06 June, 2022 10:23 AM IST | Las Vegas | Gujarati Mid-day Correspondent
ઝેગ્રોસ જાફ
ઇરાકથી ૧૬ વર્ષની વયે બ્રિટનમાં સ્થાયી થયેલો અને ડોમિનોઝમાં કામ કરતો ૩૩ વર્ષનો ઝેગ્રોસ જાફ માત્ર ૭૦ સેકન્ડમાં ૩ પીત્ઝા તૈયાર કરીને વિશ્વમાં સૌથી ઝડપી પીત્ઝા બનાવવાનો તાજ જીત્યો છે. બ્રિટનમાં આવતાં પહેલાં તેણે પીત્ઝા ક્યારેય જોયો નહોતો, પરંતુ છેલ્લાં ૧૫ વર્ષથી પોર્ટ્સમાઉથ રેસ્ટોરાંમાં કામ કરીને તે પીત્ઝા બનાવતાં શીખ્યો હતો.
ઝેગ્રોસ જાફે લાસ વેગસની ધ વેનેટિયન હોટેલમાં વિશ્વભરના પીત્ઝા ઉત્પાદકોને લડત આપીને ન્યાયાધીશો અને ૮૦૦૦ લોકોની ભીડની ઉપસ્થિતિમાં તાજ મેળવ્યો હતો. પોતાની સફળતાની ઉજવણી કરતાં ઝેગ્રોસ જાફે કહ્યું હતું કે તાજ મેળવવા માટે મેં લગભગ આખું વર્ષ પ્રૅક્ટિસ કરી હોવાથી હું ઘણો આનંદિત છું. આ અગાઉ ઝેગ્રોસ જાફ ડોમિનોઝમાં મૅનેજર ઑફ ધ યર અને સુપરવાઇઝર ઑફ ધ યરનો અવૉર્ડ જીતી ચૂક્યો છે. આ સ્પર્ધામાં વિશ્વભરના ફાઇનલિસ્ટ્સ આવ્યા હતા. અહીં તેમણે નવો લોટ તૈયાર કરવાથી માંડીને સૉસ, ટૉપિંગ્સ વગેરે બધું તૈયાર કરવાનું હતું. એની ગણતરી પીત્ઝા તૈયાર કરવાના સમયમાં કરવામાં આવવાની હતી. સતત બે અઠવાડિયાં સુધી રોજ ૬થી ૭ પીત્ઝા તૈયાર કર્યા બાદ તે ૭૦ સેકન્ડનો સમય હાંસલ કરી શક્યો હતો. મેનુમાં એક પેપરોની, એક મશરૂમ અને એક ચીઝ પીત્ઝાનો સમાવેશ થાય છે. જો તેનો એક પીત્ઝા નિર્દિષ્ટ કરતાં વધુ વજનનો ન થયો હોત તો તેનું કામ માત્ર ૫૬ સેકન્ડમાં પૂરું થયું હોત. આ સ્પર્ધા દર બે વર્ષે એક વાર યોજાય છે. ઝાગ્રોસને ઇનામમાં ૩૦૦૦ ડૉલર (લગભગ ૨૩૨૮૪૪ રૂપિયા), ટ્રોફી અને વિનિંગ બેલ્ટ આપવામાં આવ્યાં હતાં.