01 June, 2022 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહન બોપન્ના
પૅરિસમાં ભારતનો રોહન બોપન્ના ગઈ કાલે ૭ વર્ષ પછીની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ સેમી ફાઇનલમાં પહોંચ્યો હતો. તેણે અને ડચ પાર્ટનર મેટવે મિડલકૂપની જોડીએ મેન્સ ડબલ્સની ક્વૉર્ટર ફાઇનલમાં બ્રિટનના લૉઇડ ગ્લાસપુલ અને ફિનલૅન્ડના હેન્રી હેલિયોવારાને સોમવારે રાતે સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૪-૬, ૬-૪, ૭-૩થી હરાવ્યા હતા.
બોપન્ના અગાઉ ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધાઓમાં ૨૦૧૫માં વિમ્બલ્ડનની સેમી ફાઇનલમાં પહોંચ્યો હતો. એમાં તે અને રોમાનિયાના ફ્લોરિન મેર્ગિયાની જોડીનો પરાજય થયો હતો. પુરુષોની સિંગલ્સમાં બે અપસેટ સર્જાયા હતા. વર્લ્ડ નંબર ટૂ અને યુએસ ઓપન ચૅમ્પિયન ડેનિલ મેડવેડેવનો ૨૦મા નંબરના મારિન સિલિચ સામે ૨-૬, ૩-૬, ૨-૬થી પરાજય થયો હતો. વિશ્વના ચોથા નંબરના ખેલાડી અને ૨૦૨૧માં નોવાક જૉકોવિચ સામે ફાઇનલમાં હારી જનાર સ્ટેફાનોસ સિત્સિપાસને ડેન્માર્કના ટીનેજર હૉલ્ગર રુને ૭-૫, ૩-૬, ૬-૩, ૬-૪થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો હતો.
બર્થ-ડે ગર્લ વર્લ્ડ નંબર વન સ્વૉનટેક સંઘર્ષ પછી જીતી
પોલૅન્ડની વર્લ્ડ નંબર વન ઇગા સ્વૉનટેક ગઈ કાલે ૨૧ વર્ષની થઈ હતી. તે આગલા દિવસે (સોમવારે) સતત ૩૨મી મૅચ જીતી હતી, પરંતુ તેણે એમાં વિશ્વની ૭૪મા નંબરની ચીનની ઝેન્ગ કિન્વેનને ૫-૭, ૬-૦, ૬-૨થી હરાવવા ખૂબ મહેનત કરવી પડી હતી. હવે સ્વૉનટેક ક્વૉર્ટર ફાઇનલમાં અમેરિકાની જેસિકા પેગુલા સામે રમશે. જેસિકા આ વખતની ફ્રેન્ચ ઓપનમાં બાકી બચેલી સીડેડ પ્લેયર્સમાં (નંબર વન સ્વૉનટેકને બાદ કરતાં) હાઇએસ્ટ સીડેડ ખેલાડી છે. અન્ય એક ક્વૉર્ટરમાં વેરોનિકા કુડરમેટોવાની ટક્કર મેડિસન કીઝ સાથે થશે.
અમેરિકાની કૉકો ગોઉફે પોતાના જ દેશની સ્લોન સ્ટીફન્સને ૭-૫, ૬-૨થી હરાવીને પહેલી જ વાર ગ્રૅન્ડ સ્લૅમ સેમી ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.