News In Short : લસિથ મલિન્ગા શ્રીલંકાનો બોલિંગ સ્ટ્રૅટેજી કોચ નિયુક્ત

04 June, 2022 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે ફેબ્રુઆરીમાં ઑસ્ટ્રેલિયા ખાતેની ટૂરમાં મલિન્ગાને આ જ જવાબદારી સોંપાઈ હતી. શ્રીલંકા ત્યારે ૧-૪થી સિરીઝ હારી ગઈ હતી, પરંતુ શ્રીલંકન બોલર્સ કાંગારૂઓને પાંચ મૅચમાં ૧૬૪/૬ના સ્કોર સુધી સીમિત રાખી શક્યા હતા.

લસિથ મલિંગા

શ્રીલંકાના મર્યાદિત ઓવર્સ ક્રિકેટના લેજન્ડરી બોલર લસિથ મલિન્ગાને વર્તમાન નૅશનલ ટીમના બોલિંગ સ્ટ્રૅટેજી કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. આવતા અઠવાડિયે ઑસ્ટ્રેલિયા સામે શ્રીલંકાની હોમ સિરીઝ શરૂ થશે  ત્યારથી મલિન્ગાનું મિશન શરૂ થશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઑસ્ટ્રેલિયા ખાતેની ટૂરમાં મલિન્ગાને આ જ જવાબદારી સોંપાઈ હતી. શ્રીલંકા ત્યારે ૧-૪થી સિરીઝ હારી ગઈ હતી, પરંતુ શ્રીલંકન બોલર્સ કાંગારૂઓને પાંચ મૅચમાં ૧૬૪/૬ના સ્કોર સુધી સીમિત રાખી શક્યા હતા. ૩૮ વર્ષનો મલિન્ગા ૨૦૨૧માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત 
થયો હતો.

આનંદની હૅટ-ટ્રિક જીત : ચીની હરીફને સંઘર્ષ પછી હરાવ્યો

નૉર્વે ચેસ ટુર્નામેન્ટમાં ભારતના બાવન વર્ષના ભૂતપૂર્વ વિશ્વવિજેતા વિશ્વનાથન આનંદે જીતનો સિલસિલો ચાલુ રાખ્યો છે. ગઈ કાલે તેણે સતત ત્રીજી જીત મેળવી હતી, જેમાં તેણે ક્લાસિકલ ઇવેન્ટમાં ચીનના વૉન્ગ હાઓને હરાવ્યો હતો. પહેલાં તો બન્નેની મૅચ ૩૯મી ચાલના અંતે ડ્રૉ રહી હતી, પરંતુ સડન ડેથ ગેમમાં આનંદે હાઓને ૪૪ ચાલમાં પરાજિત કર્યો હતો. આનંદ ૭.૫ પૉઇન્ટ સાથે મોખરે છે, જ્યારે હાઓ (૬ પૉઇન્ટ) બીજા નંબરે અને વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસન (૫) ત્રીજે છે. આનંદે પહેલી બે ગેમમાં ફ્રાન્સના અને બલ્ગેરિયાના હરીફને હરાવ્યા હતા.

વેસ્ટ ઇન્ડીઝ નેધરલૅન્ડ્સ સામે ૨-૦થી શ્રેણી જીત્યું

વેસ્ટ ઇન્ડીઝે ઍમ્સ્ટલવીનમાં સતત બીજી વન-ડે જીતીને નેધરલૅન્ડ્સ સામે ૨-૦થી વિજયી સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ વન-ડેમાં ૭ વિકેટે વિજય મેળવ્યા પછી ગુરુવારે કૅરિબિયનોની પાંચ વિકેટે જીત થઈ હતી. નેધરલૅન્ડ્સે સ્કૉટ એડવર્ડ્સના ૬૮ રનની મદદથી ૨૧૪ રન બનાવ્યા હતા જેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે બ્રેન્ડન કિંગના ૯૧ રનની મદદથી ૪૫.૩ ઓવરમાં પાંચ વિકેટે ૨૧૭ રન બનાવીને વિજય મેળવી લીધો હતો.

cricket news sports news sports lasith malinga