10 April, 2022 03:45 PM IST | Mumbai | Shailesh Nayak
માધવપુર
રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતા સાથે સાહિત્ય, સંગીત અને ભક્તિના અનોખા સંગમ સમાન માધવપુરનો ભાતીગળ મેળો આજથી શરૂ થઈ રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રાણી રુક્મિણીના દિવ્ય લગ્નોત્સવ નિમિત્તે ભરાતા આ પૌરાણિક મેળાની એવી તો શું ખાસ વાત છે કે હજારોની સંખ્યામાં અહીં પ્રભુનાં લગ્ન માટે મહેરામણ ઊમટે છે?
માધવપુરનો માંડવો અને જાદવકુળની જાન,
પરણે રાણી રુક્મિણી, વરરાજા શ્રી ભગવાન
છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર પંથકમાં પોરબંદર પાસે અરબી સમુદ્ર નજીક અને ઓઝત, ભાદર તેમ જ મધુવંતી નદીના ત્રિવેણી સંગમ પાસે આવેલા નાનકડા માધવપુર ગામમાં લગ્નનાં મંગળ ગીતો ગવાઈ રહ્યાં છે, ઢોલ ઢબૂકી રહ્યા છે, માંડવો રોપાઈ ગયો છે, ફુલેકું ફેરવવાની તૈયારી થઈ રહી છે અને સાજન-માજનની આગતા-સ્વાગતા માટે દોડધામ ચાલી રહી છે. એનું કારણ એ છે કે આ કોઈ સામાન્ય લગ્ન નથી, પણ ભગવાન શ્રીકૃષ્ણના રાણી રુક્મિણી સાથે સાક્ષાત્ વિવાહ થવાના હોવાથી ગામ આખું હિલોળે ચડ્યું છે. આજથી શરૂ થતા આ દિવ્યોત્સવના મંગળ વિવાહમાં પ્રભુને ઠાઠમાઠથી પરણાવવા માટે ભાવિકોમાં હરખની હેલી છવાઈ ગઈ છે.
આજે ચૈત્ર માસની પ્રભુ શ્રીરામની રામનવમીના મંગળમય દિવસથી ભગવાન શ્રીકૃષ્ણના પરિણયનો મંગળ અવસર શરૂ થશે અને આજથી પાંચ દિવસ સુધી એટલે કે ૧૪ એપ્રિલ સુધી આ લગ્નોત્સવ ઊજવાશે જે દેશ-વિદેશમાં માધવપુરના મેળા તરીકે પ્રખ્યાત છે. છેલ્લાં બે વર્ષથી આ મેળો થઈ શક્યો નથી એટલે આ વખતે બમણો ઉત્સાહ છે. લગ્નોત્સવ દરમ્યાન ત્રણ દિવસ ગામમાં ફુલેકું ફરશે, ચૈત્ર સુદ બારસે વિવાહ ઉત્સવ ઊજવાશે, લગ્નનું મામેરું ભરાશે, જાનનું સામૈયું કરવામાં આવશે અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્ન કરીને જાનની વિદાય સુધીના તમામ પ્રસંગોની ભક્તિભાવપૂર્વક ઉજવણી થતી આવી છે, થશે અને થતી રહેશે. સૌરાષ્ટ્રના લોકજીવન અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતા આ ભાતીગળ મેળામાં લગ્નગીતો, ફટાણાં, લોકગીતો, દુહા-છંદ, લોકનૃત્યો અને રાસડાની રમઝટ જામશે. માધવરાયજી તરીકે ઓળખાતા શ્રીકૃષ્ણ ભગવાને રુક્મિણીજીનું હરણ કરીને તેમની સાથે માધવપુરમાં પ્રભુતામાં પગલાં પાડ્યાં હોવાની લોકવાયકા છે. એને કારણે સદીઓથી અહીં શ્રીહરિનો દિવ્ય લગ્નોત્સવ યોજાય છે અને દેશ-દેશાવરથી આવેલા લોકો પ્રભુના ફુલેકામાં અને જાનમાં જોડાય છે તથા લગ્નમાં મહાલે છે.
ઐતિહાસિક પુરાવા
સૌરાષ્ટ્રના મેળાઓની રોનક કંઈક અલગ જ હોય છે. એમાં પણ ત્રણ મેળા વિશ્વપ્રસિદ્ધ છે : ભવનાથનો મેળો, તરણેતરનો મેળો અને માધવપુરનો મેળો. માધવપુરના મેળાનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ શું છે એની માંડીને વાત કરતાં પોરબંદરમાં રહેતા જાણીતા સાહિત્યકાર અને નિવૃત્ત શિક્ષક એવા ૯૦ વર્ષના નરોત્તમ પલાણ કહે છે, ‘ઇતિહાસને પકડીએ તો છેલ્લાં એક હજાર વર્ષમાં માધવરાયજીના મંદિરનો ઉલ્લેખ મળે છે અને ૫૦૦ કરતાં વધુ વર્ષથી મેળો ભરાય છે એના પુરાવા છે. માધવરાયજીનાં અહીં ત્રણ મંદિર છે. એમાં બે ભગ્ન મંદિરો છે અને ત્રીજી હવેલી છે. હવેલી છે એ ૧૮૪૦માં બની હતી. પોરબંદરનાં રાજમાતા રૂપાળીબાએ એ બનાવી હતી. એનો ઉલ્લેખ પણ ત્યાં છે. એની બાજુમાં ૧૨૬૦માં મંદિર બન્યું એ છે. આ ભગ્ન મંદિર છે. નવી હવેલીમાં મોટી મૂર્તિઓ છે એ ૧૨૬૦ની મૂર્તિઓ છે. ત્રીજું મંદિર બાજુમાં આવેલા મૂળ માધવપુર ગામમાં છે. માધવપુર ગામ અને મૂળ માધવપુર ગામની વચ્ચે એક બસ-સ્ટૅન્ડ છે. મૂળ માધવપુરમાં ૧૧મી સદીનું મંદિર મળે છે. માધવરાયજીનું મંદિર એક હજાર વર્ષથી છે અને ૫૦૦થી વધુ વર્ષથી મેળો ભરાય છે એના પુરાવા છે. કદાચ ૫૦૦ વર્ષ કરતાં પણ વધુ ૬૦૦ કે ૭૦૦ વર્ષથી પણ મેળો ભરાતો હોઈ શકે છે. પ્રભાસ પાટણના મધ્યકાલીન કવિ ભીમના આખ્યાનમાં મેળાનો ઉલ્લેખ છે અને ભગવાન શ્રીકૃષ્ણ સાથે રુક્મિણીજીનાં લગ્ન અહીં થયાં છે એનો ઉલ્લેખ છે. ૧૨૬૦ અને ૧૮૪૦માં બનેલાં મંદિરોના શિલાલેખ છે. ૧૨૬૦માં જે મંદિર બન્યું હતું એ ૧૭૦૭ પહેલાં ઔરંગઝેબે તોડ્યું હતું. આ મંદિર ભગ્ન હાલતમાં માધવપુરમાં છે. એની સામે નવી હવેલી જે ૧૮૪૦માં બની હતી એ છે.’
મહારાષ્ટ્રના સંતોના જોડાણ તેમ જ પૌરાણિક ઇતિહાસ વિશે વાત કરતાં નરોત્તમ પલાણ કહે છે, ‘રુક્મિણીજી અને કૃષ્ણ ભગવાનનાં લગ્ન મધુવનમાં આવેલા મંદિરમાં થાય છે. રામાનુજના પ્રભાવથી મહારાષ્ટ્રના સંતોએ મંદિર ઊભું કર્યું હતું. મંદિરમાં મોટી મૂર્તિઓ છે. કૃષ્ણ મથુરાથી અહીં આવ્યા એનો પણ પૌરાણિક ઇતિહાસ છે. આસામ???થી રુક્મિણીનું હરણ કરીને આવ્યા એ પૌરાણિક ઇતિહાસ છે. રુક્મિણીજી આસામ – મણિપુર????નાં હતાં. આપણો કૃષ્ણ કાઠિયાવાડનો હતો અને તેમનાં લગ્ન અહીં થયાં હતાં એ પૌરાણિક ઈતિહાસ છે.’
ભારતની અખંડિતતાના પુરાવા
માધવપુરના મેળાની ખાસિયત જણાવતાં નરોત્તમ પલાણ કહે છે, ‘આ મેળાની પહેલી ખાસિયત એ છે કે આપણું ભારતવર્ષ એક હતું, અખંડ હતું. આ મેળામાં આસામની છોકરી એટલે રુક્મિણીજી અને સૌરાષ્ટ્રનો છોકરો એટલે ભગવાન શ્રીકૃષ્ણ હોય અને તેમનાં લગ્ન થાય એ ભારતની એકતા થઈ. આસામમાં પણ આ પરંપરા છે. આસામની પરંપરા અહીં આવી છે. રુક્મિણીનું હરણ કરીને ભગવાન અહીં આવ્યા એ કથાના પુરાવા મળે છે. મણિપુરમાં આનાં નૃત્ય છે. આ વાત ભારતવર્ષની એકતા સિદ્ધ કરે છે. પશ્ચિમના ખૂણા અને પૂર્વના ખૂણાનાં છોકરા-છોકરી પરણે છે એટલે એકતા સિદ્ધ કરે છે. બીજી ખાસિયત એ છે કે માધવપુરમાં ત્રણ દિવસ ફુલેકું નીકળે છે. એમાં પાલખીમાં માધવરાયજીને બિરાજમાન કરાવાય છે અને ચાર જણ પાલખી ઉપાડીને ગામમાં ફેરવે છે. પાલખી ઉપાડનાર એ ચાર જણમાં એક કોળી, બીજો રબારી, ત્રીજો મેર અને ચોથો પૂજારી હોય છે. આમ પ્રભુએ ચાર વર્ણ, ચાર જ્ઞાતિને ભેગી કરી. આમ કરીને પ્રભુ માધવરાયજી સામાજિક એકતાનું મૂલ્ય સમજાવે છે. આજે પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. સામાજિક સમરસતાનું મૂલ્ય સમજાવતો આ મેળો છે. આ મેળાની ત્રીજી ખાસિયત એટલે કલા અને સાહિત્ય. અહીં પાંચ દિવસ દરમ્યાન સંગીત, કવિતા, ટિપ્પણી રાસ સહિતનાં નૃત્ય, નાટક, દાંડિયા-રાસ સહિત દુહા-છંદની રમઝટ જામે છે. એક જણ દુહો બોલે અને એ પછી સામેવાળો બીજો દુહો લલકારે એમ ૨૪ કલાક સામસામે દુહા બોલાય છે. માધવપુરના મેળાની આ સાંસ્કૃતિક ઝલક અને દુહા સંદર્ભે ઝવેરચંદ મેઘાણીજીએ પ્રસંગ આલેખ્યો છે.’
નવયુગલો અચૂક આવે
માધવપુરના આ મેળામાં નવપરિણીત યુગલો વધુ આવતાં હોવાનું કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણે અહીં વિવાહ કર્યા હોવાથી આ પવિત્ર ભૂમિ પર આવીને ભગવાનનાં દર્શન કરીને નવા જીવનની શરૂઆત કરીને પોતાનું જીવન નંદનવન બને એવા આશીર્વાદ લઈને નવદંપતી ખુશી-ખુશીથી મેળામાં મહાલે છે.
આજથી પાંચ દિવસ માટે શરૂ થશે આ અનોખાં લગ્ન. તો તૈયાર છોને એની દિવ્ય અનુભૂતિ કરવા? આપણા આધ્યાત્મિક ઇતિહાસને જાણવા, આપણી લોકસંસ્કૃતિને માણવા અને આ પાવન ભૂમિને નમન કરવા? અરે, આવો તો ખરા પાંચ દિવસના આ લોકમેળામાં મહાલવા. મોજ પડી જશે અને જીવન ધન્ય થઈ જશે.
રુક્મિણીજી અને શ્રીકૃષ્ણના મિલાપમાં પશ્ચિમ અને ઉત્તર પૂર્વનાં રાજ્યોને જોડવાનો પ્રસંગ
માધવપુરમાં આ વર્ષે મંગળ વિવાહનો પ્રસંગ યોજાવાનો છે ત્યારે રુક્મિણીજી સાથે ભગવાન શ્રીકૃષ્ણનો મિલાપ એ પશ્ચિમ અને ઉત્તર–પૂર્વનાં રાજ્યોને જોડવાનો પ્રસંગ બની રહેશે. રુક્મિણીજી ઉત્તર-પૂર્વીય ભારતના હતા એટલે આ પ્રસંગે ઉત્તર–પૂર્વનાં રાજ્યોમાંથી મહાનુભાવો મેળામાં ઉપસ્થિત રહેશે. આ વખતે આ મેળામાં મણિપુર, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, સિક્કિમ અને મણિપુરના ૨૦૦થી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને જમાવટ કરશે. પાંચ દિવસ દરમ્યાન રોજ સાંજે સાત વાગ્યાથી મલ્ટિમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આજે માધવપુરમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં આ લોકમેળાનો શુભારંભ થશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરતા આ મેળામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નૉર્થ–ઈસ્ટ રાજ્યોના રાજ્યપાલો અને મુખ્ય પ્રધાનો પણ આવશે.
ગુજરાતમાં બીજા પણ છે અજબ-ગજબના મેળા
ગેરનો મેળો, ભંગુરિયો હાટ મેળો, ગોળ ગધેડાનો મેળો, ગોળ ફળિયુનો મેળો, ગુણભાંખરીનો મેળો અને આવા તો કંઈકેટલાય પરંપરાગત મેળા હોળી દરમ્યાન કે હોળી પછીના સમયમાં યોજાતા રહે છે
તમે કદાચ ગેરનો મેળો, ભંગુરિયો હાટ મેળો, ગોળ ગધેડાનો મેળો, ગોળ ફળિયુનો મેળો, ગુણભાંખરીનો મેળો એવાં બધાં નામ સાંભળ્યાં હશે. ગુજરાતના વિવિધ પ્રાંતોમાં વર્ષોથી પરંપરાગત રીતે આ બધા મેળા મોટા ભાગે હોળી દરમ્યાન કે હોળીના પર્વ પછી યોજાતા હોય છે. આ એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ એટલે કે પહેલી અને બીજી એપ્રિલે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાંખરી ગામે મહાભારત કાળના પ્રાચીન ચિત્ર – વિચિત્ર મહાદેવ મંદિરના સાંનિધ્યમાં સાબરમતી નદીના તટે સાબમરતી નદી ઉપરાંત આકુળ–વ્યાકુળ નદીના ત્રિવેણી સંગમે ભાતીગળ લોકમેળો યોજાયો હતો. આ મેળામાં પ્રાચીનકાળથી આદિવાસી લોકો આ ત્રિવેણી સંગમ સ્થળે પોતાના પૂર્વજોને યાદ કરીને શ્રાદ્ધ વિધિ તેમ જ અસ્થિવિસર્જનની ક્રિયા કરે છે. આ મેળાને ગુણભાંખરીનો મેળો તરીકે પણ લોકો ઓળખે છે. બે દિવસ ચાલતા આ મેળામાં અંબાજી, દાંતા, પોશીના ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી પણ લોકો પરિવાર સાથે આવે છે અને પૂર્વજોની શ્રાદ્ધ વિધિ તેમ જ અસ્થિવિસર્જનની વિધિ કરે છે તથા મેળામાં ભાગ લે છે.
આ મેળામાં યુવાનો-યુવતીઓ પોતાના મનના માણીગરને શોધતાં પણ હોય છે.
ગુજરાતના છોટાઉદેપુર તેમ જ પાનવડમાં હોળી–ધુળેટીના ઉત્સવના આગળના દિવસોમાં ભંગુરિયો હાટ મેળો વર્ષોથી યોજાય છે. હૈયાથી હૈયું ભિડાય એટલી મોટી સંખ્યામાં લોકો મેળામાં ખરીદી કરવા અને મહાલવા માટે ઊમટી પડે છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં ગોળ ગધેડાનો મેળો યોજાય છે. કહેવાય છે કે આ મેળામાં યુવકો-યુવતીઓ મનપસંદ જીવનસાથીની પસંદગી કરતાં હોય છે. યુવાનો વૃક્ષ પર ચડતા હોય છે અને યુવતીઓ તેમને સોટી મારતી હોય છે. લોકો સ્થાનિક બોલીનાં ગીતોના તાલે ઝૂમતા હોય છે અને આનંદ ઉઠાવે છે. આ ઉપરાંત ક્વાંટ તાલુકાના રૂમડિયા ગામે ગોળ ફળિયાનો મેળો યોજાય છે. આ મેળામાં જેમણે માનતા–બાધા રાખી હોય એ પૂરી કરવા આવે છે.
ક્વાંટમાં યોજાતા ગેરના મેળાની રંગત કંઈક જુદી જ હોય છે. અહીં સ્થાનિક યુવાનો ચિત્ર-વિચિત્ર વેશભૂષામાં આવતા હોય છે જે મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. યુવાનો હાથ પર જાતભાતનું ચિતરામણ કરે છે, મોં પર રંગરોગાન કરે છે, માથા પર પોતાના ફોટો કે પછી દર્પણ મૂકીને ઝૂલણા સાથેની મોટી ટોપી પહેરીને આવે છે. ઘણા યુવાનો તેમની વેશભૂષા સાથે કેડે ઘૂઘરા બાંધીને, હાથમાં ડફ લઈને તેમ જ તેમનાં પરંપરાગત વાજિંત્રો વગાડતા-વગાડતા નૃત્ય કરતા જાય છે અને મેળાની મોજ માણતા હોય છે.