01 June, 2022 12:52 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કરીમ બેન્ઝેમા
વિશ્વના સર્વશ્રેષ્ઠ ફુટબોલરને દર વર્ષે અપાતો ‘બેલોં ડિઓર’ અવૉર્ડ વિક્રમજનક સાત વખત જીતનાર આર્જેન્ટિના અને પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) ટીમના સુપરસ્ટાર લિયોનેલ મેસીએ કહ્યું કે ‘આ વર્ષના બેલોં ડિઓર અવૉર્ડ માટે રિયલ મૅડ્રિડનો સ્ટ્રાઇકર કરીમ બેન્ઝેમા જ હકદાર છે. તે પહેલી વાર આ પુરસ્કાર જીતશે એ દિવસ હવે દૂર નથી.’
આ વર્ષની ચૅમ્પિયન્સ લીગની પ્રી-ક્વૉર્ટર ફાઇનલ દરમ્યાન સેકન્ડ હાફમાં બેન્ઝેમાના હૅટ-ટ્રિક ગોલને કારણે જ મેસીની પીએસજી ટીમ મૅડ્રિડના હાથે પરાજિત થતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી. એ પછી ક્વૉર્ટર ફાઇનલમાં બેન્ઝેમાએ ચેલ્સી સામે ચાર ગોલ અને સેમી ફાઇનલમાં મૅન્ચેસ્ટર સિટી સામે ત્રણ ગોલ કર્યા હતા.
શનિવારની ફાઇનલમાં મૅડ્રિડે લિવરપુલને ૧-૦થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. મૅડ્રિડે સ્પૅનિશ લીગ પણ જીતી લીધી હતી અને બેન્ઝેમા એ ટુર્નામેન્ટમાં ટૉપ-સ્કોરર હતો.