03 April, 2022 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિમ સર્ભ
જિમ સર્ભે જણાવ્યું કે મને હંમેશાં વૉઇસ ઍક્ટિંગમાં ઇન્ટરેસ્ટ રહ્યો છે. તેણે ‘નીરજા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં તે પત્રકારના રોલમાં જોવા મળ્યો હતો. તેણે હાલમાં વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની સિરીઝ ‘ઇટર્નલી કન્ફ્યુઝ્ડ ઍન્ડ ઇગર ફૉર લવ’ માટે વિઝના કૅરૅક્ટર માટે વૉઇસ-ઑવર કર્યો હતો. એ વિશે જિમે કહ્યું કે ‘મને હંમેશાં વૉઇસ ઍક્ટિંગમાં રસ રહ્યો છે, કારણ કે હું ઍનિમેટેડ ફિલ્મોનો ફૅન છું. મને એ બધી જોવાનું ગમે છે. પછી એ ઇન્ક્રેડિબલ હોય, જિની અને અલાદીન હોય કે પછી રૉબિન વિલિયમ્સનું કામ હોય, મને એ બધું પસંદ છે. આ રોલ માટે જ્યારે ડિરેક્ટર રાહુલે અપ્રોચ કર્યો ત્યારે અમારું રીડિંગ સેશન થયું હતું. અમને અહેસાસ થયો કે એ બધી લાઇન્સ કઈ રીતે બોલવી જોઈએ. મને લાગ્યું કે એમાં ખૂબ મજા આવશે.’
આ સિરીઝમાં વિઝ એ અંદરનો અવાજ છે. તે લાઇફમાં મૂંઝવણમાં હોય છે કે તેને પ્રેમ જોઈએ છે કે પછી માત્ર કામ-વાસના જોઈએ છે. જિમને પૂછવામાં આવ્યું હતું કે તેની ટીનેજમાં તેનું વિઝ કોણ હતુ? એનો જવાબ આપતાં જિમે કહ્યું કે ‘મારી જાતની વાત કરું તો મને લાગે છે કે આપણા બધા પાસે આંતરિક અવાજ હોય છે, ખરું? આપણી જાતનું એ એક્સટેન્શન છે, જે આપણા દિમાગમાં ફર્યા કરે છે. અમારા શોમાં વિઝ અને રે એ જુદા નથી. વિઝ એ રેની આંતરિક પ્રક્રિયાનું સ્વરૂપ છે.’