11 May, 2023 03:40 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
સાઉથ કોરિયા અને અમેરિકાએ આઠ મિસાઇલ્સ લૉન્ચ કરી
નૉર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચે ઘર્ષણ સતત વધી રહ્યું છે. નૉર્થ કોરિયાએ રવિવારે આઠ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું તો એના જવાબમાં સાઉથ કોરિયા અને અમેરિકાએ કોરિયન દ્વીપકલ્પના પૂર્વ કાંઠે ગઈ કાલે સવારે આઠ મિસાઇલ ફાયર કરી હતી.
સાઉથ કોરિયન જૉઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ અનુસાર સાઉથ કોરિયા દ્વારા સાત જ્યારે અમેરિકા દ્વારા એક મિસાઇલ ફાયર કરવામાં આવી હતી, જેના વિશે સાઉથ કોરિયાએ કહ્યું હતું કે આ લૉન્ચ સૂચવે છે કે જો નૉર્થ કોરિયા અનેક જગ્યાએ મિસાઇલ્સથી ઉશ્કેરશે તો સાઉથ કોરિયા અને અમેરિકાની પાસે ચોકસાઈથી તાત્કાલિક ત્રાટકવાની ક્ષમતા અને તૈયારી છે.
નૉર્થ કોરિયાએ રવિવારે કોરિયન દ્વીપકલ્પના પૂર્વમાં પાણીમાંથી અનેક જગ્યાએથી આઠ શૉર્ટ-રેન્જની બૅલેસ્ટિક મિસાઇલ્સ ફાયર કરી હતી. નૉર્થ કોરિયા વારંવાર શસ્ત્ર પરીક્ષણ કરીને ઉશ્કેરણી કરી રહ્યું છે. એટલા માટે જ સાઉથ કોરિયા અને અમેરિકાએ એનો જવાબ આપ્યો હતો, કેમ કે નૉર્થ કોરિયા ન્યુક્લિયર ટેસ્ટ માટે તૈયારીઓ કરી રહ્યું હોવાથી ચિંતા વધી છે. વળી, નૉર્થ કોરિયાના આક્રમક મિજાજની સામે સાઉથ કોરિયાનો ટોન પણ બદલાયો હોવાનું આ રીતે બતાવાયું છે, જેનું કારણ સાઉથ કોરિયાના નવા પ્રેસિડન્ટ યૂન સુક યેઓલ છે, જેઓ નૉર્થ કોરિયાની વિરુદ્ધ ટફ સ્ટૅન્ડ લેવા પર સતત ભાર મૂકી રહ્યા છે.