29 May, 2022 03:05 PM IST | Beejing | Agency
દક્ષિણ ચીનમાં મુશળધાર વરસાદને કારણે ૧૫નાં મૃત્યુ, ૩ ગુમ
દક્ષિણ ચીનમાં થયેલા મુશળધાર વરસાદમાં લગભગ ૧૫ જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે કે ત્રણ જણ ગુમ થયા હોવાનું મીડિયા રિપોર્ટમાં ગઈ કાલે જણાવાયું હતું. ચીનના પૂર્વ કિનારાના ફુજીઆન વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે બે બિલ્ડિંગ તૂટી પડતાં ૮ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. દક્ષિણ પૂર્વ ચીનમાં ૧૨૦૦ કિલોમીટર દૂર આવેલા યુનાન રાજ્યમાં અન્ય પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે તથા ત્રણ વ્યક્તિ ગુમ થઈ છે.
ગુઆંગસી પ્રદેશના ઝિનચેંગ દેશમાં શુક્રવારે પૂરનાં પાણીમાં ત્રણ બાળકો વહી ગયાં હતાં, જેમાંથી બે બાળકો મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે એક બચી જવા પામ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ચીનની ઉત્તરે વિયેટનામની સરહદ નજીકના વિસ્તારમાં લગભગ ૧૩૦ કિલોમીટરના અંતરે યુનાનના ક્યુબેઈ કાઉન્ટીમાં વાવાઝોડાને લીધે રસ્તાઓ અને બ્રિજને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે ટેલિકમ્યુનિકેશન અને પાવર સુવિધાઓ ખોરવાઈ હતી.
ફુજીઆનમાં ફૅક્ટરીનું બિલ્ડિંગ તૂટી પડતાં પાંચના જ્યારે રહેણાંક બિલ્ડિંગ તૂટી પડતાં અન્ય ત્રણ જણનાં મૃત્યુ થયાં હતાં. વાવાઝોડાને કારણે ૧૬૦૦ કરતાં વધુ લોકોને સ્થળાંતરિત કરાયા હતા.