30 May, 2022 10:08 AM IST | Ahmedabad | Agency
દેશમાં પહેલી વખત કચ્છમાં ડ્રોન વડે પાર્સલ મોકલાયું
દુનિયાભરમાં ડ્રોન્સનો જુદા-જુદા હેતુ માટે ઉપયોગ થઈ રહ્યો છે. જોકે ગુજરાતના કચ્છ જિલ્લામાં ડ્રોનને લઈને એક સાવ નવો પ્રયોગ કરવામાં આવ્યો હતો. અહીં ટપાલ વિભાગે દેશમાં પહેલી વખત એક પાઇલટ પ્રોજેક્ટના ભાગરૂપે ડ્રોનનો ઉપયોગ કરીને પાર્સલ મોકલ્યું હતું, જેમાં ૨૫ મિનિટમાં ૪૬ કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું.
કેન્દ્રીય કમ્યુનિકેશન્સ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ટપાલ વિભાગ દ્વારા ભુજ તાલુકાના હબાય ગામથી ભચાઉ તાલુકાના નેર ગામમાં ડ્રોન વડે આ પાર્સલ મોકલવામાં આવ્યું હતું.
આ પાઇલટ પ્રોજેક્ટમાં સફળતા મળી છે ત્યારે હવે ભવિષ્યમાં ડ્રોન વડે ટપાલ-પાર્સલ મોકલવામાં આવી શકે છે.
અમદાવાદમાં માહિતી ખાતાની પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે ‘મૉડર્ન ટેક્નૉલૉજીના સમયની સાથે ચાલીને ભારતીય ટપાલ વિભાગે દેશના ટપાલ વિભાગના ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતના કચ્છ જિલ્લામાં ડ્રોન ટેક્નૉલૉજીના ઉપયોગથી પાર્સલ મોકલવાના પાઇલટ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો.’
કેન્દ્રીય રાજ્ય કક્ષાના કમ્યુનિકેશન્સ પ્રધાન દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ‘આ એક મેડિકલ પાર્સલ હતું.
આ પાઇલટ પ્રોજેક્ટમાં ડ્રોનથી ટપાલ કે પાર્સલ મોકલવાનો ખર્ચ, બન્ને સેન્ટર્સ વચ્ચેનું જિયોગ્રાફિકલ લોકેશન અને સાથે જ ડિલિવરી પ્રોસેસ દરમ્યાન સ્ટાફની વચ્ચે સંભવિત સંકલન તેમ જ સંભવિત અવરોધોનો સફળતાપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો.’
નોંધપાત્ર છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ ‘ભારત ડ્રોન મહોત્સવ ૨૦૨૨’નું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં તેમણે જણાવ્યું હતું કે ખેતી, રમત, સંરક્ષણ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ જેવા સેક્ટર્સમાં ડ્રોન્સનો ઉપયોગ વધશે.