એ-વન ફ્રેન્ડશિપ, એ-વન અચીવમેન્ટ

05 June, 2022 08:49 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સ્કૂલમાં એક જ બેન્ચ પર બેસતી બે બહેનપણીઓએ એ-વન ગ્રેડનો ગોલ સેટ કર્યો અને ટાર્ગેટ અચીવ કર્યો

ગઈ કાલે ખુશી મનાવતી રિદ્ધિ લખતરિયા અને તમન્ના શેખ

ગુજરાતમાં ગઈ કાલે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ડિકલેર થયું. ઘણાબધા સ્ટુડન્ટસ ખુશ થયા પણ અમદાવાદમાં રહેતી રિદ્ધિ લખતરિયા અને તેની ફ્રેન્ડ તમન્ના શેખની ખુશીનો કોઈ પાર નહોતો. ધો. ૧૦માં બે-ત્રણ માર્કસથી એ-વન ગ્રેડ મેળવતા મેળવતા રહી જતાં એચ. બી. કાપડિયા સ્કૂલમાં એક જ બેન્ચ પર બેસીને અભ્યાસ કરતી આ બે બહેનપણીઓએ ધોરણ ૧૨ની એક્ઝામમાં એ-વન ગ્રેડ મેળવવાનો ગોલ સેટ કર્યો અને મહેનત કરીને આ ટાર્ગેટ અચીવ પણ કર્યો છે. કડિયાકામ કરતા પિતાની દીકરી રિદ્ધિ રાજેશ લખતરિયાએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની એક્ઝામમાં ૯૩.૮૬ પર્સન્ટેજ અને વીમા એજન્ટની દીકરી તમન્ના ફઝલ શેખે ૯૨.૪૮ પર્સન્ટેજ મેળવ્યાં છે. આ બન્ને ફ્રેન્ડસે ‘મિડ-ડે’ સમક્ષ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘અમે ધોરણ ૧૦માં એ-વન ગ્રેડમાં બે- ત્રણ માર્કસ માટે રહી ગયાં હતાં, એટલે અમે નક્કી કર્યું હતું કે ધોરણ ૧૨માં તો એ-વન ગ્રેડ મેળવવો જ છે. એના માટે અમે મહેનત કરી, એકબીજાને સપોર્ટ કર્યો અને અમારી મહેનત રંગ લાવી છે અને અમે ધોરણ ૧૨માં એ-વન ગ્રેડ મેળવવામાં સફળ થયાં તેની અમને બહુ જ ખુશી છે. સ્કૂલમાં અમે એક જ બેન્ચ પર બેસતાં હતાં. સ્કૂલ-અવર્સમાં એકબીજાને સપોર્ટ કરતાં, મોટીવેટ કરતાં હતાં.’

રિદ્ધિ લખતરિયાએ કહ્યું હતું કે ‘મને હતું જ કે જે રીતે અમે મહેનત કરી રહ્યાં છીએ તો ૯૦થી વધુ પર્સન્ટેજ આવશે. આગળ મારે બી.બી.એ. અને એમ.બી.એ. કરવું છે. અમે બન્ને બહેનો જેમ બને એમ પપ્પાને હેલ્પફુલ થવા સપોર્ટ કરવા માગીએ છીએ. મારે કોઈ ટ્યુશન નહોતા. મારી મોટી બહેન ખુશ્બુ મને અભ્યાસમાં મદદ કરતી હતી.’

gujarat gujarat news ahmedabad 12th exam result