12 October, 2021 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજેન્દ્ર શુક્લ, તસવીર સૌજન્ય : વિકિપીડિયા
જન્મદિન વિશેષ : કવિ રાજેન્દ્ર શુક્લની આ કવિતાઓ તમે વાંચી છે?
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે; આ સમજ કે અણસમજ એ ખુદ સરજતું હોય છે. સામાંય ધસી જઇયે, આધાંય ખસી જઇયે, એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે, જેવી ઉત્કૃષ્ટ ગઝલોનું સર્જન કરનાર કવિ અને ગઝલકાર રાજેન્દ્ર શુક્લનો આજે જન્મદિવસ છે. વર્ષ ૧૯૪૨માં જૂનાગઢમાં જન્મેલા રાજેન્દ્ર શુક્લ (બાપુ) ગુજરાતી સાહિત્યમાં તેમના સર્જન માટે ઋષિકવિ તરીકે જાણીતા છે.
તેમણે માધ્યમિક શિક્ષણ પોતાના વતનમાં જ પૂર્ણ કર્યું અને ત્યાર બાદ અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજ ખાતે ૧૯૬૫માં સંસ્કૃત અને પ્રાકૃત વિષયોમાં બી.એ. અને ૧૯૬૭માં એમ.એ.ની પદવી મળવી હતી. આદિકવિ નરસિંહ મહેતાની કવિતાઓથી પ્રભાવિત રાજેન્દ્ર શુક્લએ વર્ષ ૧૯૮૨ સુધી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ આપ્યું હતું. કવિએ છાંદસ-અછાંદસ કાવ્યો અને ગીતો રચ્યાં છે, પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે.
રાજેન્દ્ર શુક્લના સર્જનની વાત કરીએ તો તેમણે કોમલ રિષભ (૧૯૭૦), સ્વ-વાચકની શોધ(૧૯૭૨), અંતરગંધાર (૧૯૮૧), ગઝલસંહિતા ભાગ:૧ થી ૫ (૨૦૦૫) જેવા કાવ્યગ્રંથોની રચના કરી છે. તેમના કાવ્યોમાં અધ્યાત્મ અને સંસ્કૃતિના ઊંડા અભ્યાસની અસર સહજ રીતે જોવા મળે છે. અંતરની વાણીમાંથી પ્રગટતી પશ્યંતી વાણી એ તેમની કવિતાના શબ્દનું મૂળ છે.
ઊંડા ભાવાર્થ સાથે કાવ્યોનું સર્જન કરનાર આ કવિને સાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાન બદલ ગુજરાત રાજય પારિતોષિક (૧૯૭૦), ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક (૧૯૮૧,૨૦૦૭), ગુજરાતી સાહિત્ય પરિષદ (૧૯૮૧), ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ (૨૦૦૫), રણજીતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૬), આદ્ધ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ (૨૦૦૬) જેવા અનેક ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
નંદિની ત્રિવેદીએ તેમના એક લેખમાં બાપુની એક વધુ ખાસિયત વિશે વાત કરી છે. તેણી લખે છે કે “રાજેન્દ્ર શુક્લનું કાવ્ય પઠન અન્ય કવિઓના કાવ્ય પઠનથી સાવ નિરાળું છે. કવિને પૂછીએ તો કવિ કારણ આપે કે હું કવિતા વાંચતી વખતે એ કવિતા જે તે સમયે લખી હોય છે, સમયના એ જ અંતરાલમાં પુન: પ્રવેશ કરું છું અને કાવ્યસર્જનના ભાવને સાંગોપાંગ અનુભવતા અનુભવતા કાવ્યપાઠ કરું છું.”
ચાલો માણીએ રાજેન્દ્ર શુક્લની કલમે સર્જાયેલી કેટલી કૃતિઓ.
મનને સમજાવો નહીં
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે;
આ સમજ કે અણસમજ એ ખુદ સરજતું હોય છે.
છે ને કલ કોલાહલે આ સાવ મૂંગું મૂઢ સમ;
એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે.
એક પલકારે જ જો વીંધાય તો વીંધી શકો;
બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે!
ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું;
શબ્દનું એની કને કંઈ ક્યાં ઊપજતું હોય છે!
એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી;
એ જ તો મોતી સમું પાછું નીપજતું હોય છે.
હું મળીશ જ
પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ
ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઇ હિજરતીના ઘરે હું મળીશ જ
હતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે હું મળીશ જ
નગારે પડે ઘા પહેલો કે ચોરે
સમીસાંજની ઝાલરે હું મળીશ જ
બપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઇ કાંગરે હું મળીશ જ
તળેટી સુધી કોઇ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ
કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જ
શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે હું મળીશ જ
છતા યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જ
શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઇ સોરઠે-દોહરે હું મળીશ જ
હશે, કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જ
મને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ
જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ
આ બધું તો થાય છે!
આ અહીં પહોંચ્યાં પછી આટલું સમજાય છે,
કોઇ કંઇ કરતું નથી, આ બધું તો થાય છે!
હાથ હોવાથી જ કંઇ ક્યાં કશું પકડાય છે?
શ્વાસ જેવા શ્વાસ પણ વાય છે તો વાય છે!
આંખ મીંચીને હવે જોઉં તો દેખાય છે,
ક્યાંક કંઇ ખૂલી રહ્યું, કયાંક કંઇ બિડાય છે!
જે ઝળકતું હોય છે તારકોનાં મૌનમાં,
એ જ તો સૌરભ બની આંગણે વિખરાય છે!
શબ્દને અર્થો હતાં, ઓગળી કલરવ થયાં,
મન, ઝરણ, પંખી બધું ક્યાં જુદું પરખાય છે!
સામાય ધસી જઈએ, આઘાંય ખસી જઇએ…
સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.
આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.
એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.
આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.
ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.
કીડી સમી ક્ષણો
કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?
ઋતુઓનો રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લગની, લગાવ, લહરો, આ હાવભાવ શું છે?
લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?
પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?
પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે?
ચિંતા નથી કશી પણ નમણાં નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?
હર શ્વાસ જ્યાં જઇને ઉછ્વાશને મળે છે
સ્થળ જેવું નથી તો ઝળહળ પડાવ શું છે?