાળકના મનમાં કૉમ્પિટિશન જન્માવે છે. જેમ તમને પેલી ફ્રેન્ડ સાથે કોઈ સરખાવે તો તમને નથી ગમતું એમ બાળકને પણ એવી કમ્પેરિઝન કમ્ફર્ટેબલ નથી લાગતી.
ADVERTISEMENT
બીજું, ગ્રૂમિંગમાં હંમેશાં હકારાત્મકતાને હથિયાર બનાવવું. તમે જેની પર ફોકસ કરશો એ વધશે. દીકરો શું નથી કરતો અથવા તો શું ખોટું કરે છે એની પર ફોકસ કરશો તો એ ખોટી ચીજો વધશે અને જો તે શું સારું કરે છે એની પર ફોકસ કરશો તો એ વધશે. દીકરો જમ્યા પછી કદી થાળી જાતે ઉપાડતો નથી અને એ માટે તેની પર જોરજોરથી અકળાવાથી તે થાળી ઉપાડતો નથી થવાનો. પણ તેની સામે જાતે થાળી ઉપાડવાની આદત ઘરના બધા જ લોકો પાડે તો એ આદત તેનામાં નૅચરલી આવવાની. જ્યારે તે થાળી ઉપાડી લે ત્યારે તેને અપ્રિશિયેટ કરવું કે આપણા ઘરના લોકોની આ સરસ આદત તું શીખી ગયો. કીપ ઇટ અપ! ગ્રૂમિંગ અથવા તો સારી આદત પાડવા માટે પહેલાં ઘરમાં એવું વાતાવરણ બનાવવું અને જ્યારે તે એ મુજબ ઍક્ટ કરે ત્યારે તેને અપ્રિશિએટ કરવો. નેગેટિવ ઘોંચપરોણાની જરૂરત જ નહીં રહે.