05 June, 2022 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આઇસીસીના ચૅરમૅન ગ્રેગ બાર્કલેએ ચેતવણી આપી હતી કે ડોમેસ્ટિક ટી૨૦ લીગની વધતી સંખ્યાને લીધે દ્વિપક્ષી સિરીઝ ઓછી થતી જઈ રહી છે અને આગામી દાયકામાં આનાથી ટેસ્ટ મૅચની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. નવેમ્બર ૨૦૨૦માં આઇસીસીના ચૅરમૅન બનેલા બાર્કલેએ કહ્યું હતું કે આવતા વર્ષથી શરૂ થનારા ફ્યુચર ટૂર પ્રોગ્રામ નક્કી કરવામાં પણ ઘણી મુશ્કેલી નડશે. તેમણે ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝની પહેલી મૅચ દરમ્યાન બીબીસીના ટેસ્ટ મૅચ સ્પેશ્યલ પ્રોગ્રામમાં કહ્યું હતું કે ‘દર વર્ષે મહિલા અને પુરુષોની ક્રિકેટની એક ટુર્નામેન્ટ છે. આ ઉપરાંત ડોમેસ્ટિક ક્રિકેટ લીગ પણ વધી રહી છે. આનાથી દ્વિપક્ષીય સિરીઝ ઓછી થઈ જશે, જેનાં પરિણામ ખરાબ આવશે. જેમને ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ જેવી ટીમ સામે રમવાની તક નથી મળતી એવા દેશોની આવક પણ ઘટશે. આગામી ૧૦થી ૧૫ વર્ષમાં ટેસ્ટ ક્રિકેટ રમતનો ભાગ તો રહેશે, પણ મૅચની સંખ્યા ઘટી શકે છે.
આઇસીસીના ચૅરમૅને કહ્યું કે ‘ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ જેવા દેશોને આની અસર નહીં થાય. મહિલાઓની ટેસ્ટ ક્રિકેટનો પણ વિકાસ નથી થઈ રહ્યો. એ માટે ડોમેસ્ટિક લેવલ માળખાગત સુવિધા હોવી જોઈએ. હાલમાં કોઈ પણ દેશમાં આવી સુવિધા નથી.’