‘કિંગ ઑફ ક્લે’ રાફેલ નડાલ જીત્યો જૉકોવિચ સામેની ‘લેટ-નાઇટ થ્રિલર’

02 June, 2022 02:57 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આવતી કાલે જન્મદિને ફ્રેન્ચ ઓપનની સેમી ફાઇનલમાં ઝ્‍વેરેવ સામે રમશે

રાફેલ નડાલ

સ્પેનનો ૩૫ વર્ષનો વર્લ્ડ નંબર-ફાઇવ ટેનિસ ખેલાડી રાફેલ નડાલ કરીઅરના બાવીસમા વર્ષે પ્રત્યેક મૅચ અને ટુર્નામેન્ટ જાણે પોતાની છેલ્લી હોય એ રીતે રમતો હોય છે અને એવો જ એક સંઘર્ષપૂર્ણ મુકાબલો તેણે મંગળવારે રાતે વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચ સામે જીતી લીધો હતો.

નડાલ વિશ્વભરના ટેનિસ ખેલાડીઓમાં સિંગલ્સનાં સૌથી વધુ ૨૧ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો છે અને એમાં ક્લે કોર્ટ (પથ્થરનો ભૂકો, ઇંટ અને ખનિજ તત્ત્વોથી બનેલી ટેનિસ કોર્ટ) પર રમાતી ફ્રેન્ચ ઓપન સ્પર્ધાના સૌથી વધુ ૧૩ ટાઇટલ છે અને એટલે જ તે ‘કિંગ ઑફ ક્લે’ તરીકે ઓળખાય છે. નડાલે મંગળવારે મોડી રાત સુધી ચાલેલી મૅચમાં ગયા વર્ષના વિજેતા જૉકોવિચને ક્વૉર્ટર ફાઇનલમાં ૬-૨, ૪-૬, ૬-૨, ૭-૪થી હરાવ્યો હતો. આ મૅચ મંગળવારે રાતે ૯ વાગ્યે શરૂ થઈ હતી અને મધરાત બાદ ૧ વાગ્યા સુધી (ચાર કલાક) ચાલી હતી.

આવતી કાલે ૩૬ વર્ષનો થશે
રાફેલ નડાલ આવતી કાલે ૩૬ વર્ષ પૂરાં કરીને ૩૭મા વર્ષમાં પ્રવેશ કરશે અને એ જ દિવસે સેમી ફાઇનલમાં તેની ટક્કર થર્ડ-સીડેડ ઍલેક્ઝાન્ડર ઝ્‍વેરેવ સામે થશે. જર્મનીના ટીનેજર ઝ્‍વેરેવે ક્વૉર્ટરમાં કાર્લોસ અલ્કારેઝ સામે ૬-૪, ૬-૪, ૪-૬, ૯-૭થી વિજય મેળવીને સેમીમાં એન્ટ્રી કરી હતી.

નડાલનો ૧૧૦-૩નો રેશિયો
મંગળવારના વિજય સાથે રાફેલ નડાલનો નોવાક જૉકોવિચ સામેનો જીત-હારનો રેશિયો ૩૦-૨૯ થઈ ગયો છે. પૅરિસની ફ્રેન્ચ ઓપનમાં નડાલનો અસાધારણ રેશિયો છે. તે આ સ્થળે ૧૧૦ મુકાબલા જીત્યો છે અને માત્ર ૩ હાર્યો છે.

એ ત્રણમાંથી બે પરાજય જૉકોવિચ સામેના છે.

sports sports news rafael nadal