ગુલઝારે લખેલું નાટક `બોસ્કી કે કપ્તાન ચાચા` શીખવશે દેશ પ્રેમના પાઠઃ સલીમ આરિફ

07 November, 2023 12:00 PM IST  |  Mumbai | Chirantana Bhatt

દેશની આઝાદીનું 75મું વર્ષ હવે દૂર નથી ત્યારે આપણે બાળકોને દેશને લગતી વાત સંવેદનશીલતાથી શીખવીએ તે જરૂરી છે. બાળકોએ રાષ્ટ્રને પોતાના વતનને અનુભવવું રહ્યુંઃ ગુલઝાર

નાટકના મંચન પહેલાંની સ્નીક પીક ઇવેન્ટમાં ગુલઝારે કલાકારો સાથે વાતચીત કરી હતી - તસવીર - પ્રદીપ ધિવર

બોસ્કીની જિંદગી મજાની છે, તે મોટી થઇ ત્યાં સુધી દર વખતે જન્મદિવસે તેના પપ્પા તેને પોતાના હાથે લખેલું પુસ્તક ભેટ આપતા. પુસ્તકમાં વાર્તા પણ બોસ્કીની – ખાસ બોસ્કી માટે લખાયેલી વાર્તા. બોસ્કીના પપ્પા એટલે બીજું કોઇ નહીં પણ આપણા ગુલઝાર સા’બ. બોસ્કીની ચોપડીઓ તો તેની પાસે હોય એમાં આપણને શું મળે? એવો સવાલ જો તમને થતો હોય તો તમારે 15મી મેના રોજ NCPA નરીમાન પોઇન્ટમાં થનારા નાટક ‘બોસ્કી કે કપ્તાન ચાચા’ ચોક્કસ જોવું જોઇએ.

આ નાટકનું દિગ્દર્શન કર્યું  છે સલીમ આરીફે અને તેનું પ્રોડક્શન સંભાળ્યું છે લુબ્ના સલીમે. આ નાટક અંગે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ગુલઝાર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું, “આ નાટક ચાલમાં સૌને વ્હાલા એવા કપ્તાન ચાચા અને તેમના બાળ મિત્રોની આસપાસ વણાયેલું છે. દેશની આઝાદીનું 75મું વર્ષ હવે દૂર નથી ત્યારે આપણે બાળકોને દેશને લગતી વાત સંવેદનશીલતાથી શીખવીએ તે જરૂરી છે. બાળકોએ રાષ્ટ્રને પોતાના વતનને અનુભવવું રહ્યું. ઝંડા લઇને ફરનારા હોય ત્યારે નાની બાબતોની અવગણના થતી હોય છે. બાળકોને સ્કૂલમાં ભલે બધું શીખવતા હોય છતાં ય મુક વાતો એ રીતે શીખવવી જોઇએ કે તે માહિતી બનીને ન રહી જાય.” તેમણે ઉમેર્યું કે, “દીકરી મેઘના જેનું હુલામણું નામ બોસ્કી છે તેને માટે તેના નાનપણમાં મેં નિયમિત રીતે પુસ્તકો લખ્યાં છે. બોસ્કીના નામે પુસ્તકોની શ્રેણી છે. તે મોટી થઇ છે હવે મારા પૌત્ર સમયને નામે શ્રેણી લખું છું. બાળકો માટે હંમેશાથી લખતો રહ્યો છું અને સલીમ આરિફ જેવા સમૃદ્ધ હાથમાં મારા આ લખાણો નાટકોનો આકાર લે છે તેનાથી રૂડું શું હોઇ શકે ભલા. આ તમામ પાછળની પ્રેરણા લુબ્ના સલીમ છે.”

આ નાટકમાં બાળકોને કપ્તાન ચાચા ધ્વજનું મહત્વ, શા માટે તેનું મૂલ્ય થવું જોઇએ, અધિકારોની સામે ફરજ શું છે જેવી બાબતો શીખવે છે. ગુલઝાર જણાવે છે કે, “નાટકમાં પ્રસંગો છે જેમાં બાળકો મોટાઓને સવાલ કરે છે અને તેમને પોતાની ભૂલનું ભાન થાય છે. ધ્વજનો ઉપયોગ ગર્વથી થવો જોઇએ, તેની આસપાસ આભા ખડી કરવા કરતાં તેનો અર્થ, તેના રંગોનું મહત્વ, તેમાં અશોક ચક્ર શા માટે છે, તેમાં કેટલા આંકા છે જેવું બધું બાળકોને હસતા રમતા શીખવવું જરૂરી છે.”

આ નાટકમાં તાલીમબદ્ધ મોટાંઓ સાથે વંચિત બાળકોને તૈયાર કરવામાં આવ્યા છે. સલીમ આરિફ સાથે વાતચીત થતા તેમણે કહ્યું કે, “આ પ્રયોગ એટલા માટે કરાયો કારણકે આખરે બાળકો તો બાળકો જ છે. હાંસિયામાં ધકેલાયેલા બાળકોને મંચ પર અભિનય કરતા જોવા એક જુદી જ અનુભૂતિ છે. આ સ્તરે તેમને લાવતા પહેલાં તેમનો વિશ્વાસ જીતવો પડે. આ નાટકની વાત કરું તો ગુલઝાર લિખિત બાળ નાટકો પર પહેલાં પણ કામ કર્યું છે. મારું સદનસીબ છે કે તેમના લખાણો સૌથી પહેલાં મને વાંચવા મળે છે. લાંબા અરસાની ઓળખાણ છે. આ નાટકમાં નાગરિકોની ફરજો અંગે બાળકોને આસાનીથી સમજ આપવાની વાત છે. માતા પિતાને જ બાળક સવાલ કરે કે તમે મત આપ્યો કે નહીં કે પછી આ ધ્વજ અહીં આ રીતે ચોળાયેલો કેમ પડ્યો છે ત્યારે તેમને પોતાની ભૂલનું ભાન થાય અને આમ બાળકો પણ જવાબદારી બને. કપ્તાન ચાચા પાસેથી સમજ કેળવનારા બાળકો અહીં માતા પિતાને પણ શીખવે છે. રાષ્ટ્રીય દિવસ હોય કે ચૂંટણીનો દિવસ હોય આ રજા નથી પણ ફરજ છે તે વાત પણ નાટકમાં ઘૂંટવામાં આવી છે.”

વર્ષોથી બાળકો સાથે કામ કરી રહેલા સલીમ આરિફ કહે છે કે, “બાળકોને શીખવતા પહેલાં આપણે શીખેલું ભૂલવું પડે. તેમના મનની શંકા અને ભય દૂર થાય તે પછી તેમને વિષય પ્રત્યે સંવેદનશીલતા કેળવાય તે રીતે કામ કરવું પડે, થિએટર કથાર્સિસ છે, એક ટીમ વર્ક છે અને બાળકો સાથેની કામગીરીથી એ બધાં પાસાં એક વયસ્ક નાટ્યકાર કે દિગ્દર્શક માટે પણ એક અનેરો અનુભવ બની રહે છે.”

 

gulzar meghna gulzar ncpa mumbai news culture news