16 May, 2022 01:06 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
મારાં મૅરેજને દસ વરસ થયાં છે, પણ આ પિરિયડમાં મને જરા પણ સેક્સલાઇફમાં સૅટિસ્ફૅક્શન મળ્યું નથી. મૅરેજ થયાં ત્યારથી મારી વાઇફ ક્યારેય સેક્સ માટે હૅપીલી તૈયાર નથી થઈ. દરેક વખતે કંઈક ને કંઈક બહાનાં તેની પાસે હોય જ હોય. ક્યારેક ન ફાવે એ સમજાય; પણ ફલાણો પવિત્ર દિવસ છે અને આજે મારે ઉપવાસ-એકટાણું છે એવું બહાનું આપે તો છેલ્લે તેની પાસે પિરિયડ્સ અને પ્રી-પોસ્ટ પિરિયડ્સનું બહાનું હોય. મને ખાતરી છે કે તેના મનમાં સેક્સ એટલે કંઈક ગંદું એવી માન્યતા ઘર કરી ગઈ છે. મેં ઑબ્ઝર્વ કર્યું છે કે જ્યારે હું તેને મારી નજીક ખેંચું ત્યારે તેનું પહેલું વાક્ય એ જ હોય કે છી, આવું ન કરાય. આ ઉંમરે ન કરાય તો પછી ક્યારે કરાય? અમારે બે સંતાનો છે. હું તેને પૂછું છું કે તને મારી કોઈ વાત ન ગમતી હોય તો કહે, પણ એવુંય નથી. બાકી બધી જ રીતે તે સારું છે, પણ જરાક વધુપડતી ધાર્મિક છે. ક્યારેક મૂડમાં હોય અને અમે સરસ સમય વિતાવીએ તો એ પછી તેને મનમાં એમ લાગે છે કે કંઈક ખોટું કર્યું છે અને હવે આવું ફરી નહીં કરે.
કાંદિવલી
તમારી પત્નીને તમારી સાથે રોમૅન્ટિક સમય ગાળવો ગમે છે, પણ કદાચ સેક્સ એટલે કંઈક ગંદું એવી દૃઢ માન્યતા તેના મનમાં ભરાઈ ગઈ છે. કદાચ તેને શારીરિક સંબંધો ગમે છે ખરા, પણ એને લગતી ખોટી ભ્રમણાને કારણે તે અવૉઇડ કરે છે. સેક્સ કર્યા પછી ગિલ્ટ ફીલ કરવું અથવા તો કંઈક ખોટું કર્યું હોવાનું ફીલ કરવું એ મગજનું કન્ડિશનિંગ થઈ ગયું હોવાને કારણે હોઈ શકે.
તેના મનમાં આ શું ચાલી રહ્યું છે એ વિશે તે ખૂલીને તમારી સાથે વાત ન કરી શકતી હોય એવું બની શકે એટલે મારી સલાહ છે કે તમે પત્નીને સાઇકોલૉજિકલ કાઉન્સેલિંગ કરતા ડૉક્ટર પાસે લઈ જાઓ. ડૉક્ટર તમારી પત્ની પાસેથી જાણી શકશે કે તેને શું કનડે છે અને ખોટી ભ્રમણા હોય તો એને દૂર કરવા માટે જરૂરી કાઉન્સેલિંગ પણ કરશે. આ કોઈ બીમારી છે એમ માનવાની જરૂર નથી, પણ મનમાં ખોટી માન્યતાઓને કારણે વ્યક્તિ જીવનને સમગ્ર રીતે માણી કે જીવી શકતી નથી. માન્યતાઓ દૂર થશે તો તેને પણ તમારી સાથેની અંગત લાઇફ જીવવાનું ગમશે.