૯૭ ગામોને પાણી મળે એ માટે થરાદમાં ખેડૂતોએ રૅલી યોજી

31 May, 2022 08:37 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

મોટી સંખ્યામાં ખેડૂતોએ રૅલી યોજીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને પાણી આપવા ઉગ્ર રજૂઆત કરી હતી

પ્રતીકાત્મક તસવીર

ઉનાળાના આ સમયમાં ઉત્તર ગુજરાતમાં પાણીની બૂમો ઊઠી છે ત્યારે ગઈ કાલે થરાદ તાલુકાનાં ૯૭ ગામોને પાણી મળે એ માટે મોટી સંખ્યામાં ખેડૂતોએ રૅલી યોજીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને પાણી આપવા ઉગ્ર રજૂઆત કરી હતી.

થરાદ તાલુકા કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ગઈ કાલે થરાદમાં રૅલી યોજી હતી, જેમાં ૯૭ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખેડૂતોએ બાઇક સાથે રૅલી યોજીને સૂત્રોચ્ચાર કરતાં તેમ જ દેખાવો કરતાં થરાદ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને અધિકારીને આવેદનપત્ર આપીને થરાદ તાલુકાના નર્મદા નહેરની પૂર્વ વિસ્તારનાં ગામોને ખેતી અને પશુપાલન માટે પાણી આપવા માટે રજૂઆત કરી હતી.

આ ખેડૂતોએ મુખ્ય પ્રધાનને ઉદ્દેશીને લખેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે થરાદ તાલુકામાં નર્મદા નહેર જ્યાંથી પસાર થાય છે એના પૂર્વ વિસ્તારમાં ૯૭ ગામો છે જેના ભૂગર્ભ જળ અતિશય ઊંડાં જઈ રહ્યાં છે, પાણી બોરવેલથી મળે છે અને એ ખારાશવાળું અને ફ્લોરોસિસ યુક્ત હોવાથી ખેતી અને પશુપાલન માટે હાનિકારક છે. ખેતી અને પશુપાલન માટે પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે જેથી અમારી માગણી છે કે થરાદના પૂર્વ વિસ્તારને નર્મદા કમાન્ડમાં સમાવવામાં આવે. 

gujarat gujarat news