03 June, 2022 11:36 AM IST | Mumbai | Sejal Patel
પ્રતીકાત્મક તસવીર
મારી દીકરી આઠ વર્ષની છે. મારી દીકરી હજી તેના કલ્પનાવિશ્વમાં જ રહેતી હોય એવું લાગે છે. જ્યારે તે બે-અઢી વર્ષની હતી ત્યારથી મારા સસરા તેને રોજ રાતે વાર્તા કહેતા હતા અને એ તેમની સાથે બહુ હળીભળી પણ ગયેલી. જોકે એક વર્ષ પહેલાં તેમનું કોરોનામાં અવસાન થયું અને તેણે જાણે પોતાનો બેસ્ટ ફ્રેન્ડ ખોઈ દીધો. હું અને મારા હસબન્ડ બન્ને જૉબ કરીએ છીએ એટલે સસરા જેટલો સમય નથી આપી શકતા. સાસુમા તેની બીજી બધી કાળજી બહુ સારી લે છે, પણ કદાચ દાદા સાથે જે પેલી વાતો કરવાનો બૉન્ડ હતો એ તેને દાદી સાથે નથી બંધાયો. તે એકલી પડે ત્યારે કોરી નોટમાં ચિતરડા-ભમરડા કરતી રહેતી હોય છે. બાકી તે ડિપ્રેશનમાં હોય એવું નથી લાગતું કેમ કે ઓવરઑલ તે ખુશ પણ હોય છે. તે દાદાને યાદ કરીને કોઈ વાર્તા કહેતી હોય ત્યારે તેની વાર્તામાં એવા ભળતા-સળતા જ લોકો અને વાર્તાના વિચિત્ર વળાંકો આવી જાય છે કે ક્યારેક વિચારવાનું મન થાય કે તે અંદરથી ડિસ્ટર્બ્ડ તો નથીને?
બાળક વાર્તાઓમાંથી બહુ શીખે છે અને તમારી દીકરી ફૉર્ચ્યુનેટ છે કે તેને વાર્તાઓનો ખજાનો માણવા મળ્યો છે. તમારા ઑબ્ઝર્વેશન અને તમારી સતર્કતાને દાદ દેવી પડે. જ્યારે તમે સંતાનને પૂરતો સમય ન આપી રહ્યા હો ત્યારે જેટલો પણ સમય આપો ત્યારે તેની સાથે ખૂબ રમો અને તેના મનમાં શું ચાલી રહ્યું છે એમાં ડૂબકી મારો એ બહુ જ જરૂરી છે. હાલમાં કદાચ દીકરી દાદાને મિસ કરી રહી હોય એવું ચોક્કસપણે સંભવ છે, પણ તેની વાર્તાઓમાં આવતા અચાનક ટ્વિસ્ટ્સ અને ટર્ન્સ તમને કન્સર્નવાળા લાગતા હોય તો બે કામ થઈ શકે. એક તો તમે તેને વાર્તા લખવા માટે પ્રોત્સાહિત કરો. જો તેને લખવું ન ગમતું હોય તો તે જ્યારે વાર્તા કહેતી હોય ત્યારે રેકૉર્ડ કરી લો. એ લખાણ અથવા તો રેકૉર્ડ તમે કોઈ સારા સાઇકોલૉજિસ્ટને બતાવો. મુક્તપણે રચાતી વાર્તાઓ મહદઅંશે વ્યક્તિના મનના ઊંડાણમાં ચાલી રહેલા વિચારોની અભિવ્યક્તિ પણ હોય છે. સાઇકોલૉજિસ્ટ એને સારી રીતે સમજી શકશે. અને હા, તેને મુક્તપણે પોતાની કાલ્પનિક વાર્તાઓ રચવા પ્રોત્સાહિત કરો અને એમાં તમારી કોઈ જ કમેન્ટ ન આપો.