05 June, 2022 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેમ્બા બવુમા
સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બવુમાનું કહેવું છે કે ભારત સામે આગામી ટી૨૦ સિરીઝ અમને વર્લ્ડ કપ માટેના ખેલાડીઓની પસંદગી કરવાની તક આપશે, જે આ વર્ષના અંતે ઑસ્ટ્રેલિયામાં યોજાનારા વર્લ્ડ કપમાં વિશેષ ભૂમિકામાં ફિટ બેસી શકે. સાઉથ આફ્રિકાની ટીમે નવેમ્બરમાં શારજાહમાં વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો અને આગામી વર્લ્ડ કપ ઑક્ટોબરમાં શરૂ થવાનો છે. એટલે બવુમા પોતાની ટીમને એ માટે પૂરી રીતે તૈયાર કરવા માગે છે. તેણે મીડિયા સાથે વર્ચ્યુઅલી વાતચીત દરમ્યાન કહ્યું હતું કે ‘ભારતમાં પરિસ્થિતિ ઑસ્ટ્રેલિયા જેવી નથી, પરંતુ એમ છતાં અહીં રમવાથી લાભ થશે. કોઈ પણ પ્રકારનું સ્પર્ધાત્મક ક્રિકેટ અમારા માટે સારું હશે. આ મૅચનો ઉપયોગ ખેલાડીઓ માટે કરીશું જેથી તેમને ખબર પડે કે ટીમમાં તેમની ભૂમિકા શું હશે? સાઉથ આફ્રિકાની ટીમના ઓપનર ક્વિન્ટન ડિકૉક સાથે એક સારા જોડીદારની તલાશ માટે કેટલાક નવા ખેલાડીઓને તક આપીશું.’
ભારતીય ટીમમાં ઘણા સિનિયર ખેલાડીઓ નહીં હોય, પરંતુ એમ છતાં બવુમાને આશા છે કે જોરદાર ટક્કર થશે. ભારતે કૅપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને આ સિરીઝ માટે આરામ આપ્યો છે, જેથી ટીમનું નેતૃત્વ કે. એલ. રાહુલ કરી રહ્યો છે, જેમાં નવા ચહેરા ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ સામેલ છે. બવુમાએ કહ્યું કે ‘આ ચોક્કસ એક નવા લુકવાળી ભારતીય ટીમ છે. ઘણા ખેલાડીઓએ તાજેતરમાં રમાયેલી આઇપીએલમાં સારું પ્રદર્શન કર્યું હતું તેમને તક આપવામાં આવી છે. અમે આને ‘બી’ ટીમ તરીકે નથી જોઈ રહ્યા. અમે ભારતીય ટીમ સામે રમી ચૂક્યા છીએ એથી ટક્કર બરોબરની હશે.’