15 April, 2022 01:27 PM IST | Rajkot | Rashmin Shah
‘જયસુખ ઝડપાયો’ના સેટ પરની તસવીર
ત્રીજી જૂને રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ ‘જયસુખ ઝડપાયો’ રિલીઝ થાય એ પહેલાં જ અનેક બાબતોમાં પહેલા સ્થાન પર આવી ગઈ છે. આ ફિલ્મથી ડિરેક્ટર ધર્મેશ મહેતા પહેલી વાર પ્રોડ્યુસર બન્યા છે તો ફિલ્મના કો-પ્રોડ્યુસર એવા સમીર દોશી, પ્રવીણ બોહરા અને નિમેશ શાહની પણ પહેલી ફિલ્મ છે. ડિરેક્ટર-પ્રોડ્યુસર ધર્મેશ મહેતા કહે છે, ‘અમે ચાર જ નહીં, અનાયાસે અનેક લોકોની આ પહેલી ફિલ્મ બની છે અને પહેલી ફિલ્મ હોવાના કારણે શૂટિંગ દરમ્યાન વાઇબ્સ પણ સતત પૉઝિટિવ રહ્યાં.’
ફિલ્મનું મ્યુઝિક કશ્યપ સોમપુરાનું છે તો ગીતો મેઘા અંતાણીએ લખ્યાં છે. ફિલ્મમાં સુખવિન્દર સિંહે અને પલક મુચ્છલે પણ ગીતો ગાયાં છે. આ ચારેચાર લોકોની આ પહેલી ફિલ્મ છે તો રેમો ડિસોઝા માટે ‘એબીસીડી-2’ અને કમલ હાસન-શ્રીદેવી સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘સદમા’ની સીક્વલ લખતા રાઇટર અમિત આર્યને આ ફિલ્મ લખી છે, અમિતની પણ આ પહેલી ફિલ્મ છે. ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા સાથે બબ્બે ફિલ્મ અને અમિતાભ બચ્ચન-રિશી કપૂર સાથે ‘102 નૉટઆઉટ’ કરી ચૂકેલા જિમિત ત્રિવેદીની હીરો તરીકે આ પહેલી ફિલ્મ છે તો ધર્મેશ મહેતાની જ ફિલ્મ ‘પપ્પા, તમને નહીં સમજાય!’માં કૅમિયો કરી ચૂકેલા જૉની લિવરની પણ આ ફુલ લેંગ્થ પહેલી ગુજરાતી ફિલ્મ છે. ધર્મેશ મહેતા કહે છે, ‘અમારી લીડ હિરોઇન પૂજા જોષીની પણ આ પહેલી ફિલ્મ અને ફિલ્મમાં ઇમ્પોર્ટન્ટ રોલ કરતી સંગીતા કનીપતની પણ આ પહેલી ફિલ્મ તો અમારી સ્ટાઇલિસ્ટ ફોરમ ઠાકુર અને જિજ્ઞા મહેતાની પણ આ પહેલી ફિલ્મ. આ ઉપરાંત ‘જયસુખ ઝડપાયો’ પહેલી ગુજરાતી ફિલ્મ છે જે કાશ્મીરમાં શૂટ થઈ. અગાઉ કોઈ ત્યાં જવાની હિંમત કરતું જ નહોતું તો હિન્દી ફિલ્મોવાળા પણ કાશ્મીર જવા રાજી નહોતા એ સમયે અમે જઈને કાશ્મીરમાં ફિલ્મ શૂટ કરી.’
‘જયસુખ ઝડપાયો’ની હજી પણ મોટામાં મોટી વિશિષ્ટતા એ કે આ આખી ફિલ્મ માત્ર ૧૯ દિવસમાં શૂટ થઈ અને એ પણ સાત શહેરમાં શૂટિંગ કરીને. ધર્મેશ મહેતા કહે છે, ‘સાત શહેર અને ૧૯ દિવસમાં શૂટિંગ કરી ફિલ્મ પૂરી થઈ હોય એવી પણ બીજી કોઈ ફિલ્મ નહીં હોય એની હું ગૅરન્ટી આપું છું.’