સુરત ડાયમન્ડ બુર્સમાં મહાઆરતીનું આયોજન

24 May, 2022 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં જે રીતે ભારત ડાયમન્ડ બુર્સ છે એવું જ અદ્યતન ડાયમન્ડ બુર્સ સુરતમાં પણ આકાર લઈ રહ્યું છે અને ત્રણથી ચાર ​મહિનામાં એ તૈયાર થઈ જશે.

સુરતમાં તૈયાર થયેલું સુરત ડાયમન્ડ બુર્સ. એમાં ૪૨૦૦ ઑફિસો આવેલી છે.


મુંબઈ : મુંબઈમાં જે રીતે ભારત ડાયમન્ડ બુર્સ છે એવું જ અદ્યતન ડાયમન્ડ બુર્સ સુરતમાં પણ આકાર લઈ રહ્યું છે અને ત્રણથી ચાર ​મહિનામાં એ તૈયાર થઈ જશે. હાલ ઑફિસોમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. જોકે સભ્યો અને વેપારીભાઈઓની માગણી હતી કે હવે જ્યારે કામ પૂરું થવા આવ્યું છે ત્યારે પહેલાં ગણેશજીની સ્થાપના કરીને પૂજા કરવી જોઈએ. એથી સુરત ડાયમન્ડ બુર્સે સભ્યોની એ માગણીને માન આપીને રવિવાર, પાંચમી જૂને ગણેશપૂજન અને મહાઆરતીનું આયોજન કર્યું છે. 
આ આયોજન વિશે માહિતી આપતાં સુરત ડાયમન્ડ બુર્સના ડિરેક્ટર અને જાણીતા વેપારી મથુરભાઈ સવાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોટા ભાગની ઑફિસોમાં હાલ ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. બુર્સના સભ્યો એેવા વેપારીભાઈઓની ઇચ્છા હતી કે ટૂંક સમયમાં બુર્સ ચાલુ થશે, પણ એ પહેલાં જો ગણેશપૂજન થાય તો સારું. એથી આ આયોજન કરવામાં આવ્યું છે. હાલના આયોજન મુજબ રવિવાર, પાંચમી જૂને એક કલાક સુધી બધા જ સભ્ય ભાઈઓ અને તેમના પરિવારને આખું બુર્સ ફરીને દેખાડવામાં આવશે. ત્યાર બાદ એક કલાક ગણેશપૂજન થશે અને એ પછી સાંજે સાત વાગ્યે હાલના બુર્સના ૪૨૦૦ સભ્યો દ્વારા બુર્સના કમ્પાઉન્ડમાં જ ગણેશપૂજનના સ્થળે જ એકસાથે મહાઆરતી કરવામાં આવશે અને ત્યાર બાદ ભોજન-પ્રસાદ લઈને બધા છૂટા પડીશું. બુર્સનું ઓપનિંગ કરવામાં હજી ત્રણ-ચાર મહિના લાગી જશે. બુર્સનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ કરવામાં આવશે.’  
સુરત ડાયમન્ડ બુર્સનું કન્સ્ટ્રક્શન ડિસેમ્બર ૨૦૧૭માં શરૂ કરાયું હતું. ૬૬ લાખ સ્ક્વેર ફુટ એરિયાનું બાંધકામ ધરાવતા બુર્સમાં ૪૨૦૦ ઑફિસો આવેલી છે. એમાં નૅશનલ અને ઇન્ટરનૅશનલ ટ્રેડિંગ કંપનીઓનો સમાવેશ થાય છે. સુરત ડાયમન્ડ બુર્સની ઇમારતો બનાવવામાં ઇન્ટરનૅશનલ ગ્રીન બિલ્ડિંગના માપદંડોને અનુસરવામાં આવ્યા છે. એથી સોલર પાવર સાથે ઇકો-ફ્રેન્ડ્લી આઇટમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.     

gujarat news surat