07 August, 2023 02:08 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતી વખતે ઘણી મોટી જાહેરાતો કરી હતી. રાષ્ટ્રને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ આજથી આઝાદીના 75 માં વર્ષમાં પ્રવેશી રહ્યો છે અને અહીંથી આઝાદીના 100 વર્ષ સુધીની સફર "ભારતની રચનાનું અમૃત" છે. તેમણે કહ્યું કે આ લક્ષ્ય "સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ" દ્વારા પ્રાપ્ત કરવાનું છે.
છોકરીઓ માટે સૈનિક શાળાના દરવાજા ખુલ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જાહેરાત કરી હતી કે દેશની તમામ સૈનિક શાળાઓના દરવાજા હવે છોકરીઓ માટે પણ ખોલવામાં આવશે. હાલમાં દેશમાં 33 સૈનિક શાળાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ રવિવારે તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં જણાવ્યું હતું કે, અઢી વર્ષ પહેલા સૈનિક શાળાઓમાં છોકરીઓના પ્રવેશ માટેનો પ્રથમ પ્રયોગ મિઝોરમમાં કરવામાં આવ્યો હતો. "સરકારે હવે નક્કી કર્યું છે કે દેશની તમામ સૈનિક શાળાઓ પણ દેશની દીકરીઓ માટે ખોલવામાં આવશે."
75 અઠવાડિયામાં 75 વંદેભારત ટ્રેનો દોડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીની 75 મી વર્ષગાંઠ પર આગામી 75 સપ્તાહની અંદર 75 વંદે ભારત ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી હતી, જે દેશના દરેક ખૂણાને જોડશે. લાલ કિલ્લાની હદમાંથી દેશવાસીઓને સંબોધતા વડાપ્રધાને કહ્યું, "દેશે સંકલ્પ કર્યો છે કે આઝાદીના અમૃત મહોત્સવના 75 અઠવાડિયામાં 75 વંદે ભારત ટ્રેનો દેશના દરેક ખૂણાને જોડશે."
100 લાખ કરોડની ગતિશક્તિ યોજના
100 લાખ કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી ગતિશક્તિ પહેલની જાહેરાત કરતા વડાપ્રધાને કહ્યું કે તે યુવાનો માટે રોજગારની તકો ઉભી કરશે અને એકંદર માળખાકીય વિકાસમાં મદદ કરશે. પીએમ મોદીએ કહ્યું કે આધુનિકીકરણની સાથે સાથે ભારતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં સર્વગ્રાહી અભિગમ અપનાવવાની જરૂર છે. આગામી દિવસોમાં ગતિશક્તિ-રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની જાહેરાત કરવામાં આવશે.
ગામડાઓમાં મહિલાઓના ઉત્પાદનને પ્રોત્સાહન
સરકાર ગામડાઓમાં મહિલા સ્વ-સહાય જૂથોના ઉત્પાદનો માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ વિકસાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે સરકાર ગામડાઓમાં મહિલા સ્વ-સહાય જૂથો (SHGs) દ્વારા બનાવેલ ઉત્પાદનો માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ વિકસાવશે. તેમણે એમ પણ કહ્યું કે, "અમે 110 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં રસ્તા, આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને પોષણને પ્રોત્સાહન આપી રહ્યા છીએ જે વિકાસની દ્રષ્ટિએ પાછળ રહી ગયા હતા. આમાંના ઘણા જિલ્લાઓ આદિવાસી વિસ્તારોમાં છે."
ગરીબોને પોષણયુક્ત ચોખા મળશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું કે, સરકાર 2024 સુધીમાં દરેક સરકારી યોજના હેઠળ આપવામાં આવતા ચોખાને પોષક બનાવશે, પછી ભલે તે રાશનની દુકાનો દ્વારા આપવામાં આવે અથવા મધ્યાહન ભોજન ઉપલબ્ધ કરાવવાના હોય.
હાઈડ્રોઝન મિશનની સ્થાપના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવીનીકરણીય ઉર્જામાંથી કાર્બન મુક્ત ઈંધણ પેદા કરવા માટે રાષ્ટ્રીય હાઈડ્રોજન મિશન શરૂ કરવાની ઔપચારિક જાહેરાત કરી હતી, તેમજ આઝાદીના 100 વર્ષ પૂરા થતા પહેલા 2047 સુધીમાં દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ગેસ આધારિત અર્થવ્યવસ્થા, શેરડીમાંથી મેળવેલ ઇથેનોલને પેટ્રોલ સાથે અને ઇલેક્ટ્રિક રેલ, વાહનો દ્વારા ભારત ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે છે.