12 October, 2021 09:03 PM IST | Mumbai | Karan Negandhi
ફોટો સૌજન્ય : યોગિતા બોરાટે
કોરોનાને કારણે જાહેર નવરાત્રિ પર પ્રતિબંધ હોવાથી આર્ટિસ્ટોએ હવે ડિજિટલ પ્લેટ્ફોર્મ પર પોતાના મ્યુઝિક વીડિયો રિલીઝ કરી રહ્યા છે. વડોદરાના જાણીતા સિંગર યોગિતા બોરાટેએ પણ આ જ ક્રમમાં પ્રાચીન ગરબો ‘ઘોર અંધારી રે’ નવા અંદાજમાં રિલીઝ કર્યો છે.
આજકાલ નવરાત્રિમાં થતાં ધૂમધડાકામાં ગરબાનું મૂળ સંગીત ક્યાંક ખોવાતું દેખાય છે. તેથી જ યોગિતા બોરાટે આ ગરબો પ્રાચીન રીતે રજૂ કર્યો છે, જેનું મ્યુઝિક યોગેશ રાયરીકરે કમ્પોજ કર્યું છે. આ બાબતે વાત કરતાં યોગિતા બોરાટેએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “યોગેશ રાયરીકરે આ ગરબાને એ રીતે રિ-કમ્પોઝ કર્યો છે કે જેમાં જૂની અને નવી ધૂનનું મિશ્રણ દર્શકોને જોવા મળશે.”
યોગિતા બોરાટેએ ઉમેર્યું કે “હું મૂળ વડોદરાની છું અને ત્યાંની નવરાત્રિ મેં ખૂબ નજીકથી જોઈ છે. ત્યાંના ગરબા જોવાલાયક છે. મારા સંગીતકાર મિત્ર યોગેશ રાયરીકર પણ વડોદરાના છે. તેથી અમે બંનેએ આ ગીત સાથે બહાર પાડવાનું નક્કી કર્યું છે.”
આ ગીત માત્ર 10 દિવસમાં બનાવવામાં આવ્યું છે. હકીકતે કોઈપણ ગીતને પ્રોસેસ કરવામાં ઘણો સમય લાગે છે. રેકોર્ડિંગથી લઈને ફિલ્માંકન સુધી ઘણી વસ્તુઓ હોય છે. તેમ છતાં તેમની ટીમે આ કરી દેખાડ્યું છે. હીત સમાની અને તન્વી કોઠારી દ્વારા આ ગીતની કોરિયોગ્રાફી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગાયિકા ‘યોગિતા બોરાટે’ છેલ્લા 25 વર્ષથી સંગીત ક્ષેત્રે કાર્યરત છે. તે સ્વરમેઘા ક્રિએશન્સની સ્થાપક પણ છે. તેમની `સ્વરમેઘા મ્યુજીક` નામની એકેડમી પણ છે.