દિવાળીના બે દિવસ પહેલા જ કેમ ધનતેરસ ઉજવાઈ છે? શાસ્ત્રો પ્રમાણે આવી છે દંતકથા

02 November, 2021 12:53 PM IST  |  mumbai | Nirali Kalani

આસો વદ તેરસ એટલે કે ધનતેરસ. ધનતેરસના દિવસે આપણે માતા લક્ષ્મીની એટલે કે ધનની પૂજા કરીએ છીએ.

પ્રતીકાત્મક તસવીર

આનંદ, પ્રકાશ અને ઉત્સવનું પ્રતીક સમાન દિવાળીનો તહેવાર વિવિધ ઉજવણીનો તહેવાર છે. દિવાળી પહેલા આપણે વાઘ બારસ, ધનતેરસ અને કાળી ચૌદશ જેવા ધાર્મિક દિવસોની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન ધાર્મિક રીતિ-રિવાજ મુજબ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આસો વદ તેરસ એટલે કે ધનતેરસ. ધનતેરસના દિવસે આપણે માતા લક્ષ્મીની એટલે કે ધનની પૂજા કરીએ છીએ. માન્યતા છે કે આ દિવસે સોનું ખરીદવું ખુબ જ શુભ માનવામાં આવે છે. 

શાસ્ત્રો અનુસાર આ દિવસે દેવી ધનવંતરીનો જન્મ થયો હતો, તેથી તેને ધનતેરસ કહેવામાં આવે છે. ધનવંતરી સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. તેથી આ દિવસે ધાતુની વસ્તુઓ ખરીદવાની પરંપરા છે. ધનતેરસ સાથે અનેક ગાથાઓ જોડાયેલી છે, જેમાં એ જાણવા મળે છે ધનતેરસ દિવાળી પહેલા જ કેમ ઉજવવામાં આવે છે. 

માન્યતા છે કે  દિવાળીના બે દિવસ પહેલા દેવી લક્ષ્મી પ્રગટ થયા હતાં. આથી દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસ મનાવવામાં આવે છે. 

ધનતેરસના પાવન પર્વ પર મિડ-ડે ડૉટ કોમે શાસ્ત્રીજી મયુર દવે સાથે વાત કરી તેનું મહત્વ અને શાસ્ત્રો મુજબની તેની દંતકથા જાણવાનો પ્રયાસ કર્યો હતો. નૂતન વર્ષ પહેલા દિવાળી, કાળી ચૌદશ અને ધનતરેસનું મહત્વ જણાવતાં તેમણે કહ્યું કે `શક્તિ, જ્ઞાન અને નાણા સાથે જીવનનું સામર્થ્ય જોડાયેલું છે. જીવનને સાર્થક બનાવવા માટે આ ત્રણેય વસ્તુ જરૂરી છે. શક્તિ, જ્ઞાન અને નાણા એકબીજા સાથે જોડાયેલા છે. જેના માટે ધનતેરસ પર દેવી લક્ષ્મી, કાળીચૌદશ પર દેવી કાલી અને દિવાળી પર મા શારદાનું પૂજન કરવામાં આવે છે.`

ધનતેરસ પર લક્ષ્મીની પૂજા કરવામા આવે છે. આ ઉપરાંત આ દિવસે સોનુ ખરીદવું શુભ માનવામાં આવે છે. ધનતેસર પર સોનુ ખરીદવું કેમ શુભ ગણાય છે તે અંગેની કથા જણાવતાં શાસ્ત્રીજી દેવેએ કહ્યું કે,` શાસ્ત્રો મુજબ પહેલા સોનાને સંપૂર્ણ ધન તરીકે ગણવામાં આવતું હતું. જેમની પાસે સૌથી વધુ સોનુ હોય તે ધનવાન ગણાતો. સોનાને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવતુ. તેથી વર્ષોજુની માન્યતા પ્રમાણે ધનતેરસના દિવસે લોકો સોનાની ખરીદી કરે છે, જેથી માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય અને ઘરમાં સમૃદ્ધિ આપે. માટે આ દિવસે સોનું ખરીદવું ખુબ શુભ મનાય છે.` 

શક્તિ, જ્ઞાન અને નાણા એકબીજા સાથે જોડાયેલા છે. તેથી ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ શક્તિ આપનારી દેવી માતા કાળીની કાળી ચૌદશના દિવસે પૂજા કરવામાં આવે છે. અને દિવાળીના દિવસે જ્ઞાનના ભંડારનું સ્વરૂપ ગણાતા મા શારદાની પૂજા કરવામાં આવે છે. આમ નૂતન વર્ષ પહેલા આ ત્રણેય દેવીની પૂજા કરી તેમના આર્શિવાદ લેવામાં આવે છે. જે આપણને જીવનમાં શક્તિ, જ્ઞાન અને નાણાં આપે છે. 

 

  

diwali culture news life and style