જમ્મુ-કાશ્મીરમાં મંદિરમાં તોડફોડનો ભારે વિરોધ

07 June, 2022 09:25 AM IST  |  Jammu | Gujarati Mid-day Correspondent

વાસુકી નાગ મંદિરમાં મૂર્તિ પર પથ્થર ફેંકવામાં આવ્યા 

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં વાસુકી નાગ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. પૂજારી જ્યારે રવિવારે સવારે પહોંચ્યો તો ત્યાંની સ્થિતિ જોઈને તે ચોંકી ગયો હતો. મંદિરમાં બહારથી લઈને અંદર સુધી તોડફોડ કરવામાં આવી હતી. મંદિરની અંદર મૂર્તિ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણકારી પૂજારીએ પોલીસને આપી હતી.

હિન્દુ સમુદાયના લોકોએ ગઈ કાલે એના વિરોધમાં બેનર્સની સાથે દેખાવો કર્યા હતા. અહીં પ્રદર્શન કરી રહેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તોફાની તત્ત્વોએ તાજેતરમાં જ બીજા એક મંદિરમાં તોડફોડ કરી હતી. પ્રદર્શન કરનારી વ્યક્તિઓએ એમ પણ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં હિન્દુ મંદિરોને નુકસાન પહોંચાડવાનો એક ટ્રેન્ડ બની ગયો છે. અહીં કોઈ પણ આવે છે અને હુમલા કરીને જતા રહે છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ડોડા જિલ્લાના કૈલાશ હિલ્સ વિસ્તારમાં મંદિરમાં કથિત તોડફોડના કેટલાક ફોટોગ્રાફ્સ આવ્યા છે, જેને ધ્યાનમાં રાખીને ડોડા ​પોલીસ અને સ્પેશ્યલ ઑપરેશન્સ ગ્રુપની ટીમને તપાસ માટે ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. નોંધપાત્ર છે કે જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં હિન્દુઓની ટાર્ગેટેડ હત્યાઓને લઈને ભારે રોષ ફેલાયો છે. 

national news jammu and kashmir