07 June, 2022 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર
રણબીર કપૂરનું કહેવું છે કે તેમને ‘બ્રહ્માસ્ત્ર’ દ્વારા પોતાની માર્વલ બનાવવાનો ચાન્સ મળ્યો છે. માર્વલ સિનેમૅટિક યુનિવર્સ તેમની સુપરહીરો ફિલ્મો માટે ખૂબ જ જાણીતું છે. બૉલીવુડમાં ઘણી વાર સુપરહીરો ફિલ્મ બનાવવાની કોશિશ કરવામાં આવી છે, પરંતુ આજ સુધી એ લેવલની ફિલ્મ નથી બની શકી. બૉલીવુડમાં અત્યાર સુધી ફક્ત હૃતિક રોશનની ‘ક્રિશ’ ફ્રૅન્ચાઇઝી હિટ રહી છે. આ સિવાય એક પણ સુપરહીરો ફિલ્મ હિટ નથી રહી. જોકે રણબીર કપૂરની ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન : શિવા’ પણ હવે આવી રહી છે. આયાન મુખરજીના ડિરેક્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં રણબીરની સાથે આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રૉય અને નાગાર્જુને પણ કામ કર્યું છે. આ ફિલ્મ ઇન્ડિયન માયથોલૉજી પર આધારિત છે, પરંતુ એની સ્ટોરી અત્યારના સમયની છે. આ ફિલ્મમાં એક બ્રહ્માંશ નામની સીક્રેટ સોસાયટી હોય છે, સદીઓ પહેલાંના ભારતમાં બનાવવામાં આવેલા ઘણાં ‘અસ્ત્ર’ને પ્રોટેક્ટ કરતા હોય છે. આ બધામાં સૌથી પાવરફુલ ‘બ્રહ્માસ્ત્ર’ હોય છે અને એ હવે બહાર આવવાની કોશિશ કરી રહ્યું છે જેનાથી દુનિયાનો સર્વનાશ થઈ શકે છે. આ ફિલ્મને ત્રણ પાર્ટમાં બનાવવામાં આવશે જેનું નામ ‘અસ્ત્રવર્સ’ રાખવામાં આવ્યું છે. આ વિશે રણબીર કપૂરે કહ્યુ કે ‘આ ફિલ્મ ઇન્ડિયાના કલ્ચર પર આધારિત છે. આ ફિલ્મ દ્વારા અમને અમારી માર્વલ બનાવવાની તક મળી છે, જે આયાન તેના ‘અસ્ત્રવર્સ’ દ્વારા બનાવી રહ્યો છે. કોઈ પણ ફિલ્મની સ્ટોરી કલ્ચર સાથે એકદમ ઑથેન્ટિક રીતે બનાવવામાં આવે તો એ દર્શકોને પસંદ પડે જ છે. જોકે થોડુંઘણું નસીબ પણ જોઈએ છે, જેમ કે કેવી રિલીઝ તમને મળી રહી છે. કેવું એક્સપોઝર મળી રહ્યું છે. અમારા કેસમાં અમારી સાથે ડિઝની છે. એનાથી સારું શું જોઈએ? આથી મને લાગે છે કે ‘બ્રહ્માસ્ત્ર’ દુનિયાભરના લોકોને દેખાડવા માટે એક સારી તક છે. અમે ત્રણ બેસ્ટ ફ્રેન્ડ્સ આલિયા, હું અને આયાન બેસીને આ ફિલ્મ વિશે સપનાં જોઈ રહ્યાં હતાં. અમે પોતાને ખુશનસીબ માની રહ્યાં છીએ કે અમને આ ફિલ્મમાં કામ કરવાનો ચાન્સ મળ્યો.’