06 June, 2022 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડના નવા કૅપ્ટને રૂટનાં પણ ભરપેટ વખાણ કર્યાં
ઇંગ્લૅન્ડે ગઈ કાલે લૉર્ડ્સમાં ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝની પહેલી ટેસ્ટ ચોથા જ દિવસે પાંચ વિકેટના તફાવતથી જીતી લીધી અને ૧-૦થી સરસાઈ મેળવી ત્યાર પછી ઇંગ્લૅન્ડનો નવો ટેસ્ટ-સુકાની બેન સ્ટોક્સ પોતાના આ વિનિંગ સ્ટાર્ટ બદલ બેહદ ખુશ હતો. ઑલરાઉન્ડર સ્ટોક્સે કહ્યું કે ‘ક્રિકેટના સૌથી લાંબા ફૉર્મેટમાં ઇંગ્લૅન્ડના હજી નવા યુગનો આરંભ થયો છે અને એમાં હજી ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. રાતોરાત સફળ નહીં થવાય. આગળ જતાં કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડશે અને એમાં અમારી ટીમ કેવું પર્ફોર્મ કરશે એના પર બધો આધાર રહેશે. જોકે આ જીત યાદ રહેશે. અમેઝિંગ અ ગ્રેટ ટેસ્ટ-મૅચ. લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ-ન્યુ ઝીલૅન્ડની મૅચ હંમેશાં અવિસ્મરણીય બની જતી હોય છે. મારી આ પહેલી કૅપ્ટન્સી છે એ બાબતને બાજુએ રાખીને કહીશ કે સમરની પ્રથમ ટેસ્ટ હંમેશાં બેમિસાલ હોય છે. વિજય સાથે આ સ્પેશ્યલ વીકનો આરંભ ક્યારેય નહીં ભુલાય.’
રૂટ મૅન ઑફ ધ મૅચ
ઇંગ્લૅન્ડને જીતવા માટે ૨૭૭ રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને બેન સ્ટોક્સ ઍન્ડ કંપનીએ ૨૭૯/૫ના સ્કોર સાથે શાનદાર જીત મેળવી હતી. ભૂતપૂર્વ કૅપ્ટન જો રૂટ (અણનમ ૧૧૫, ૧૭૦ બૉલ, ૩૨૮ મિનિટ, ૧૨ ફોર)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. તેની અને કૅપ્ટન બેન સ્ટોક્સ (૫૪ રન, ૧૧૦ બૉલ, ૧૪૨ મિનિટ, ત્રણ સિક્સર, પાંચ ફોર) વચ્ચે પાંચમી વિકેટ માટે ૯૦ રનની ભાગીદારી થઈ હતી. રૂટ ઇંગ્લૅન્ડની ધરતી પર સૌથી વધુ ૧૫ ટેસ્ટ-સદી ફટકારનારા પ્લેયર્સની હરોળમાં આવી ગયો છે. અન્ય ખેલાડીઓમાં ઇયાન બેલ, કુક, ગ્રેહામ ગૂચ અને પીટરસનનો સમાવેશ છે.
ગઈ કાલે વિકેટકીપર બેન ફૉક્સ (અણનમ ૩૨, ૯૨ બૉલ, ૧૪૧ મિનિટ, ત્રણ ફોર) પણ છેક સુધી ક્રીઝ પર રહ્યો હતો. ૬ કિવી બોલર્સમાંથી કાઇલ જૅમીસને ચાર અને ટ્રેન્ટ બોલ્ટે એક વિકેટ લીધી હતી. ડેરિલ મિચલ, સાઉધી, ગ્રેન્ડમ અને અજાઝ પટેલને વિકેટ નહોતી મળી.
પ્રથમ દાવમાં ન્યુ ઝીલૅન્ડના ૧૩૨ રન સામે ઇંગ્લૅન્ડે ૧૪૧ રન બનાવ્યા એ પછી કિવીઓની ટીમ બીજા દાવમાં ૨૮૫ રન બનાવી શકી હતી, જેમાં ડેરિલ મિચલના ૧૦૮ રન અને વિકેટકીપર ટૉમ બ્લન્ડેલના ૯૬ રન હતા.
૧૦,૦૦૦ રન ઃ રૂટ બન્યો કુક જેટલો જ યંગેસ્ટ
જો રૂટ ટેસ્ટમાં ૧૦,૦૦૦ રન પૂરા કરનાર ઇંગ્લૅન્ડનો ઍલસ્ટર કુક પછીનો બીજો તથા વિશ્વનો ૧૪મો ખેલાડી છે. નવાઈની વાત છે કે રૂટે ૩૧ વર્ષ, પાંચ મહિના અને પાંચ દિવસની ઉંમરે ૧૦,૦૦૦ ટેસ્ટ-રનની સિદ્ધિ મેળવી છે એટલે તે ૧૦,૦૦૦ રન પૂરા કરવામાં કુકની જેમ ઇંગ્લૅન્ડનો યંગેસ્ટ પ્લેયર બન્યો છે. ટેસ્ટમાં ૧૦,૦૦૦ રનનો આંકડો પાર કરનાર બીજા ૧૨ પ્લેયર્સમાં સચિન, પૉન્ટિંગ, કૅલિસ, દ્રવિડ, સંગકારા, લારા, ચંદરપૉલ, જયવર્દને, બોર્ડર, સ્ટીવ વૉ, ગાવસકર અને યુનીસ ખાનનો સમાવેશ છે.