બંગલાદેશના કન્ટેનર ડેપોમાં આગ લાગતાં ૪૩નાં મૃત્યુ, ૪૫૦ને ઈજા

06 June, 2022 09:48 AM IST  |  Chittagong | Gujarati Mid-day Correspondent

બંગલાદેશના ચિત્તાગોંગ જિલ્લામાં સીતાકુંડમાં શનિવારે રાત્રે એક પ્રાઇવેટ ઇનલૅન્ડ કન્ટેનર ડેપોમાં વિકરાળ આગ લાગી હતી

બંગલાદેશના સીતાકુંડમાં કન્ટેનર ડેપોમાં વિકરાળ આગ લાગતાં નીકળતો ધુમાડો. આ આગ શનિવારે રાત્રે લાગી હતી, પરંતુ ગઈ કાલ સુધી એને બુઝાવવાના પ્રયાસો થયા હતા.

બંગલાદેશના ચિત્તાગોંગ જિલ્લામાં સીતાકુંડમાં શનિવારે રાત્રે એક પ્રાઇવેટ ઇનલૅન્ડ કન્ટેનર ડેપોમાં વિકરાળ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા ૪૩ જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૪૫૦થી વધુ લોકોને ઈજા થઈ હતી.

આઉટપોસ્ટ સબ-ઇન્સ્પેક્ટર નુરુલ આલમે કહ્યું હતું કે શનિવારે રાત્રે સિતાકુંડ ઉપજિલ્લાના કદમરસુલ એરિયામાં બીએમ કન્ટેનર ડેપોમાં આગ લાગી હતી. ફાયર સર્વિસ યુનિટ્સ એને બુઝાવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે એક વિસ્ફોટ થયો હતો અને એ પછી જ્વાળાઓ ફેલાઈ હતી.

ચિત્તાગોંગ મેડિકલ કૉલેજ હૉસ્પિટલ ખાતે તહેનાત પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ૪૦ મૃતદેહો અહીંના શબઘરમાં લાવવામાં આવ્યા હતા.

રેડ ક્રેસેન્ટ યુથ ચિત્તાગોંગ ખાતે હેલ્થ અને સર્વિસ ડિપાર્ટમેન્ટના વડા ઇસ્તકુલ ઇસ્લામે કહ્યું હતું કે ‘આ ઘટનામાં ૪૫૦થી વધુ લોકોને ઈજા થઈ છે. મૃત્યુઆંકમાં હજી વધારો થવાની શક્યતા રહેલી છે.’ અધિકારીઓ અનુસાર પ્રથમ દૃષ્ટિએ કેમિકલ્સના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

શનિવારે રાત્રે પોણાબાર વાગ્યે ખૂબ જ શક્તિશાળી વિસ્ફોટ થયો હતો અને એક કન્ટેનરથી બીજા કન્ટેનર સુધી આગ ફેલાઈ હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આજુબાજુનાં ઘરોની બારીઓ પણ તૂટી ગઈ હતી. 

international news bangladesh