20 December, 2023 03:43 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
નૂપુર શર્માની પૈંગબર મોહમ્મદ વિસે કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિવાદ સર્જાતા બાજપ સતર્ક થઈ ગઈ છે. હવે તેણે ટીવી ડિબેટમાં જનારા પોતાના નેતાઓ અને પ્રવક્તાઓ માટે નવી ગાઇડલાઈન્સ નક્કી કરી છે. તેમણે ડિબેટમાં સામેલ થવા દરમિયાન આનું પાલન કરવાનું રહેશે અને આવું ન થતાં પાર્ટીના અનુશાસનનું ખંડન માનવામાં આવશે. પ્રવક્તાઓને સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે કે તે કોઈપણ ચર્ચા દરમિયાન કોઈ ધર્મ, તેના પ્રતીક કે પૂજનીય હસ્તી વિશે કોઈપણ વાંધાજનક વાત ન કરે. પ્રવક્તાઓને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તે વિવાદ દરમિયાન હદ પાર ન કરે.
પ્રવક્તાઓને ઉશ્કેરણીથી બચવાની આપવામાં આવી સલાહ
ભાજપે પાર્ટી પ્રવક્તાઓને કહ્યું છે કે તે ડિબેટ દરમિયાન ન ઉશ્કેરાય. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારની ઉશ્કેરણીમાં આવીને પાર્ટીની વિચારધારા અને આદર્શનું ઉલ્લંઘન ન કરવું. આ સિવાય પ્રવક્તાઓને સલાહ આપવામાં આવી છે કે ટીવી પર જતાં પહેલા ટૉપિક ચેક કરવું અને તે માટે સંપૂર્ણ તૈયારી કરીને જ જવું. આમ કરતી વખતે પાર્ટીની લાઇનનું પણ ધ્યાન રાખવામાં આવે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું કે ડિબેટ દરમિયાન કોઈના પણ ટ્રેપમાં ન ફસાવું. માત્ર વિકાસના મુદ્દે જ વાત કરવી. ભાજપે પ્રવક્તાઓને કહ્યું કે તે ડિબેટ દરમિયાન સામાજિક કલ્યાણ અને વિકાસના મુદ્દે જ જળવાયેલા રહે. સરકારની ઉપલબ્ધિઓ વિશે લોકોને વધારે માહિતી આપે. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપે 8 સૂત્રીય ગાઈડલાઈન્સ બનાવી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ પહેલા જ આપી હતી આ સલાહ
આ હેલા પીએમ નરેન્દ્ર મોદીએ પોતે જયપુરમાં આયોજિત રાષ્ટ્રીય કાર્યકારિણી પરિષદનું સંબોધન કરતી વખતે કહ્યું હતું કે અમારા નેતાઓએ વાણી નિયંત્રણ જાળવવું જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આપણે વિકાસના મુદ્દે અડગ રહેવાનું છે. લોકો તમને ભૂલા પાડવા માટે પોતાના ટ્રેપમાં ફસાવવાનો પ્રયત્ન કરશે, પણ તમારે એવું નથી કરવાનું. નોંધનીય છે કે નૂપુર શર્માએ 26 મેના એક ટિપ્પણી કરી હતી, જેના પર વિવાદ છેડાયો હતો. આ મામલે સઉદી અરબ, કતર, ઓમાન, બહરીન અને યૂએઇ સહિત લગભગ 15 ઇસ્લામિક દેશોએ વાંધો ઉઠાવ્યો છે. એટલું જ નહીં આ વાંધા બાદ ભાજપે નૂપુર શર્માને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.
વિદેશ મંત્રાલયે સ્પષ્ટતામાં નૂપુરને કહ્યા ફ્રિન્ઝ એલિમેન્ટ
અહીં સુધી કે વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં નૂપુર શર્માની ટિપ્પણીને ફ્રિંઝ એલિમેન્ટ જણાવી હતી. આ રીતે સરકારે તેના નિવેદનથી અંતર સાધતા અરબ દેશો સામે સ્પષ્ટતા આપી હતી. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદી નથી ઇચ્છતા કે વિશ્વમાં દેશની ઇમેજ ખરાબ થાય. આ સિવાય દેશના રાજકારણમાં પણ તે ભાજપને વિકાસ મુદ્દે વાત કરનારી પાર્ટી તરીકે રજૂ કરવા માગે છે.