07 June, 2022 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
રવિવારે લૉર્ડ્સમાં ન્યુ ઝીલૅન્ડ સામેના ઇંગ્લૅન્ડના શાનદાર વિજય સાથે પૂરી થયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ દરમ્યાન મૅચના સુપરસ્ટાર પ્લેયર જો રૂટે એક તબક્કે નૉન-સ્ટ્રાઇક એન્ડ પર ઊભા રહ્યા બાદ રન માટે ચાલવાની શરૂઆત કરતાં પહેલાં પોતાના બૅટને નૉન-સ્ટ્રાઇક એન્ડ પર કોઈ પણ પ્રકારના સપોર્ટ વગર ઊભું રાખીને પ્રેક્ષકો-દર્શકોને ચોંકાવી દીધા હતા. રૂટ ત્યારે ઇનિંગ્સની ૭૨મી ઓવરમાં ૮૭ રને નૉટઆઉટ હતો. રૂટે બીજા દાવમાં અણનમ ૧૧૫ રનની અણનમ ઇનિંગ્સ દરમ્યાન પોતાના બૅટને પકડ્યા વગર થોડી ક્ષણો માટે ઊભું રાખ્યું હતું. જોકે બોલર કાઇલ જૅમીસને બૉલ ફેંકવા માટે રન-અપ પર દોડવાની શરૂઆત કરી કે તરત રૂટે બૅટને હાથમાં લઈ લીધું હતું. ક્રિકેટચાહકોમાં ગઈ કાલે આ ઘટનાનો વિડિયો જોયા બાદ ચર્ચા હતી કે રૂટે બૅટને કોઈ કરામતથી ઊભું રાખ્યું હતું કે પછી ક્રીઝમાં એ જગ્યાએ કોઈ પ્રકારનો ખાડો હતો. રૂટ તોડશે સચિનનો વિશ્વવિક્રમઃ માર્ક ટેલર જો રૂટે રવિવારે લૉર્ડ્સમાં ન્યુ ઝીલૅન્ડ સામે ઇંગ્લૅન્ડને ૨૬મી ઐતિહાસિક સદીથી જીત અપાવી ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર માર્ક ટેલરે કહ્યું, ‘૧૦,૦૦૦ ટેસ્ટ-રન પૂરા કરનાર ૧૪મો ખેલાડી બનનાર રૂટ થોડા સમયમાં સૌથી વધુ રનનો સચિન તેન્ડુલકરનો વિશ્વવિક્રમ તોડશે. સચિનનો રેકૉર્ડ રૂટથી દૂર નહીં હોય એમ હું કહી શકું છું.’ સચિનના ૧૫,૯૨૧ રન તમામ ટેસ્ટ-બૅટર્સમાં હાઇએસ્ટ છે.