03 June, 2022 12:51 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રશિયાના આક્રમણથી તબાહ થયેલા યુક્રેનમાં ફુટબૉલની રમત પ્રજામાં ઉત્સાહ લાવી રહી છે. બુધવારે ગ્લાસગોમાં યુક્રેને આ વર્ષના વર્લ્ડ કપના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં સ્કૉટલૅન્ડને ૩-૧થી હરાવ્યું હતું. હવે યુક્રેન વિશ્વકપમાં રમવાની લાયકાત મેળવવા ફક્ત એક મૅચ જીતવાની બાકી છે. રવિવારે આ મૅચ વેલ્સ સામે રમાશે. ગ્લાસગોની મૅચ વખતે સ્ટેડિયમમાં જે ૫૧,૦૦૦ પ્રેક્ષકો હતા એમાંથી યુક્રેનતરફી માત્ર ૩૦૦૦ લોકો હતા અને તેમના ચિયર-અપ્સ વચ્ચે પ્લે-ઑફની આ સેમી ફાઇનલ જીતી લીધી હતી.
ફુટબૉલ-લેજન્ડ પેલેએ રશિયાને યુદ્ધ રોકવા કહ્યું
કૅન્સરની સારવાર લઈ રહેલા બ્રાઝિલના ફુટબૉલ-લેજન્ડ પેલેએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને યુક્રેનમાં યુદ્ધ રોકી દેવાની અપીલ કરી છે. પેલેએ ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં પુતિનને લખ્યું છે, ‘યુક્રેનમાં યુદ્ધનો અંત લાવી દો. આ હિંસાચાર ચાલુ રાખવામાં કોઈ ભલાઈ નથી. યુક્રેનના લોકો પરનું આક્રમણ તાત્કાલિક બંધ થવું જોઈએ. આ રમખાણ રોકવાની સત્તા તમારા હાથમાં છે. યાદ હોય તો, આ એ જ હાથ છે જેની સાથે મેં ૨૦૧૭ની સાલમાં મૉસ્કોના પ્રવાસ દરમ્યાન આપણી મીટિંગમાં મિલાવ્યા હતા.’ પેલેએ ૨૧ વર્ષની કરીઅરમાં કુલ ૧૩૬૩ મૅચમાં ૧૨૮૧ ગોલ કર્યા હતા.