ન્યુઝ શોર્ટમાં :

02 June, 2022 02:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

યુક્રેનનો ફુટબોલર પત્રકારો સમક્ષ થઈ ગયો ભાવુક; પોગ્બા મૅન્ચેસ્ટર યુનાઇટેડ છોડશે, યુવેન્ટ્સમાં જોડાશે અને વધુ સમાચાર

મોદી મળ્યા ચૅમ્પિયન મહિલા મુક્કાબાજોને : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દિલ્હીમાં મળવા આવેલી નવી વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર નિખત ઝરીન સાથે પોઝ આપ્યો હતો. તેમ જ વિશ્વસ્પર્ધાની બ્રૉન્ઝ મેડલિસ્ટ મુક્કાબાજ મનીષા મોઉનને જર્સી પર ઑટોગ્રાફ આપ્યા હતા. પીએમે બીજી કાંસ્યચંદ્રક વિજેતા બૉક્સર પરવીન હૂડાને પણ જર્સી પર ઑટોગ્રાફ આપ્યા હતા. મોદીએ તેમને આ વિજેતાપદ બદલ અભિનંદન આપ્યાં હતાં અને આવનારી હરીફાઈઓ માટે શુભેચ્છા આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. પી. ટી. આઇ.

રાજકુમાર પાલના ગોલથી ભારત જીત્યું હૉકીનો બ્રૉન્ઝ મેડલ

૨૪ વર્ષની ઉંમરના ઉત્તર પ્રદેશના મિડફીલ્ડર રાજકુમાર પાલે ૭મી મિનિટે કરેલા ગોલની મદદથી ભારતે ગઈ કાલે જકાર્તામાં હૉકીના એશિયા કપમાં જપાનને ૧-૦થી હરાવીને ત્રીજા સ્થાન સાથે બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. આ મૅચમાં ભારતના મોટા ભાગના ખેલાડીઓ પહેલી જ વાર આ સ્પર્ધામાં રમી રહ્યા હતા. રાજ પાલે મૅચની સાતમી જ મિનિટે ગોલ કર્યો હતો તથા ત્યાર બાદ ભારતે જપાનને એકેય ગોલ નહોતો કરવા દીધો અને ૧-૦થી મૅચ જીતી લીધી હતી. સાઉથ કોરિયાએ મ‌લેશિયાને ફાઇનલમાં ૨-૧થી હરાવીને પાંચમી વાર ટાઇટલ જીતી લીધું હતું.

 

યુક્રેનનો ફુટબોલર પત્રકારો સમક્ષ થઈ ગયો ભાવુક

રશિયાના આક્રમણનો ભોગ બનેલા પાડોશી દેશ યુક્રેને આ વર્ષના કતાર ફુટબૉલ વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થવા માટે બે મૅચની રમવાની છે અને એ મૅચની તૈયારીમાં વ્યસ્ત યુક્રેનની ટીમનો સ્ટાર ખેલાડી ઑલેકસેન્ડ્ર ઝિન્ચેન્કો ગ્લાસગોમાં પત્રકારો સાથેની વાતીચીત દરમ્યાન ભાવુક થઈને રડી પડ્યો હતો. તેણે કહ્યું કે ‘અત્યારે અમે પ્રૅક્ટિસ દરમ્યાન માનસિક રીતે અત્યંત મુશ્કેલી અનુભવી રહ્યા છીએ. દરેક ખેલાડી યુક્રેનમાં રહેતાં તેનાં મમ્મી-પપ્પા, નજીકનાં સગાંસંબંધી, મિત્રો અને પ્રજા વિશે ચિંતિત છે.

 

પોગ્બા મૅન્ચેસ્ટર યુનાઇટેડ છોડશે, યુવેન્ટ્સમાં જોડાશે

ફ્રાન્સનો ફુટબોલર પૉલ પોગ્બા મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ) ક્લબ છોડીને મોટા ભાગે યુવેન્ટ્સમાં પાછો જોડાઈ રહ્યો છે. ૨૦૧૧માં તે ૧૮ વર્ષનો હતો ત્યારે એમયુમાં જોડાયો હતો. ૨૦૧૨થી ૨૦૧૬ સુધી યુવેન્ટ્સમાં રહ્યા બાદ તે પાછો એમયુ ક્લબ પાસે આવી ગયો હતો. છેલ્લાં છ વર્ષમાં તે એમયુ વતી ૨૨૬ મૅચ રમ્યો, પરંતુ એમાં એમયુની ટીમ માત્ર બે ટ્રોફી જીતી હતી.

 

એસી મિલાન ક્લબ ૧૦૧ અબજ રૂપિયામાં વેચાઈ

ઇટલીની સેરી-એ નામની ફુટબૉલ લીગની ચૅમ્પિયન એસી મિલાન ક્લબ વેચાઈ જવાની તૈયારીમાં છે. ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)ની ચેલ્સી ક્લબ તાજેતરમાં વેચાયા બાદ મોટી ક્લબના વેચાણનો આ બીજો કિસ્સો છે. એસી મિલાનને અમેરિકાની રેડબર્ડ કૅપિટલ પાર્ટનર્સ કંપની ૧.૩ અબજ ડૉલર (અંદાજે ૧૦૧ અબજ રૂપિયા)માં ખરીદશે. ક્લબ અને કંપની વચ્ચે પ્રાથમિક કરાર થઈ ગયા છે. મિલાન ક્લબની ટીમ ગયા મહિને ૧૧ વર્ષે પહેલી વાર સેરી-એ ટાઇટલ જીતી હતી. મિલાનને ખરીદનાર રેડબર્ડ કંપનીનો ફેન્વે સ્પોર્ટ્સ ગ્રુપમાં ઇક્વિટી હિસ્સો છે અને આ ગ્રુપ ઈપીએલની લિવરપુલ કંપનીની માલિક છે.

sports sports news