07 June, 2022 10:19 AM IST | London | Gujarati Mid-day Correspondent
મેડોના અને બાળકનું ચિત્ર
પ્રસિદ્ધ આર્ટિસ્ટ બોટિસેલ્લીના સ્ટુડન્ટ ફિલિપીનો લિપ્પી દ્વારા દોરવામાં આવેલું મેડોના અને બાળકનું ચિત્ર નિયમિત કરાતા મૂલ્યાંકન દરમ્યાન મળી આવ્યું હતું. આ પેઇન્ટિંગની માલિક ૯૦ વર્ષની ડિમ્નેશિયાથી પીડાતી એક મહિલા છે, જેણે લગભગ ૩૦ વર્ષ પહેલાં તેના પિતા પાસેથી વારસામાં મેળવ્યું હતું. આ મહિલાનો પરિવાર નૉર્થ લંડનમાં અનફીલ્ડ ખાતેનો તેનો બંગલો વેચી રહ્યો હતો ત્યારે તેને આ પેઇન્ટિંગ મળ્યું હતું, જે આખરે બ્રિટનના એક બિડર પાસે એક ઑનલાઇન ઑક્શનના માધ્યમથી ૨.૫૫ લાખ પાઉન્ડ (લગભગ ૨.૪૯ કરોડ રૂપિયા)માં પહોંચ્યું હતું.
હરાજીકર્તા પીટર મેસને જણાવ્યું હતું કે આ ચિત્રની સારી કિંમત આવશે એ અમે જાણતા હતા, પરંતુ તેને મળેલી કિંમત અમારી અપેક્ષા કરતાં ઘણી વધુ છે. ડોસન્સ ઑક્શનિયર્સ ખાતે મૂલ્યાંકન ખાતાના હેડ સિઓભાન ટાયરેલે આ ચિત્ર શોધી કાઢ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘મને આ ઘરમાં કોઈ વિશિષ્ટતા જણાઈ નહોતી, પરંતુ બેડરૂમમાં ગયા બાદ મારી નજર પેઇન્ટિંગ પર પડી હતી, જેને જોતાં જ મને એ નોંધપાત્ર હોવાનું લાગ્યું હતું. ફિલિપિનો લિપ્પીનો જન્મ ૧૪૫૭માં ઇટલીમાં થયો હોવાનું માનવામાં આવે છે અને તે બોટિસેલ્લીનો વિદ્યાર્થી હતો. તેમના કામમાં ભીંતચિત્રો અને ચિત્રોનો સમાવેશ થાય છે.