02 June, 2022 11:08 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
વિરારમાં રહેતા એક વેપારીએ પરિવાર સાથે સુરત શિફ્ટ થવા માટે પૅકર્સ ઍન્ડ મૂવર્સની સર્વિસ હાયર કરી હતી. તેઓ સુરતમાં તમામ માલ-સામાનની ડિલિવરી કર્યા પછી ત્યાંથી નીકળી ગયા હતા. એ પછી ઘરમાં રાખેલા આશરે ૧૩.૬૪ લાખ રૂપિયાના દાગીના મળી ન આવતાં પૅકર્સ ઍન્ડ મૂવર્સના સ્ટાફને ફોન કર્યો હતા. ત્યારે તેમનો સંપર્ક ન થતાં તેમણે જ દાગીના ચોર્યા હોવાની જાણ થતાં તેમની સામે વિરાર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
વિરાર-વેસ્ટમાં અગાસી રોડ પર રીજન્સી અપાર્ટમેન્ટમાં રહેતા અને કપડાંનું કામકાજ કરતા મુકેશ જૈને કરેલી ફરિયાદ અનુસાર ૧૮ મેએ તેઓ પરિવાર સાથે સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં રહેવા માટે શિફ્ટ થયા હતા. શિફ્ટિંગનું કામ પૅકર્સ ઍન્ડ મૂવર્સના મિથુન વર્માને આપ્યું હતું. તેણે ચાર લોકો સાથે મળીને તમામ સામાનનું શિફ્ટિંગ કરી આપ્યું હતું. ૧૮ મેએ સાંજે તમામ સામાન ડિલિવર થયો હતો. ત્યારે મિથુન પોતાના માણસ સાથે કોઈ વાત કર્યા વગર ત્યાંથી નીકળી ગયો હતો. એ પછી મુકેશભાઈએ ઘરનો તમામ સામાન ઠેકાણે મૂકતાં ૧૩,૬૪,૦૦૦ રૂપિયાના દાગીના મળ્યા નહોતા. એ પછી ડિલિવરી કરવા આવેલા મિથુનનો સંપર્ક કરતાં તેનો પણ ફોન બંધ આવતો હતો. અંતે મિથુન અને તેના સાથીઓ સામે દાગીનાની ચોરીની ફરિયાદ વિરાર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
વિરાર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીની શોધ અમે કરી રહ્યા છીએ. હાલમાં ડિલિવરી માટે આવેલા લોકોનો મોબાઇલ બંધ આવી રહ્યો છે.’