07 November, 2023 12:00 PM IST | Florida | Gujarati Mid-day Correspondent
સિયાન નાર્ડિએલો
સિયાન નાર્ડિએલો નામની ૨૨ વર્ષની યુવતી ધનાઢ્યોનાં બાળકોને ડિઝની વર્લ્ડની મુલાકાતે લઈ જવાનો બિઝનેસ કરે છે. જાણીને આશ્ચર્ય થાય એમ હોવા છતાં આવો પણ બિઝનેસ હોય છે. અમીર પરિવાર ડિઝની લૅન્ડની મુલાકાતે જાય ત્યારે બાળકોની સંભાળ માટે પાર્ક નૅનીની સેવાઓ લેતા હોવાનું ચલણ હમણાંથી વધ્યું છે.
ફ્લૉરિડાની આ કૉલેજિયન યુવતીને લગભગ બે વર્ષ પહેલાં થીમ પાર્ક ચાઇલ્ડ કૅરનું વિશિષ્ટ બજાર હોવાનું ધ્યાન પર આવ્યું હતું. લગભગ બેએક વર્ષ પહેલાં તેણે પરિવારના જ એક સાત વર્ષના બાળક સાથે ડિઝની લૅન્ડમાં સાંજ વિતાવી હતી. એમાં સફળતા મળતાં તેણે અવારનવાર બાળકોને લઈને થીમ પાર્કમાં ફરવા જવાની શરૂઆત કરી અને છેવટે તેણે તેના બેબી સિટિંગના કામને એક ચાઇલ્ડ કૅર કંપની તરીકે વિકસાવી ‘વન્સ અપૉન અ નૅની’ નામની કંપની શરૂ કરી. આ કંપની કલાકના ૨૫ ડૉલર (લગભગ ૧૯૧૩ રૂપિયા) લઈને બાળકોને થીમ પાર્કમાં સંભાળે અને રમાડે છે.
સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત તે ઑર્લેન્ડો રજાઓ ગાળવા આવેલા પરિવારને પણ પોતાની સેવાઓ આપે છે. ન્યુ જર્સીમાં જન્મ અને ઉછેર પછી પણ પરિવાર સાથે ફ્લૉરિડા ફરવા ગયા બાદ આ તેનું પ્રિય સ્થળ બની ગયું હતું. તેણે અભ્યાસ માટે પણ ફ્લૉરિડા યુનિવર્સિટી પસંદ કરી હતી.
પોતાના અભ્યાસનો ખર્ચ કાઢવા તે તેના ફ્રી સમયમાં નૅની તરીકેની સેવાઓ આપે છે. ટિકટૉક પર તેનું થીમ પાર્ક નૅની સાહસ ખૂબ જ લોકપ્રિય છે. રજાઓ ગાળવા આવેલા પરિવારોને તે દિવસના હિસાબે ચાર્જ કરે છે. આ પરિવારો જો ઇચ્છે તો તે તેમની સાથે પાર્કમાં પણ જાય છે તથા બાળકોના પેરન્ટ્સ મોટી રાઇડ્સનો આનંદ લેતા હોય ત્યારે બાળકોને તેમની વય અનુરૂપ રાઇડ્સમાં પણ લઈ જાય છે. અઠવાડિયામાં લગભગ ચાર વાર થીમ પાર્કની મુલાકાત લેવા છતાં આજે પણ તેને પહેલી વાર જતા હોય એવો જ આનંદ મળે છે.