નડાલ બેમિસાલ

07 June, 2022 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ષ ૨૦૦૫માં પગની જે ઈજા છતાં પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતેલો એ જ ઇન્જરી છતાં રવિવારે લગભગ એક પગે રમીને બાવીસમી ટ્રોફી જીતી ગયો

૨૦૦૫થી ૨૦૨૨ સુધી રાફેલ નડાલ જે કુલ ૧૪ ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યો છે એની ક્રમવાર (ઉપરથી નીચે). (તસવીર : એ.એફ.પી.)

સ્પેનનો ટેનિસ-સમ્રાટ ૩૬ વર્ષનો રાફેલ નડાલ રવિવારે પગના દુખાવાથી બચવા પેઇનકિલર ઇન્જેક્શન લઈને પૅરિસમાં ફ્રેન્ચ ઓપનની ફાઇનલ રમ્યો હતો અને એમાં તેણે નૉર્વેના કૅસ્પર રુડને ૬-૩, ૬-૩, ૬-૦થી હરાવીને વિક્રમજનક ૧૪મી વાર ફ્રેન્ચ ઓપન ટાઇટલ અને રેકૉર્ડ-બ્રેક બાવીસમું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી લીધું હતું. ખુદ નડાલે રવિવારે મૅચ પછી કહ્યું કે ‘મને ૨૦૦૫થી પગની ઈજા સતાવી રહી છે. મેં પાંસળીના સ્ટ્રેસ ફ્રૅક્ચર છતાં અને પછી પગની ઇન્જરી કરાવ્યા છતાં દોઢ મહિનો અથાક પ્રૅક્ટિસ કરી હતી. મારા એક પગમાં તો જાણે ચેતન જ નહોતું. હું પેઇનકિલર લઈને રમ્યો હતો.’

૨૦૨૧ના વર્ષના પાછલા ૬ મહિના તે આ ઇન્જરીને લીધે એકેય સ્પર્ધામાં નહોતો રમી શક્યો. તેણે પૅરિસમાં ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીતતાં પહેલાં પખવાડિયામાં કુલ કેટલાં પેઇનકિલર ઇન્જેક્શન લીધાં હતાં? એવા એક પત્રકારે પૂછેલા સવાલના જવાબમાં કહ્યું, કે ‘મેં કેટલાં ઇન્જેક્શન લીધેલાં એની સંખ્યા તમે ન જાણો એ જ સારું છે.’

નડાલ ક્લે-કોર્ટ પરનાં ૧૪ ફ્રેન્ચ ઓપન ટાઇટલ જે વર્ષમાં જીત્યો હતો એ આ મુજબ છે ઃ ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭, ૨૦૦૮, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૪, ૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૨.

તે બે ઑસ્ટ્રેલિયન ઓપન (૨૦૦૯, ૨૦૨૨), બે વિમ્બલ્ડન (૨૦૦૮, ૨૦૧૦) અને ચાર યુએસ ઓપન (૨૦૧૦, ૨૦૧૩, ૨૦૧૭, ૨૦૧૯) ટાઇટલ જીત્યો છે.

sports sports news rafael nadal