06 June, 2022 10:05 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલ
ટાર્ગેટેડ હત્યાઓને કારણે કાશ્મીરી પંડિતો કાશ્મીર છોડવા મજબૂર બન્યા હોવાનો દાવો કરતાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે આવા બનાવો રોકવા માટે કેન્દ્ર સરકારે ઍક્શન પ્લાન સાથે આગળ આવવું જોઈએ એવી માગણી કરી હતી.
દિલ્હીમાં જંતરમંતર ખાતે કાશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગ વિરુદ્ધ યોજાયેલી આપ પાર્ટીની જનઆક્રોશ રૅલીને સંબોધન કરતાં તેઓએ પાકિસ્તાન પર કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને મદદ કરવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે પાકિસ્તાને નાની ટેકનિક્સ બંધ કરવી જોઈએ કેમ કે કાશ્મીર હંમેશાં ભારતનો ભાગ રહેશે. ૧૯૯૦માં જે થયું હતું તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે, કાશ્મીરી પંડિતોને પોતાના ઘર છોડવાની ફરજ પાડવામાં આવી છે એમ કહી તેમણે ઉમેર્યું હતું કે બીજેપી કાશ્મીર સંભાળી શકતું નથી. તેને માત્ર ગંદું રાજકારણ રમતાં જ આવડે છે, પરંતુ મહેરબાની કરીને કાશ્મીરના મુદ્દે રાજકારણ ન રમો.
તેમણે બીજેપીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર સમક્ષ ચાર માગણીઓ પણ મૂકી હતી, જેમાં કાશ્મીરની પરિસ્થિતિને પહોંચી વળવાની યોજના વિશે કેન્દ્રએ લોકોને જણાવવું જોઈએ, કાશ્મીરની બહાર કામ ન કરી શકે એ મુજબના કાશ્મીરી પંડિતો સાથેના સહી કરેલા બૉન્ડને રદ કરવા જોઈએ, તેમની તમામ માગણીઓ પૂર્ણ કરી તેમને પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરવી.