04 May, 2022 06:11 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૪૯ વર્ષ છે. અત્યાર સુધી અમારી સેક્સલાઇફ ખૂબ સંતોષજનક હતી, પણ છેલ્લા બે મહિનાથી ઉત્થાનમાં ગરબડ છે. સ્પર્શથી ઉત્તેજના આવે છે, પણ એ એટલી નથી હોતી જેનાથી યોનિપ્રવેશ થઈ શકે. સમાગમની ફ્રીક્વન્સી પણ પહેલાં કરતાં ઘટી ગઈ છે અને જોઈએ એટલો આનંદ નથી મળતો. બે મહિના પહેલાં આવી કોઈ સમસ્યા નહોતી. પહેલાં મૅસ્ટરબેશન કરવાની જરૂર પડતી, પણ હમણાં તો એ ઇચ્છા પણ નથી થતી. ઉત્તેજના મૅસ્ટરબેશન વખતે બરાબર આવે છે, પણ સમાગમ વખતે જોઈએ એવી સ્ટ્રેન્ગ્થ નથી ફીલ થતી. મને શુગર કે બ્લડ-પ્રેશર નથી. દોસ્તે આપેલી દેશી વાયેગ્રા લેવી કે નહીં? - ઘાટકોપર
અચાનક જ ઉત્થાનમાં તકલીફ થવા માંડે તો એનું કારણ શોધવું જરૂરી છે. મૅસ્ટરબેશન વખતે વાંધો ન આવ્યો અને સમાગમ દરમ્યાન તકલીફ યથાવત્ છે. એના પરથી કહેવું રહ્યું કે સમસ્યા મહદંશે માનસિક હોવાની શક્યતા વધારે છે, જેનો જવાબ તમે જ સારી રીતે આપી શકો. તમને છેલ્લા બે મહિનાથી માનસિક કોઈ ચિંતા સતાવે છે કે નહીં એ જુઓ અને સાથોસાથ એ પણ જુઓ કે તમને બીજું કોઈ સ્ટ્રેસ છે કે નહીં? કોઈ વ્યક્તિ ક્યારેય ચિંતિત અવસ્થામાં ઉત્તેજિત નથી થઈ શકતી. એકાદ વાર ઉત્થાનમાં થયેલી તકલીફને કારણે તમારા મનમાં ફિકર પેસી ગઈ હશે કે હવે ઇન્દ્રિય બરાબર ઉત્તેજિત થશે કે નહીં? જો કોઈ ચિંતાને કારણે આમ થતું હોય તો તમારા ફૅમિલી ડૉક્ટરની સલાહ લઈને ઍન્ટિ-ઍન્ગ્ઝાયટીની ગોળી લઈ શકો છો, પણ એના માટે ફૅમિલી ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.
એમ છતાં ઉત્થાનમાં તકલીફ થતી હોય તો દેશી વાયેગ્રાનો સપોર્ટ લઈ શકાય. સમાગમના એક કલાક પહેલાં એ ગોળી લેવામાં આવે તો આવેલી ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો કરી શકે છે અને સમાગમ પાછો રાબેતા મુજબ થઈ જાય એની પૂરેપૂરી શક્યતા રહે છે. દેશી વાયેગ્રા પણ તમારા ફૅમિલી ડૉક્ટરની સલાહથી જ લેવી જોઈએ અને એ ૨૪ કલાકમાં ફક્ત એક જ વાર લેવી જોઈએ. વાયેગ્રાથી આવેલી ઉત્તેજનામાં ચોક્કસ વધારો થશે, પણ હું ફરીથી કહીશ કે બે મહિનાથી જ આવું શું કામ થઈ રહ્યું છે એ શોધવું પણ એટલું જ જરૂરી છે.